સુરત : સુરતમાં સતત ત્રીજા દિવસે પણ ખાડીપૂરની સ્થિતિ યથાવત રહી છે. શુક્રવારે સાંજે પડેલા ભારે વરસાદ બાદ શહેરની પાંચેય મુખ્ય ખાડીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. તેમાં સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ મીઠીખાડીની રહી હતી, જેનું જળસ્તર રાત્રે 8 વાગ્યે 9.10 મીટર નોંધાયું હતું. મીઠીખાડી હવે તેની 9.35 મીટરની ભયજનક સપાટીથી માત્ર 0.25 મીટર (25 સેમી) દૂર રહી હોવાથી લિંબાયત અને આસપાસના ખાડીકાંઠાના વિસ્તારોમાં ફરી ખાડીપૂરની દહેશત ફેલાઈ છે.
આંકડાઓ મુજબ, મીઠીખાડીનું જળસ્તર ગઈકાલના 8.95 મીટરની સરખામણીએ 0.15 મીટર વધ્યું છે. બીજી તરફ ભાઠેના ખાડીમાં સૌથી વધુ 0.55 મીટરનો વધારો નોંધાયો છે અને તેનું જળસ્તર 6.70 મીટરે પહોંચ્યું છે.
ભેદવાડ ખાડીનું જળસ્તર રાત્રે 8 વાગ્યે 6.90 મીટર નોંધાયું હતું. આ લેવલ ગઈકાલના 7.40 મીટર કરતાં ઓછું છે, છતાં ભેદવાડ ખાડી અગાઉ ભયજનક સપાટી વટાવી ચૂકેલી હોવાથી તંત્ર દ્વારા તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે. સીમાડા ખાડીનું જળસ્તર 4.70 મીટર નોંધાયું હતું, જ્યારે તેની ભયજનક સપાટી 4.50 મીટર છે. એટલે કે સીમાડા ખાડી હાલ પણ ભયજનક સપાટીથી 20 સેન્ટીમીટર ઉપર વહેતી હોવાથી આ વિસ્તાર માટે પણ એલર્ટની સ્થિતિ યથાવત રહી છે.બીજી તરફ કાંકરા ખાડીનું જળસ્તર 6.60 મીટર પર સ્થિર રહ્યું હતું અને તેમાં ગઈકાલની સરખામણીએ કોઈ વધારો નોંધાયો નહોતો.
કાંકરા ખાડી હજુ પણ તેની ભયજનક સપાટીથી લગભગ 1.88 મીટર નીચે હોવાથી ત્યાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનું માનવામાં આવે છે. શુક્રવારે સાંજે માત્ર બે કલાકમાં શહેરમાં પડેલા ભારે વરસાદની સીધી અસર ખાડીઓના જળસ્તર પર જોવા મળી હતી. ખાસ કરીને લિંબાયત ઝોનમાં સૌથી વધુ વરસાદ નોંધાતા મીઠીખાડીના જળસ્તરમાં ઝડપી વધારો થયો હતો. મીઠીખાડી ભયજનક સપાટીની અત્યંત નજીક પહોંચી જતાં લિંબાયત, મીઠીખાડી કાંઠાના વિસ્તારો તથા અગાઉ ખાડીપૂરથી પ્રભાવિત વિસ્તારોમાં સ્થાનિકો સતર્ક બન્યા હતા.
- ખાડીના લેવલ રાત્રે 8 વાગ્યે (મીટરમાં)
ખાડી હાલમાં ગઈકાલના ભયજનક - કાંકરા 6.60 6.60 8.48
ભેદવાડ 6.90 7.40 7.20
મીઠી 9.10 8.95 9.35
ભાઠેના 6.70 6.15 8.25
સીમાડા 4.70 4.85 4.50