World

શેખ હસીનાની વાપસી જાહેરાતનું બાંગ્લાદેશની સરકારે ઉષ્માભર્યું સ્વાગત  કર્યું

ઢાકા અને નવી દિલ્હી વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ફરી એકવાર મોટો ગરમાવો આવી ગયો છે. બાંગ્લાદેશમાંથી નાસી છૂટેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ચાલુ વર્ષના અંત સુધીમાં સ્વદેશ પરત ફરી શકે છે તેવી અટકળો વચ્ચે, બાંગ્લાદેશની વચગાળાની સરકારે આ જાહેરાતનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે એક દોષિત તરીકે તેમણે દેશની અદાલતોમાં કાનૂની પ્રક્રિયાનો સામનો કરવો જ પડશે.

ભલે દુનિયાના શ્રેષ્ઠ વકીલો સાથે લાવે, ન્યાય તો થશે જ”

બાંગ્લાદેશના વડાપ્રધાનના માહિતી અને વ્યૂહાત્મક બાબતોના સલાહકાર ઝાહિદ ઉર રહમાને એક પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર પક્ષ રજૂ કરતા જણાવ્યું કે, “અમે હસીનાના પરત ફરવાના નિર્ણયને આવકારીએ છીએ, કારણ કે અમે દેશમાં ન્યાય સુનિશ્ચિત કરવા માંગીએ છીએ. બાંગ્લાદેશની જનતા ઈચ્છે છે કે હસીનાને તેમના ગુનાઓ બદલ જે મોતની સજા ફટકારવામાં આવી છે, તેનો અમલ થાય.” તેમણે ઉમેર્યું કે ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ-બાંગ્લાદેશ ની સુનાવણી એકદમ પારદર્શક રીતે ચલાવવામાં આવશે. આ સુનાવણીનું જીવંત પ્રસારણ પણ થઈ શકે છે અને આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો પણ તેના પર નજર રાખી શકશે. હસીના ઈચ્છે તો પોતાના બચાવ માટે દુનિયાના સૌથી શ્રેષ્ઠ વકીલો પણ લાવી શકે છે.

5 ઓગસ્ટ 2024 નો એ ઐતિહાસિક તખ્તાપલટો

બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા શેખ મુજીબુર રહમાનની 78 વર્ષીય પુત્રી શેખ હસીનાના શાસનનો અંત ખૂબ જ નાટકીય રહ્યો હતો. વિદ્યાર્થીઓના નેતૃત્વમાં ફાટી નીકળેલા હિંસક વિરોધ પ્રદર્શનો હદ બહાર વધી જતાં, તેમણે 5 ઓગસ્ટ 2024 ના રોજ વડાપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું અને તેઓ જીવ બચાવીને ભારત આવી ગયા હતા. ત્યારથી તેઓ ભારતમાં જ આશ્રય લઈ રહ્યા છે. ગયા વર્ષે નવેમ્બરમાં ઢાકાની વિશેષ અદાલતે વર્ષ 2024 માં વિદ્યાર્થી આંદોલન પર કરવામાં આવેલી કડક અને હિંસક કાર્યવાહીને ‘માનવતા વિરુદ્ધનો ગુનો’ ગણાવી હસીનાની ગેરહાજરીમાં જ તેમને મોતની સજા ફટકારી હતી.

 ભારત પર પ્રત્યાર્પણનું દબાણ અને કાનૂની માર્ગ

બાંગ્લાદેશ સરકાર હસીનાની વાપસીને લઈને કોઈ પણ પ્રકારના રાજદ્વારી દબાણમાં ન હોવાનો દાવો કરી રહી છે. ઝાહિદ ઉર રહમાને જણાવ્યું કે ટેકનિકલ કે વહીવટી પ્રક્રિયાઓ હસીનાની વાપસીમાં અવરોધ નહીં બને. ભારત આ મામલે બાંગ્લાદેશ સાથે ચર્ચા કરીને જરૂરી વ્યવસ્થા કરી શકે છે. બીજી તરફ, શેખ હસીના પોતાના પર લાગેલા તમામ આરોપો અને મોતની સજાને ‘રાજકીય રીતે પ્રેરિત’ ગણાવીને ફગાવી ચૂક્યા છે.

Most Popular

To Top