Vadodara

માત્ર 10થી 15 મિનિટમાં ‘ફોન બુક’ સાફ! આજવા રોડ પર શટર ઊંચું કરી 50 લાખથી વધુના મોબાઇલની ચોરી

બાઈક પર આવેલા બે માસ્કધારી તસ્કરો CCTV કેમેરામાં કેદ, 50થી 70 નંગ મોંઘા મોબાઇલ અને ગલ્લામાંથી રૂ.15 હજારની રોકડ લઈ ચોરો ફરાર

વડોદરા તા.18

વડોદરા શહેરમાં તસ્કરોએ ફરી એકવાર પોલીસને પડકાર ફેંક્યો છે. આજવા રોડ પર શ્રી હરિ ટાઉનશીપના ‘ફોન બુક’ મોબાઇલ શોરૂમમાં મોડી રાત્રે બે માસ્કધારી તસ્કરો શટર ઊંચું કરી અંદર ઘૂસ્યા હતા અને આઈફોન, સેમસંગ તેમજ વીવો કંપનીના અંદાજે 50થી 70 નંગ મોંઘા મોબાઇલ સહિત રૂ.50 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતાં પોલીસે ટેકનિકલ પુરાવાના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વડોદરાના આજવા રોડ વિસ્તારમાં શ્રી હરિ ટાઉનશીપ સ્થિત ‘ફોન બુક’ મોબાઇલ શોરૂમને મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ બે અજાણ્યા શખ્સો બાઈક પર આવ્યા હતા. બંનેએ માસ્ક અને કાળા કપડાં પહેર્યા હતા ત્યારબાદ તેમણે શોરૂમનું શટર અડધું ઊંચું કરી અંદર પ્રવેશ કર્યો અને ગણતરીની મિનિટોમાં કિંમતી મોબાઇલ ફોન સમેટી લીધા હતા.

તસ્કરો આઈફોન, સેમસંગ અને વીવો કંપનીના અંદાજે 50થી 70 મોંઘા મોબાઇલ ફોન તેમજ ગલ્લામાં રહેલા રૂ.15 હજારની રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. ચોરી થયેલા મોબાઇલની કુલ કિંમત રૂ.50 લાખથી વધુ હોવાનું પ્રાથમિક અંદાજ છે.
સવારે દુકાનના માલિક ધર્મેન્દ્ર ત્રિલોકાની શોરૂમ ખોલવા પહોંચ્યા ત્યારે અંદરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. તપાસ કરતાં કિંમતી મોબાઇલ અને રોકડ ગાયબ હોવાનું સામે આવતા તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી.

બનાવની માહિતી મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ફોરેન્સિક અને અન્ય ટેકનિકલ પુરાવા એકત્ર કર્યા છે તેમજ દુકાનમાં લાગેલા CCTV ફૂટેજ કબજે કર્યા છે. ફૂટેજમાં બે માસ્કધારી તસ્કરો ચોરી કરતા સ્પષ્ટ દેખાતા હોવાથી તેમની ઓળખ માટે તપાસ તેજ કરવામાં આવી છે.
શોરૂમના સંચાલક ધર્મેન્દ્ર ત્રિલોકાનીએ જણાવ્યું હતું કે, બાઈક પર આવેલા બે ચોરોએ શટર ઊંચું કરીને અંદર પ્રવેશ કર્યો હતો અને રૂ.50 લાખથી વધુ કિંમતના મોબાઇલ તથા રૂ.15 હજારની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે CCTV ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.

Most Popular

To Top