
ગામમાં 320 જેટલું પશુધન
ગામમાંથી ખેતી અને પશુપાલનનો વ્યવાસાય ધીરે ધીરે ઘટી રહ્યો છે. તેમ છતાં હજુ પણ ગામમાં 320 પશુઓ છે, જેમાં 128 ગાય અને 167 જેટલી ભેંસ છે. આ પશુપાલન થકી ઉત્પન્ન થતું દૂધ વલસાડ શહેરની દૂધની જરૂરિયાત પણ પૂરી પાડી રહ્યું છે. આ સિવાય ગામમાં 24 બકરાં અને એક ઘોડો પણ છે. જ્યારે અહીં 2731 જેટલાં મરઘાં પણ નોંધાયેલાં છે.
ગામના મહત્તમ માર્ગ ઉચ્ચ ગુણવત્તાના
નનકવાડા ગામના અંતરિયાળ માર્ગો ખૂબ સારી ગુણવત્તાના જોવા મળે છે. મહત્તમ સોસાયટીઓમાં પેવર બ્લોકના માર્ગો બનાવાયા છે. જ્યારે અન્ય માર્ગો ડામરના છે, તેમ છતાં સારી ગુણવત્તાના છે. ચોમાસા દરમિયાન પણ નનકવાડા ગામના રોડ પર ખૂબ જ ઓછા ખાડા જોવા મળી રહ્યા છે. સોસાયટીમાં પેવર બ્લોક હોય ત્યાંના માર્ગ પણ ખૂબ સારા છે. જેના કારણે સ્થાનિકોને રોડના મુદ્દે કોઇ ફરિયાદ નથી.
ગામમાં એકપણ કમ્યુનિટી હોલ નથી
નનકવાડા ગામનો આંધળો વિકાસ થયો છે. ગોચરની જમીન પણ બચી નથી. તેમજ હવે સરકારી જમીનો પણ બચી નથી. જેના કારણે અહીં એક કમ્પ્યુનિટી હોલ પણ બની શક્યો નથી. થોડાં વર્ષ અગાઉ અહીં બાકી બચેલી સરકારી જમીનમાં કમ્યુનિટી હોલ બનાવવાનો પ્રયાસ ભૂતકાળના સરપંચોએ કર્યો હતો, પરંતુ તેમને સફળતા ન મળતાં આ સરકારી જમીન પર હાલ આદિજાતિ વિકાસ કમિશનરની કચેરી બની ગઇ છે. જેના કારણે ગામના લોકોએ નાના-મોટા પ્રસંગો માટે વલસાડ શહેરના હોલ પર આધાર રાખવો પડે છે. જોકે, નનકવાડા શહેરને અડીને જ આવ્યું હોય કોઇ મોટી તકલીફ ઊભી થતી નથી.
વિકાસ ઝંખી રહ્યાં છે, નનકવાડાનાં તળાવો
નનકવાડા ગામમાં બે મોટાં તળાવો આવ્યાં છે, જેમાં દેવ તળાવ ખૂબ મોટું તળાવ છે. અહીં બોટિંગની સુવિધા પણ શરૂ કરી શકાય છે. અહીં પંચાયત દ્વારા વોક વે બનાવાયો છે, પરંતુ એક જ તરફ બન્યો છે. અહીં યોગ્ય રીતે વોક-વે બનાવાય તેમજ અહીં નાનો ગાર્ડન તેમજ ઓપન જીમ બનાવાય તો તેને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી શકાય છે. હાલ અહીં તળાવ કિનારે પેવર બ્લોક નંખાવી બાકડા મૂકી નજીવું ડેવલપમેન્ટ કરાયું છે. આ તળાવનું ડેવલપમેન્ટ થાય તો ગ્રામ પંચાયત તેના થકી અહીં રોજગાર ઊભા કરી શકે તેમજ ટિકિટ થકી આવક પણ ઊભી કરી શકે એમ છે. જોકે, શહેરને અડીને આવેલા આ સમૃદ્ધ ગામના વહીવટકર્તાઓએ આ અંગે ક્યારેય પણ ધ્યાન જ નથી આપ્યું. આ સિવાય અહીં ડખાડી તળાવ પણ છે. આ તળાવ પણ હંમેશાં પાણીથી ભરાયેલું જ જોવા મળતું હોય છે. જેના કારણે ગામના ભૂગર્ભ પાણીના સ્તર ક્યારેય પણ સુકાતા નથી.
જોકે, ગામનાં તળાવો વિકાસ ઝંખી રહ્યાં છે.
રખડતાં ઢોરોની વ્યાપક સમસ્યા

નનકવાડા ગામમાં ગોચરની જમીન બચી જ નથી. બીજી તરફ અહીં પશુપાલનનો વ્યવસાય હજુ પણ જોવા મળી રહ્યો છે. જેના કારણે ગામનાં આ ઢોરો ગમે ત્યાં જ રખડતાં જોવા મળી રહ્યા છે. સોસાયટીઓમાં કે મુખ્ય માર્ગો પર પણ ઢોરોનો જમાવડો જોવો એ સામાન્ય છે. જેના કારણે સ્થાનિકો હેરાન-પરેશાન થઇ ગયા છે. જેના માટે તંત્ર લાચાર દેખાઇ રહ્યું છે.
