Vadodara

પુત્રની રાત ભર શોધખોળ,મિત્રના ફ્લેટમાંથી પુત્રનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

પોતાની બાઈક માંજલપુરના ઈવા મોલ પાસે મૂકીને ઇકો વાનમાં મિત્રો સાથે નીકળ્યો હતો :

અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ સંજોગો સહિત તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસની તપાસ શરૂ

( પ્રતિનિધિ ) વડોદરા,તા.15

વડોદરાના ડભોઈ રોડ પર આવેલા કુબેર એક્સપ્રેશન એપાર્ટમેન્ટમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. હાલ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

વડોદરાના ડભોઈ રોડ પર આવેલા કુબેર એક્સપ્રેશન એપાર્ટમેન્ટના એફ-1 બ્લોકના ફ્લેટ નંબર 103માંથી એક યુવાનનો મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ આકાશ રવિભાઈ પાટીલ તરીકે થઈ છે, જે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આકાશવાણી પાછળ આવેલી ચિત્રકૂટ સોસાયટીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર, આકાશ પોતાની બાઈક માંજલપુરના ઈવા મોલ પાસે મૂકીને ઇકો વાનમાં મિત્રો સાથે નીકળ્યો હતો. ત્યારબાદ મિત્રો તેને ફ્લેટ પર મૂકી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતક ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં વરણામા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પરિવારજનોને જાણ કરી તેમને કેલનપુર પોલીસ ચોકી ખાતે બોલાવવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, અને પોલીસે અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ સંજોગો સહિત તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મામલે વરણામા પોલીસ સીસીટીવી ફૂટેજ, મિત્રોના નિવેદનો અને અન્ય પુરાવાના આધારે તપાસ આગળ વધારી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે.

Most Popular

To Top