Vadodara

ચાલતી ટ્રેનમાં તસ્કરનો તરખાટ..! પરિવાર ઊંઘતો રહયોને, ગઠીયો રૂ.15 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ગયો

ગોવાથી ફાલના જતી શ્રી ગંગાનગર એક્સપ્રેસમાં બની ચોંકાવનારી ઘટના

અમદાવાદ પહોંચતા પહેલાં લેડીઝ પર્સમાંથી દાગીનાનું બોક્સ ચોરાયાની આશંકા

વડોદરા તા 28

ચાલતી ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલ ઊભો થયો છે. ગોવાના મડગાંવથી રાજસ્થાનના ફાલના જઈ રહેલા પરિવાર ટ્રેનમાં ઊંઘી ગયો હતો ત્યારે તેમની ઊંઘનો લાભ લઈને ગઠિયો ત્યાં ધસી આવ્યો હતો અને લેડીઝ પર્સમાથી અંદાજે રૂ.15 લાખના સોના-ચાંદીના દાગીના ભરેલું બોક્સ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. પરિવારના સભ્યો રાત્રે ફાલના પહોંચી ગયા હતા ત્યારે તેમના પર્સમાંથી ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.

ગોવાના મડગાંવથી ફાલના જતી ટ્રેન શ્રી ગંગાનગર એક્સપ્રેસમાં અરુણકુમાર માલવિયા પરિવાર સાથે એસી-2 ટાયર કોચ A-1માં મુસાફરી કરી રહ્યા હતા. રાત્રિના સમયે પરિવારના સભ્યો ઊંઘી ગયા હતા અને લેડીઝ પર્સ બારી પાસેની સીટ પર રાખવામાં આવ્યુ હતુ. સવારે અમદાવાદ સ્ટેશન પસાર થયા બાદ પરિવાર જાગી ગયો હતો અને ફાલના સુધી સતર્ક રહ્યો હતો. જોકે ફાલના સ્ટેશન પર ઉતરી લેડીઝ પર્સ તપાસતા બે સોનાના મંગળસૂત્ર, એક હીરાજડિત મંગળસૂત્ર, ચાર સોનાના કડા, બે સોનાની વીંટી અને એક ચાંદીની વીંટી સહિત અંદાજે 80 ગ્રામ દાગીના રૂ.15 લાખ ની મતાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ચોરી અમદાવાદ પહોંચતા પહેલાં થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટના બાદ તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા રેલવે પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરની શોધખોળ શરૂ કરી છે.

Most Popular

To Top