Halol

પાવાગઢ ડુંગર પર ડી-કમ્પોઝ હાલતમાં યુવકની લાશ મળતા ચકચાર

ગરબાડાના 40 વર્ષીય દીપકકુમાર ગોહિલની ઓળખ, મોતનું કારણ હજુ રહસ્ય

હાલોલ, તા. 18 જુલાઈ, 2026 ()

યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આવેલા ઐતિહાસિક અટક દરવાજા નજીકના જંગલ વિસ્તારમાંથી શુક્રવારે એક યુવકની ડી-કમ્પોઝ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પાવાગઢ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના રહેવાસી દીપકકુમાર રૂપસિંગ ગોહિલ (ઉં. 40) તરીકે થઈ છે.

પાવાગઢ સુધી કેવી રીતે પહોંચ્યો? અનેક સવાલો યથાવત્

પ્રાથમિક તપાસમાં યુવક પાવાગઢ ડુંગર પર કેવી રીતે પહોંચ્યો અને તેનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. ઘટનાને લઈને આત્મહત્યા, અકસ્માત અથવા અન્ય કોઈ કારણની શક્યતાઓને ધ્યાનમાં રાખીને પોલીસે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ થશે મોતના કારણનો ખુલાસો

પાવાગઢ પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્ર કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ જ યુવકના મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. હાલ સમગ્ર મામલે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top