India

દિલ્હીમાં CJP આંદોલન વચ્ચે સુરક્ષા ચુસ્ત

આજે સરકાર સાથે ત્રીજા તબક્કાની નિર્ણાયક બેઠક, સંસદ માર્ચની ફરી જાહેરાત શક્ય;

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચાલી રહેલા આંદોલનને લઈને શનિવારે જંતર-મંતર અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને CJP વચ્ચે આજે બપોરે 3:30 વાગ્યે ત્રીજા તબક્કાની બેઠક યોજાવાની છે. જો કે સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં તમામ મુદ્દાઓ પર સહમતિ નહીં બને તો CJP ફરી એકવાર સંસદ સુધી વિશાળ માર્ચની જાહેરાત કરી શકે છે.આ દરમિયાન કોંગ્રેસે પણ NEET પેપર લીક, CBSE સંબંધિત મુદ્દાઓ અને વિદ્યાર્થીઓ સાથે એકતા દર્શાવવા માટે દેશભરના જિલ્લા મથકો પર કેન્ડલ માર્ચ, સત્યાગ્રહ યોજવાનો નિર્ણય લીધો છે. જેના કારણે રાજકીય માહોલ વધુ ગરમાયો છે.

સરકાર અને CJP વચ્ચે બે કલાક લાંબી બેઠક
શુક્રવારે સરકાર અને કોકરોચ જનતા પાર્ટીના પ્રતિનિધિઓ વચ્ચે લગભગ બે કલાક સુધી લાંબી ચર્ચા થઈ હતી. બેઠકમાં બંને પક્ષો વચ્ચે કુલ ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણમાંથી બે મુદ્દાઓ પર સરકાર અને CJP વચ્ચે સિદ્ધાંતતઃ સહમતિ બનતી જોવા મળી છે. જોકે, કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની CJPની મુખ્ય માંગ પર હજુ સુધી કોઈ સર્વસંમતિ બની શકી નથી.આ મુદ્દે આજે યોજાનારી ત્રીજા તબક્કાની બેઠક નિર્ણાયક સાબિત થઈ શકે છે.

બપોરે 3:30 વાગ્યે થશે ત્રીજો રાઉન્ડ
કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ આજે બપોરે 3:30 વાગ્યે CJPના પ્રતિનિધિમંડળ સાથે ફરી બેઠક કરશે.આ બેઠકમાં સરકાર અને CJP વચ્ચે બાકી રહેલા વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા થશે.રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે જો શિક્ષણમંત્રીના રાજીનામા સહિતના મુદ્દાઓ પર સમાધાન નહીં થાય તો CJP દેશવ્યાપી આંદોલનને વધુ ઉગ્ર બનાવી શકે છે અને ફરી એકવાર સંસદ સુધીના વિશાળ વિરોધ માર્ચની જાહેરાત કરી શકે છે.

જંતર-મંતર આસપાસ સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક
આંદોલનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સમગ્ર જંતર-મંતર વિસ્તારને હાઈ સિક્યોરિટી ઝોનમાં ફેરવી દીધો છે.
પોલીસ દ્વારા વધારાના બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે.માત્ર એટલું જ નહીં, પરંતુ બેરિકેડ્સને ભારે લોખંડી જંજીરો વડે એકબીજા સાથે બાંધીને વેલ્ડિંગ કરવામાં આવ્યું છે જેથી કોઈપણ વ્યક્તિ તેને સરળતાથી હટાવી ન શકે.તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત, ક્વિક રિએક્શન ટીમો, રેપિડ એક્શન ફોર્સ તથા અન્ય સુરક્ષા દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમથી મોટો ખુલાસો
દિલ્હી પોલીસના ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમ (FRS) દ્વારા જંતર-મંતર વિસ્તારમાં એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ 20 જુલાઈથી 24 જુલાઈ વચ્ચે જંતર-મંતર અને તેની આસપાસના વિસ્તારોમાં લગભગ 400 જેટલા એવા લોકોની ઓળખ કરવામાં આવી છે જેમનો ભૂતકાળમાં ગુનાહિત રેકોર્ડ રહ્યો છે.આ માહિતી બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં વધુ સતર્કતા દાખવી છે.શંકાસ્પદ લોકો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને દરેક પ્રવેશદ્વાર પર ચુસ્ત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

કોન્સ્ટિટ્યુશન ક્લબમાં મહત્વપૂર્ણ ચર્ચા
શુક્રવારે દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં CJP તરફથી સોરભ દાસ અને આશુતોષ રાંકાએ કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી. નડ્ડા તથા કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ સાથે મુલાકાત કરી હતી.બંને પક્ષો વચ્ચે લગભગ બે કલાક સુધી વિસ્તૃત ચર્ચા થઈ હતી.
આ બેઠક બાદ બંને પક્ષોએ આગામી ચર્ચા માટે આજે બપોરે ફરી મળવાનું નક્કી કર્યું હતું.રાજકીય નિરીક્ષકોના મતે આજની બેઠક સમગ્ર આંદોલનની દિશા નક્કી કરી શકે છે.

શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ યથાવત
CJPનું કહેવું છે કે NEET પેપર લીક સહિતની પરીક્ષા સંબંધિત ગેરરીતિઓ માટે જવાબદારી નક્કી થવી જોઈએ. પાર્ટી સતત કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહી છે.સરકારે અત્યાર સુધી આ માંગ સ્વીકારી નથી.જો કે આ જ મુદ્દો હાલ સરકાર અને CJP વચ્ચેનો સૌથી મોટો મતભેદ માનવામાં આવી રહ્યો છે.આ સાથે જ નાગપુરની વિદ્યાર્થીનીની માતા પણ આંદોલનમાં જોડાય છે,NEET પેપર લીક પ્રકરણ બાદ આત્મહત્યા કરનાર નાગપુરની વિદ્યાર્થીની આકાંક્ષા ચતુર્વેદીની માતા નીલમ ચતુર્વેદી પણ હવે CJPના આંદોલન સાથે જોડાઈ છે. તેમણે નાગપુરના સંવિધાન ચોક ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.તેમણે કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ કરતાં જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની માંગો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ દરરોજ આંદોલનમાં જોડાશે. જરૂર પડશે તો તેઓ દિલ્હીમાં યોજાનારા આગામી આંદોલનમાં પણ ભાગ લેશે.તેમણે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની માંગને ફરી એકવાર મજબૂત રીતે ઉઠાવી હતી.

કોંગ્રેસનો દેશવ્યાપી વિરોધ કાર્યક્રમ
અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC)એ પણ આ મુદ્દે સરકાર સામે મોરચો ખોલ્યો છે.કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ દ્વારા તમામ પ્રદેશ કોંગ્રેસ સમિતિઓને પરિપત્ર મોકલી દેશભરના જિલ્લા મથકો પર કેન્ડલ માર્ચ , સત્યાગ્રહ યોજવા સૂચના આપવામાં આવી છે.આ કાર્યક્રમ NEET અને CBSE સંબંધિત મુદ્દાઓ, વિદ્યાર્થીઓ સાથે એકતા વ્યક્ત કરવા તેમજ વિદ્યાર્થીઓ સામે થયેલી કાર્યવાહીનો વિરોધ કરવા માટે યોજવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે કાર્યકરો અને સામાન્ય નાગરિકોને પણ આ કાર્યક્રમમાં જોડાવા અપીલ કરી છે.

રાજકીય તણાવ વધુ વધવાની શક્યતા
રાજકીય વિશ્લેષકોના મતે જો આજની બેઠકમાં કોઈ મહત્વપૂર્ણ સમાધાન નહીં થાય તો આગામી દિવસોમાં વિરોધ વધુ ઉગ્ર બની શકે છે.CJP ફરીથી સંસદ માર્ચ, દેશવ્યાપી પ્રદર્શન અને અન્ય કાર્યક્રમોની જાહેરાત કરી શકે છે.બીજી તરફ કોંગ્રેસ પણ પોતાના વિરોધ કાર્યક્રમો દ્વારા સરકાર પર દબાણ વધારવાનો પ્રયાસ કરી રહી છે. પરિસ્થિતિમાં રાજધાની દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા આગામી દિવસોમાં પણ વધુ કડક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દિલ્હીમાં ચાલી રહેલા આંદોલન અને સરકાર સાથેની આજની બેઠક પર સમગ્ર દેશની નજર છે. બેઠકનું પરિણામ માત્ર CJPના આગામી પગલાં જ નક્કી નહીં કરે, પરંતુ NEET, CBSE અને શિક્ષણ વ્યવસ્થા સંબંધિત ચાલી રહેલી રાષ્ટ્રીય ચર્ચાની દિશા પર પણ તેની અસર જોવા મળી શકે છે.

Most Popular

To Top