હવે અભિજીત દિપકે આમરણાંત ભૂખ હડતાળ પર બેસવાની કરી જાહેરાત
જંતર-મંતર પરથી વાંગચુકને હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી બાદ વિવાદ વધુ ઘેરાયો; CJPના સ્થાપકે પોલીસ પર બળપ્રયોગ, મારપીટ અને લોકશાહી દબાવવાના ગંભીર આરોપ લગાવ્યા, 20 જુલાઈની સંસદ કૂચ યથાવત રાખવાની જાહેરાત
દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા સોનમ વાંગચુકના આંદોલનને લઈને વિવાદ વધુ તીવ્ર બન્યો છે. સોનમ વાંગચુકને પોલીસ દ્વારા વહેલી સવારે સફદરજંગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દિપકેએ કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. દિપકે દાવો કર્યો કે વાંગચુકને “ચોરોની જેમ ચાદરની આડમાં” પ્રદર્શન સ્થળેથી લઈ જવામાં આવ્યા અને સમગ્ર કાર્યવાહી પારદર્શક રીતે કરવામાં આવી નહોતી. આ ઘટનાના વિરોધમાં તેમણે પોતે પણ આમરણાંત ભૂખ હડતાળ શરૂ કરવાની જાહેરાત કરી છે.
અભિજીત દિપકેએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે સોનમ વાંગચુક છેલ્લા 20 દિવસથી વધુ સમયથી સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે ભૂખ હડતાળ કરી રહ્યા હતા. તેમના કહેવા મુજબ, પોલીસ મધરાત બાદ મોટી સંખ્યામાં જંતર-મંતર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. ત્યારબાદ ચાદરોની આડ બનાવી વાંગચુકને બહાર કાઢવામાં આવ્યા જેથી ત્યાં હાજર લોકો અથવા મીડિયા સમગ્ર કાર્યવાહી જોઈ ન શકે. દિપકેએ આને લોકશાહી મૂલ્યો વિરુદ્ધ ગણાવ્યું. દિપકેનો આરોપ છે કે પોલીસ અને પ્રશાસને ઇરાદાપૂર્વક આ કાર્યવાહી ગુપ્ત રીતે કરી હતી. તેમણે કહ્યું કે જો સરકારને વિશ્વાસ હતો કે તે યોગ્ય કામ કરી રહી છે, તો પછી સમગ્ર કાર્યવાહી ખુલ્લેઆમ કેમ ન કરવામાં આવી? તેમના મતે આ સમગ્ર ઘટનાથી સ્પષ્ટ થાય છે કે સરકાર વિરોધના અવાજને દબાવવા માંગે છે.
CJPના સ્થાપકે વધુમાં દાવો કર્યો કે પોલીસ કાર્યવાહી દરમિયાન તેમની સાથે પણ ધક્કામુક્કી કરવામાં આવી હતી. તેમણે આરોપ મૂક્યો કે કેટલાક કાર્યકરોને અટકાવવામાં આવ્યા અને પ્રદર્શનકારીઓને જંતર-મંતર ખાલી કરવા માટે દબાણ કરવામાં આવ્યું. તેમના જણાવ્યા મુજબ આંદોલન સંપૂર્ણપણે અહિંસક હતું છતાં પોલીસનો અભિગમ અત્યંત કડક રહ્યો.
અભિજીત દિપકેએ જાહેરાત કરી કે સોનમ વાંગચુકની જગ્યાએ હવે તેઓ પોતે આમરણાંત ભૂખ હડતાળ શરૂ કરશે. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી વિદ્યાર્થીઓ અને યુવાનોની માંગણીઓ પર સરકાર યોગ્ય નિર્ણય નહીં લે ત્યાં સુધી આંદોલન અટકશે નહીં. તેમણે કાર્યકરોને પણ શાંતિપૂર્ણ રીતે લડત ચાલુ રાખવાની અપીલ કરી.
સોનમ વાંગચુક છેલ્લા ત્રણ સપ્તાહથી વધુ સમયથી શિક્ષણ વ્યવસ્થામાં સુધારા, પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓ સામે કાર્યવાહી અને જવાબદારી નક્કી કરવાની માંગ સાથે ભૂખ હડતાળ પર હતા. તેમના આંદોલનને દેશના અનેક વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાજિક કાર્યકરોનું સમર્થન મળ્યું છે. તેમજ દિલ્હી પોલીસે બીજી તરફ સ્પષ્ટતા કરી છે કે સોનમ વાંગચુકને હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય સંપૂર્ણપણે તબીબી સલાહના આધારે લેવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ મુજબ વાંગચુકના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી હતી અને ડૉક્ટરોએ તેમની સ્થિતિ ગંભીર બનવાની શક્યતા દર્શાવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ભલામણ કરી હતી.
સફદરજંગ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર લાંબા ઉપવાસને કારણે સોનમ વાંગચુકનું શરીર નબળું પડી ગયું છે. હાલ તેમની સ્થિતિ સ્થિર છે પરંતુ સતત તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.જંતર-મંતર પર થયેલી આ કાર્યવાહી બાદ વિરોધ પક્ષોએ પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. જો કે અનેક નેતાઓએ આરોપ લગાવ્યો કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને લોકશાહી પદ્ધતિથી અવાજ ઉઠાવનારાઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ દરમિયાન કોકરોચ જનતા પાર્ટીએ 20 જુલાઈએ સંસદ સુધી પ્રસ્તાવિત કૂચ યથાવત રહેશે તેવી જાહેરાત કરી છે. અભિજીત દિપકેએ જણાવ્યું કે સોનમ વાંગચુક હોસ્પિટલમાં હોવા છતાં આંદોલન બંધ નહીં થાય અને હજારો વિદ્યાર્થીઓ તથા સમર્થકો શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ રજૂ કરશે.
આંદોલનકારીઓનું કહેવું છે કે તેમનો મુખ્ય હેતુ પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા લાવવાનો, ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરવાની અને વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. તેમના મતે આ મુદ્દો માત્ર એક વ્યક્તિનો નહીં પરંતુ દેશભરના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો છે. સોનમ વાંગચુકને હોસ્પિટલમાં ખસેડવાની સમગ્ર ઘટનાએ દેશભરમાં રાજકીય અને સામાજિક ચર્ચા શરૂ કરી છે. એક તરફ સરકાર અને પોલીસ તબીબી જરૂરિયાતને કારણ ગણાવી રહી છે, જ્યારે બીજી તરફ આંદોલનકારીઓ તેને લોકશાહી વિરોધને દબાવવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે.
હાલ સોનમ વાંગચુક સફદરજંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે અભિજીત દિપકેએ તેમના સમર્થનમાં આમરણાંત ભૂખ હડતાળ પર બેસવાની જાહેરાત કરીને આંદોલનને નવી દિશા આપી છે. હવે સૌની નજર 20 જુલાઈના પ્રસ્તાવિત સંસદ કૂચ, સરકારની આગામી કાર્યવાહી અને સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય પર કેન્દ્રિત છે.