ગટર વ્યવસ્થાનો અભાવ દૂર થશે
નનકવાડા ગામ જોઇને શહેરની અનુભૂતિ થાય છે, પરંતુ અહીં શહેર જેવી પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ જોવા મળે છે. નનકવાડા ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવાઇ જ ન હતી. જોકે, હવે પંચાયત દ્વારા કેટલાક વિસ્તારમાં ગટરો બનાવવાનું કાર્ય શરૂ કરાયું છે. જેને લઇ હવે પાણી ભરાવાની સમસ્યા હલ થઇ શકશે. નનકવાડા ગામમાં ડ્રેનેજ લાઇન પણ નંખાઇ નથી. હજુ પણ એપાર્ટમેન્ટ હોય કે, બંગલાઓ કે ઘર. અહીં હજુ પણ ખાળકૂવાની જ પદ્ધતિ ચાલી રહી છે. જેના કારણે વખતોવખત રહીશોએ ખાળકૂવો ખાલી કરાવવો પડે છે. શહેર સાથે જોડાયેલા આ ગામમાં ડ્રેનેજ લાઇન નંખાઇ જાય તો રહીશોને મોટી રાહત થઇ શકે છે.
સિવિલ હોસ્પિટલ ગામમાં હોવાથી તમામ તબીબી સારવાર ઉપલબ્ધ
નનકવાડા ગામમાં વલસાડ જિલ્લાની સિવિલ હોસ્પિટલ વર્ષોથી કાર્યરત છે. જેને લઇ અહીં પહેલે થી જ તમામ પ્રકારની તબિબિ સારવાર ઉપલબ્ધ છે. એ પણ વિના મુલ્યે. હાલ અહીં મેડિકલ કોલેજ બની જતાં સિવિલ હોસ્પિટલ 800 બેડની થઇ ગઇ છે. તેમજ સ્કીન સ્પેશિયાલિસ્ટ, સાઇક્રિયાટીસ્ટ, ઇએનટી, આઇ સ્પેશિયાલિસ્ટ વગેરે પ્રકારના ડોક્ટરો હવે અહીં રેગ્યુલર બેસતા થઇ જતાં ગામના જ નહી, સમગ્ર જિલ્લાના લોકોને તેનો વ્યાપક પ્રમાણમાં લાભ મળી રહ્યો છે.
સિવિલના કારણે ગામના લોકોને રોજગારી પણ મળી
જિલ્લાની સિવિલ અને હવે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અહીં શરૂ થતાં ગામના લોકોને મોટા પ્રમાણમાં રોજગારી મળી રહી છે. નનકવાડા ગામના અનેક લોકો સિવિલ બહાર ફળના લારીગલ્લા ચલાવી રહ્યા છે. તેમજ સિવિલમાં આવતા દર્દીઓના સંબંધીઓ માટે ખાણીપીણીના લારીગલ્લાઓ પણ અહીં પૂરજોશમાં ચાલી રહ્યા છે. જેને લઇ ગામના અનેક લોકો માટે આ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ વરદાનરૂપ સાબિત થઇ રહી છે. આ ઉપરાંત કોલેજ અને હોસ્પિટલમાં નાની મોટી નોકરીઓની પણ તક ઊભી થઇ છે.
નનકવાડા ગામની આન એવી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ
વલસાડ જિલ્લાની સિવિલ હોસ્પિટલ સાથે શરૂ થયેલી જીએમઇઆરએસ મેડિકલ કોલેજ નનકવાડા ગામની આન બાન શાન બની છે. જેના કારણે નનકવાડા ગામ રાજ્ય સ્તરે નોંધપાત્ર બની રહ્યું છે. ગામમાં સિવિલ હોસ્પિટલની શરૂઆત 2 ઓક્ટોબર-1987થી થઇ હતી. આ હોસ્પિટલમાં પહેલાં ગણતરીના જ વિભાગો કાર્યરત હતા. જોકે, હવે આ હોસ્પિટલ અપગ્રેડ થઇને 700 બેડની થઇ ગઇ છે. આ સાથે અહીં કોલેજ આવતા અહીં 21 પ્રકારના જુદા જુદા વિભાગો શરૂ થઇ ગયા છે. અહીં હૃદય રોગના ઓપરેશન અને તેની સારવાર સિવાયના મહત્તમ રોગોની સારવાર થાય છે. અહીં ડેન્ટીસ્ટ, સ્કીન સ્પેશિયાલિસ્ટ, લેબોરેટરી, એક્સ રે જેવી વિવિધ પ્રકારની ઓપીડી શરૂ થઇ છે. જેમાં સર્જિકલ, ઓર્થોપેડિક, ગાયનેકોલોજી, ઇએનટી, ઓપ્થેર્મોલોજી વગેરે વિભાગ ખૂબ જ ધમધમતા થયા છે. આ મેડિકલ કોલેજમાં 800 વિદ્યાર્થી એમબીબીએસનો કોર્સ કરી રહ્યા છે. જેમની સાથે કોલેજનો એકેડેમિક સ્ટાફ અને ક્લેરિકલ સ્ટાફ તેમજ મેડિકલ કોલેજ હોસ્પિટલનો મોટો સ્ટાફ અહીં કાર્યરત છે. કોલેજના વિદ્યાર્થીઓ અહીં બનાવેલી હોસ્ટેલમાં જ રહે છે. જેના કારણે આખો વિસ્તાર વાઇબ્રન્ટ થઇ ગયો છે. નનકવાડા ગામ ગામ જેવું નહીં, પરંતુ શહેર જેવું ભાસી રહ્યું છે. કોલેજની એક અનોખી રોનક જોવા મળે છે. મોટી મોટી હાઇરાઇઝ હોસ્ટેલ્સ અને હાઇરાઇઝ હોસ્પિટલ એક મેટ્રો સિટીની હોસ્પિટલની ઝાંખી કરાવે છે.