સુરત: સુરત શહેર અને જિલ્લામાં સતત વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારી અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ શાળા અને કોલેજોના સંચાલકોને સ્થાનિક પરિસ્થિતિને આધારે નિર્ણય લેવાની સત્તા આપી છે. શનિવાર, 25 જુલાઈના રોજ જો વરસાદની સ્થિતિ ગંભીર હોય તો સંબંધિત શાળા અને કોલેજોના આચાર્ય પોતાની કક્ષાએ રજા જાહેર કરી શકશે.
સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ યથાવત રહ્યો છે. શુક્રવારે દિવસભર રિમઝિમ વરસાદ બાદ સાંજના સમયે ધોધમાર વરસાદ વરસતાં શહેરમાં મોડી સાંજ સુધીમાં કુલ 1.50 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે તમામ પ્રકારની શાળાઓના આચાર્યોને વિદ્યાર્થીઓની સલામતીને પ્રથમ પ્રાધાન્ય આપી સ્થાનિક વરસાદી સ્થિતિને આધારે નિર્ણય લેવા સૂચના આપી છે. તેવી જ રીતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવ આર.સી. ગઢવીએ સંલગ્ન કોલેજોના આચાર્યોને પણ કોલેજ ચાલુ રાખવી કે રજા જાહેર કરવી તે અંગે પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવા જણાવ્યું છે.