Columns

પોસ્ટમોર્ટમની નવી AI પદ્ધતિથી ગુના ઉકેલવામાં મદદ મળશે

દરેક ટેકનોલોજીમાં AIનો સંયોગ થઈ રહ્યો છે. તમે હાથમાં જે ફોન રાખ્યો છે ત્યાંથી લઈને તમારી ઓફિસના ડેસ્ક સુધી બધે જ AI ટેકનોલોજી કોઈ ને કોઈ સ્વરૂપે પહોંચી ચૂકી છે. તમે કોઈ કસ્ટમર કેર સર્વિસનો સંપર્ક કરો ત્યારે પણ AI ચેટબોટ હાજર થઈ જાય છે. સ્પેશિયલાઈઝેશન ટૂલ્સનો યુગ શરૂ થયો છે. સ્માર્ટ ડિવાઈસિસ AIથી સજ્જ થઈ ગયા છે. વોઈસ આસિસ્ટન્ટથી લઈને સર્ચ ટૂલ્સ, ફોટો ફિલ્ટર, રીલ્સ એડિટિંગ, કેપ્શન રાઈટિંગ, એનિમેશન ક્રિએશન જેવા અનેક ક્ષેત્રોમાં AIનો વિસ્તાર સતત વધી રહ્યો છે.


તમે ઈ-મેઈલ કરો ત્યારે AI હાજર હોય છે. તમે વોઈસથી કંઈક લખો ત્યારે AI મદદ કરે છે. તમે વીડિયો કોલ કરો ત્યારે પણ AI ફિલ્ટર કે વોઈસ ક્લેરિટી માટે તમને મદદ કરે છે. લગભગ દરેક મોટી કંપનીએ તમને AI આસિસ્ટન્ટ આપીને જાણે પર્સનલ આસિસ્ટન્ટ જેવી સુવિધા આપી દીધી છે. તમે તેને મેપ વિશે પૂછો, રેસ્ટોરાં વિશે પૂછો, કોફી શોપનું સરનામું પૂછો કે કોઈ મ્યુઝિકલ ટ્રેકની વિગતો પૂછો, તે તમને 24 કલાક મદદ કરવા તૈયાર રહે છે.
મેડિકલ ક્ષેત્રમાં પણ AIનો વિસ્તાર ઝડપથી વધી રહ્યો છે. અત્યાર સુધી નેનોબોટ્સની જ ચર્ચા થતી હતી. હવે એનાથી આગળ વધીને AI ટેકનોલોજીથી સંચાલિત રોબોટ્સ મદદે આવશે. એટલું જ નહીં, સર્જરી આસિસ્ટન્ટ તરીકે પણ AI બોટ્સ કાર્ય કરે તેવા દિવસો દૂર નથી. તમે AI બોટ્સને નાની-મોટી બાબતોમાં આરોગ્ય સંબંધિત સલાહ આપવા કહો તો પણ તે જાણે કોઈ અનુભવી ડૉક્ટર સમજાવે તેવી શૈલીમાં વિગતવાર માહિતી આપે છે. આગળ વાંચ્યું તેમ, AI હવે ખરેખર દરેક ક્ષેત્રમાં પહોંચી ગયું છે. હવે તેમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિનો ઉમેરો થયો છે.
સ્વીડનની લિંકોપિંગ યુનિવર્સિટીના સંશોધકોએ મૃતદેહના લોહીના નમૂના પરથી મૃત્યુનો સમય જાણી શકે એવું એક AI મોડેલ વિકસાવ્યું છે. મૃત્યુ પછી બે સપ્તાહ વીતી ગયા હોય તો પણ મૃત્યુનો સમય જણાવવામાં આ મોડેલ અત્યંત અસરકારક સાબિત થયું છે. સંશોધકોએ આશા વ્યક્ત કરી છે કે પોલીસ તપાસમાં આ મોડેલ ખૂબ ઉપયોગી સાબિત થશે અને તપાસનું કામ વધુ સરળ બનશે. અત્યાર સુધી પ્રચલિત પદ્ધતિઓથી લાંબા સમય બાદ મૃત્યુનો ચોક્કસ સમય જાણી શકાતો ન હતો. AI એ સાબિત કરી દીધું છે કે તે લોહીના માત્ર એક નમૂના પરથી મૃત્યુનો સમય ચોકસાઈપૂર્વક અંદાજી શકે છે, નવા સંશોધન મુજબ વ્યક્તિના મૃત્યુના લગભગ બે અઠવાડિયા પછી પણ આ AI મોડેલ મૃત્યુનો સમય જાણી શકે છે. સ્વીડનની લિંકોપિંગ યુનિવર્સિટીના ડૉ. રાસ્મસ મેગ્નસન અને તેમની ટીમે હજારો કેસોના અભ્યાસના આધારે આ પદ્ધતિ વિકસાવી છે. તેમણે જોયું કે મૃત્યુ પછી લોહીમાં થતા રાસાયણિક ફેરફારોના આધારે મૃત્યુનો સમય ચોકસાઈથી જાણી શકાય છે. આ માટે તેમણે લગભગ 5,000 લોહીના નમૂનાઓ પર વિસ્તૃત સંશોધન કર્યું હતું. અત્યાર સુધી ફોરેન્સિક નિષ્ણાતો શરીરનું ઠંડુ પડવું, સ્નાયુઓ જકડાઈ જવા અથવા આંખના પ્રવાહીમાં થતા ફેરફારોના આધારે મૃત્યુનો સમય નક્કી કરતા હતા. જોકે, મૃત્યુના 48 કલાક પછી આ પદ્ધતિઓ એટલી વિશ્વસનીય રહેતી નથી. સ્વીડનના નેશનલ બોર્ડ ઑફ ફોરેન્સિક મેડિસિને સંશોધન માટે હજારો પોસ્ટમોર્ટમ કેસ ઉપલબ્ધ કરાવ્યા હતા, જેમાંથી લગભગ 5,000 લોકોના મૃત્યુનો ચોક્કસ સમય નોંધાયેલો હતો. તેના આધારે AI મોડેલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન AI મોડેલે આશ્ચર્યજનક રીતે અત્યંત સચોટ પરિણામો આપ્યાં હતાં. મોડેલે લોહીમાં રહેલા સેંકડો રસાયણોની પેટર્ન શીખીને એ જાણી લીધું કે મૃત્યુને કેટલો સમય વીતી ગયો છે. આ નવી ટેકનોલોજી ગુનાખોરીની તપાસમાં પોલીસ માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.આ પદ્ધતિ માટે કોઈ નવા કે મોંઘા સાધનોની જરૂર નથી. જે પ્રયોગશાળાઓમાં નિયમિત લોહીના પરીક્ષણો થાય છે ત્યાં ઉપલબ્ધ સાધનો દ્વારા જ જરૂરી માહિતી મેળવી શકાય છે. આ સંશોધન ‘નેચર કમ્યુનિકેશન્સ’ જર્નલમાં પ્રકાશિત થયું છે. ભવિષ્યમાં આ મોડેલને વધુ અસરકારક બનાવવાની યોજના છે, જેથી મૃત્યુ દિવસના કયા ચોક્કસ કલાકે થયું હતું તે પણ જાણી શકાય. જો આવું શક્ય બનશે તો પોસ્ટમોર્ટમ વિજ્ઞાનમાં એક મોટો પરિવર્તન આવશે.

-આનંદ ગાંધી

Most Popular

To Top