Vadodara

મોટનાથ મહાદેવ પાસે સ્પીડ બ્રેકર ન દેખાતા દ્વિચક્રી વાહનચાલકો સ્લિપ થઈ પટકાયા; ગંભીર ઇજાઓ

વડોદરામાં વરસાદથી રસ્તાઓ બિસ્માર: ખાડા અને સફેદ પટ્ટા વગરના સ્પીડ બ્રેકર બન્યા ‘ડેથ ટ્રેપ’
​પાલિકાની અધૂરી કામગીરી સામે લોકોમાં ભારે આક્રોશ

વડોદરા:
​સંસ્કારી નગરી વડોદરામાં તાજેતરમાં પડેલા વરસાદે પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતા રસ્તાના કામો અને પ્રી-મોન્સૂન કામગીરીની દાવેદારીઓની પોલ ખોલી નાખી છે. વરસાદ થતાં જ શહેરના મુખ્ય માર્ગોથી લઈને આંતરિક રસ્તાઓ સુધી ઠેર-ઠેર નાના-મોટા ખાડાઓનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. ચોમાસાની શરૂઆતમાં જ વડોદરાના રસ્તાઓ ચાલી શકાય તેમ ન રહેતા વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક તરફ ખાડાઓથી ભરેલા રસ્તાઓ અને બીજી તરફ પાલિકાની અધૂરી કામગીરીને કારણે વડોદરા શહેર અકસ્માતોનું હબ બની રહ્યું છે.
​રસ્તા પરના ખાડાઓની સમસ્યા તો વ્યાપક છે જ, પરંતુ એ સાથે જ પાલિકા તંત્રની ઘોર બેદરકારી સ્પીડ બ્રેકરો પર પણ છતી થઈ રહી છે. શહેરમાં અનેક જગ્યાએ નવા બનાવાયેલા કે જૂના સ્પીડ બ્રેકર પર ટ્રાફિકના નિયમ મુજબ કરવા પડતા સફેદ પટ્ટા (થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ) કરવામાં આવ્યા નથી. ખાસ કરીને હરણી-મોટનાથ મહાદેવ મંદિર પાસે તાજેતરમાં જ બનાવવામાં આવેલા સ્પીડ બ્રેકર પર પાલિકા દ્વારા સફેદ પટ્ટા દોરવામાં ન આવતા આ સ્પીડ બ્રેકર વાહનચાલકો માટે ‘ડેથ ટ્રેપ’ સમાન બની ગયું છે. રાત્રિના સમયે કે ધૂંધળા વાતાવરણમાં સફેદ પટ્ટાના અભાવે સ્પીડ બ્રેકર દૂરથી દેખાતું નથી, જેના કારણે પુરઝડપે આવતા વાહનો અચાનક બ્રેક મારવા મજબૂર બને છે અથવા તો સ્પીડ બ્રેકર પરથી ઉછળી પડે છે. રવિવારે આવા જ એક અકસ્માતમાં સ્કૂટર સવાર દંપતીને ગંભીર ઇજા થઈ હતી.
​પાલિકાની આ પ્રકારની અધૂરી અને વેઠ ઉતારવાની કામગીરીને કારણે દરોજજ નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. મોટનાથ મહાદેવ રોડ પરથી પસાર થતા અનેક દ્વિચક્રી વાહનચાલકો રસ્તા પરના ખાડા કે સફેદ પટ્ટા વગરના સ્પીડ બ્રેકરના કારણે વાહન પરનો કાબૂ ગુમાવી દેતાં રસ્તા પર પટકાયા હોવાના બનાવો બન્યા છે. વાહન પરથી પતંગની જેમ પટકાવાને કારણે કેટલાક વાહનચાલકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમાં હાડકાં ભાંગવાથી લઈને માથાના ભાગે ગંભીર ચોટો વાગવાના કિસ્સા પણ સામે આવ્યા છે.
​પાલિકાની આવી આધાતજનક અને બેદરકાર નીતિ સામે સ્થાનિક રહીશો તથા વાહનચાલકોમાં ભારે રોષ અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે. લોકોનો આક્ષેપ છે કે પ્રજા પાસેથી નિયમિત વેરો વસૂલતું પાલિકા તંત્ર સુરક્ષિત રસ્તાઓ આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે. માત્ર મોટનાથ મહાદેવ વિસ્તાર જ નહીં, પરંતુ સમગ્ર શહેરમાં જ્યાં પણ સ્પીડ બ્રેકરો પર સફેદ પટ્ટા નથી ત્યાં તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે અને રસ્તા પર પડેલા ખાડાઓનું યોગ્ય પૂરાણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. જો પાલિકા તંત્ર વહેલી તકે જાગીને આ સુધારા નહીં કરે, તો આગામી દિવસોમાં કોઈ મોટો જાનહાનિનો અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

Most Popular

To Top