બાંગ્લાદેશે તિસ્તા નદી મેનેજમેન્ટ પ્રોજેક્ટ (TRMP) માટે ભારતને બદલે ચીનની પસંદગી કરીને દક્ષિણ એશિયાની રાજકીય અને વ્યૂહાત્મક પરિસ્થિતિમાં નવી ચર્ચા જગાવી છે. આ નિર્ણય માત્ર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પૂરતો સીમિત નથી, પરંતુ ભારત, બાંગ્લાદેશ અને ચીન વચ્ચેના બદલાતા સંબંધોનો પણ મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવી રહ્યો છે. બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તારિક રહેમાનની સરકારે તિસ્તા નદીના વિકાસ અને સંચાલન માટે ચીનની સરકારી કંપની ‘પાવર ચાઇના’ સાથે સરકારથી સરકાર (G2G) કરાર કર્યો છે. આ પ્રોજેક્ટ માટે ચીન બાંગ્લાદેશને આશરે 7 હજાર કરોડની સોફ્ટ લોન આપશે. આ લોન બાંગ્લાદેશે આગામી 50 વર્ષ દરમિયાન પરત કરવાની રહેશે.
ખાસ વાત એ છે કે ભારતે 2024માં તત્કાલીન શેખ હસીના સરકારને આ જ પ્રોજેક્ટ માટે લગભગ 9 હજાર કરોડના રોકાણની ઓફર કરી હતી, પરંતુ તે સમયે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નહોતો. હવે નવી સરકારે ભારતની ઓફરને બાજુએ રાખીને ચીન સાથે આગળ વધવાનો નિર્ણય લીધો છે. આ કરાર બાદ ચીનની લગભગ 50 સભ્યોની એન્જિનિયર અને ટેકનિકલ નિષ્ણાતોની ટીમ બાંગ્લાદેશ પહોંચી ગઈ છે. આ ટીમ તિસ્તા નદીના કેચમેન્ટ વિસ્તારનો સર્વે કરી રહી છે. ચોમાસા દરમિયાન નદીના પાણીના પ્રવાહ, પૂર અને તળછટ (સિલ્ટ)ની સ્થિતિનો અભ્યાસ કરવામાં આવશે. તેના આધારે બંધ, જેટી અને અન્ય જરૂરી માળખાકીય સુવિધાઓ માટે વિગતવાર યોજના તૈયાર કરવામાં આવશે.
બાંગ્લાદેશ સરકારની ઈચ્છા છે કે ચોમાસામાં વહેતા વધારાના પાણીનું વધુ સારી રીતે સંચાલન થઈ શકે, જેથી આગામી વર્ષથી ખરીફ પાક માટે વધુ પાણી ઉપલબ્ધ થઈ શકે. ચીને તળછટ દૂર કરવા અને પાણીના સંચાલનમાં પણ મદદ કરવાની ખાતરી આપી છે. આ સમગ્ર પ્રોજેક્ટને લઈને ભારતની ચિંતા માત્ર પાણીના પ્રશ્ન સુધી મર્યાદિત નથી. પ્રોજેક્ટ વિસ્તાર ભારત-બાંગ્લાદેશ સરહદથી માત્ર 10થી 12 કિલોમીટર દૂર આવેલો છે. એટલું જ નહીં, ભારતના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના સિલીગુડી કોરિડોર, જેને ‘ચિકન નેક’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનાથી પણ લગભગ 22 કિલોમીટર દૂર આ વિસ્તાર આવેલો છે. આ કોરિડોર ભારતના પૂર્વોત્તર રાજ્યોને દેશના બાકીના ભાગ સાથે જોડે છે. તેથી આ વિસ્તારમાં ચીનની લાંબા સમય સુધી હાજરી ભારત માટે સુરક્ષાની દૃષ્ટિએ મહત્વનો મુદ્દો બની શકે છે.
સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે ‘પાવર ચાઇના’ માત્ર એક બાંધકામ કંપની નથી, પરંતુ તેનો ચીનની સરકાર અને સૈન્ય સાથે પણ નજીકનો સંબંધ હોવાનું માનવામાં આવે છે. ચીનની ‘મિલિટરી-સિવિલ ફ્યુઝન’ નીતિ હેઠળ આવી ઘણી સરકારી કંપનીઓ વિકાસ પ્રોજેક્ટની સાથે વ્યૂહાત્મક કામગીરીમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે કંપનીમાં ચીની સેનાના એન્જિનિયરિંગ વિભાગ સાથે જોડાયેલા નિષ્ણાતો પણ કામ કરે છે. આ કારણોસર ભારતને આશંકા છે કે પ્રોજેક્ટના નામે મોટી સંખ્યામાં ચીની એન્જિનિયરો અને ટેકનિકલ સ્ટાફ લાંબા સમય સુધી ભારતની સંવેદનશીલ સરહદની નજીક રહેશે. ભવિષ્યમાં આ સ્થિતિ ભારત માટે સુરક્ષા સંબંધિત નવા પડકારો ઊભા કરી શકે છે.
આ દરમિયાન બાંગ્લાદેશ અને ચીન વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં પણ સહયોગ વધતો જોવા મળી રહ્યો છે. મીડિયા અહેવાલો મુજબ, બાંગ્લાદેશના સંરક્ષણ સલાહકારે તાજેતરમાં ચીનના રાજદૂત સાથે બેઠક કરી હતી. તેમાં ચીન પાસેથી J-સિરીઝના ફાઇટર જેટ ખરીદવા અંગે ચર્ચા થઈ હતી. એવી પણ માહિતી સામે આવી રહી છે કે ઓક્ટોબર મહિનાથી ચીન બાંગ્લાદેશને પ્રથમ તબક્કામાં 12 ફાઇટર જેટની સપ્લાય શરૂ કરી શકે છે. આ ઉપરાંત, ચીને બાંગ્લાદેશના કોક્સ બજાર જિલ્લાના પેકુઆ વિસ્તારમાં અંદાજે 1.2 અબજ ડોલરના ખર્ચે આધુનિક સબમરીન બેઝ પણ તૈયાર કર્યો છે. અહીં સબમરીનની જાળવણી અને અન્ય ટેકનિકલ કામગીરી પણ થઈ શકશે. બીજી તરફ, ભારતની સરહદ નજીક આવેલા લાલમોનિરહાટ વિસ્તારમાં પણ ચીનના સહયોગથી એરબેઝ વિકસાવવામાં આવી રહ્યો હોવાનું જણાવવામાં આવે છે. વિશ્લેષકોનું માનવું છે કે બાંગ્લાદેશનો આ નિર્ણય માત્ર એક નદી પ્રોજેક્ટ પૂરતો નથી. તે દક્ષિણ એશિયામાં ચીનના વધતા પ્રભાવ અને ભારત સામે ઉભા થઈ રહેલા નવા વ્યૂહાત્મક પડકારોની પણ ઝાંખી કરાવે છે. આગામી સમયમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો તેમજ સમગ્ર પ્રદેશની સુરક્ષા વ્યવસ્થા પર આ નિર્ણયની શું અસર થશે, તેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે.