Columns

તામિલનાડુ સહિત ભારતભરમાં ગોહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ કેમ મૂકી શકાતો નથી?

ભારતનાં ૧૦૦ કરોડથી વધુ હિન્દુઓ ગાયને પવિત્ર પ્રાણી માને છે. મોગલ કાળમાં પણ ભારતમાં ગોવંશની હત્યા પર પ્રતિબંધ હતો. ભારતમાં ગોવંશની હત્યા શરૂ કરાવનારા અંગ્રેજો હતા. મુસ્લિમો ક્યારેય ગોહત્યાને પોતાનો ધાર્મિક અધિકાર માનતા નહોતા, કારણ કે અરબસ્તાનમાં ગાયો જ નહોતી. ગાંધીજીએ કહ્યું હતું કે ભારતને સ્વતંત્રતા મળશે તે પછી પહેલું કામ ગોહત્યાબંધીનું કરવામાં આવશે. ભારતને સ્વતંત્ર થયાને ૭૯ વર્ષ થઈ ગયા પછી પણ આખા ભારતમાં સંપૂર્ણ ગોવંશહત્યાબંધી થઈ નથી શકતી, કારણ કે ભારતનાં સ્થાપિત હિતો ગોહત્યા કરીને અને ગોમાંસની નિકાસ કરીને અબજો ડોલરની કમાણી કરે છે. આખી દુનિયામાં ભારત ગોમાંસની નિકાસમાં બીજા નંબરે છે, તે બદલ ભારતના વડા પ્રધાન પણ ગર્વ અનુભવે છે. આવા સંયોગોમાં મદ્રાસ હાઈ કોર્ટે સમગ્ર તામિલનાડુમાં ગાય અને વાછરડાંની કતલ પર પ્રતિબંધ ફરમાવતો અફલાતૂન ચુકાદો આપ્યો હતો, પણ મુસ્લિમોના મતો ગુમાવી દેવાના ડરે તામિલનાડુની સરકાર તેની સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ ત્યારે સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈ કોર્ટના ચુકાદાને સ્થગિત કરીને તામિલનાડુમાં ગોવંશની હત્યા કરવાની છૂટ આપી દીધી હતી.

મદ્રાસ હાઈ કોર્ટમાં કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં માંગણી કરવામાં આવી હતી કે બકરી ઈદના દિવસો દરમિયાન કોઈમ્બતુરમાં પશુઓની કતલ થવી ન જોઈએ, પરંતુ હાઈકોર્ટે તેનાથી આગળ વધીને સમગ્ર તમિલનાડુમાં કોઈ પણ દિવસે ગાય અને વાછરડાંની કતલ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. હિન્દુ મક્કલ કાચી નામની સંસ્થાના જનરલ સેક્રેટરી કે. સૂર્યપ્રશાંત દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજીના જવાબમાં જસ્ટિસ જી.આર. સ્વામીનાથન અને વી. લક્ષ્મીનારાયણનની બનેલી બેન્ચે આ આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે પોતાના આદેશમાં એક સરકારી આદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં દૂધ ઉત્પાદન અને ગ્રામીણ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે ગાયની કતલ પર પ્રતિબંધ મૂકવાની જરૂરિયાત જણાવવામાં આવી હતી. ઉપરાંત, સુપ્રીમ કોર્ટના તેવા નિર્ણયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે બકરી ઇદ પર પશુઓની કુરબાની ઇસ્લામની આવશ્યક ધાર્મિક પ્રથા નથી.

ચુકાદો લખનારા ન્યાયાધીશ સ્વામીનાથને ભાર મૂક્યો હતો કે બંધારણની કલમ ૪૮ રાજ્યને ગાય, વાછરડાં અને અન્ય દૂધાળાં અને ભાર ઉપાડનારાં પશુઓની કતલ પર પ્રતિબંધ મૂકવાની સત્તા આપે છે. બંધારણ સભાની ચર્ચાઓમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે ગાય એક આદરણીય પ્રાણી છે અને ભગવાન કૃષ્ણના સમયથી આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ રહી છે. હકીકતમાં બંધારણની ૪૮ કલમનો આશરો લઈને જ ગુજરાત સહિતનાં ભાજપશાસિત રાજ્યોમાં ગોવંશની હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને સુપ્રીમ કોર્ટે પણ કાયમ રાખ્યો છે.

તામિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે હાઈકોર્ટે એવી રાહત આપી હતી જે અરજદારે માંગી પણ નહોતી. સરકારના મતે હાઈકોર્ટ સમક્ષનો વિવાદ જાહેર સ્થળોએ પશુઓની કતલ અટકાવવા પૂરતો મર્યાદિત હતો, પરંતુ કોર્ટે અધિકૃત કતલખાનાંઓમાં પણ ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હતો. તામિલનાડુ સરકારે મદ્રાસ હાઈ કોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે પ્રથમ દૃષ્ટિએ જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશના છેલ્લા ભાગમાં ફેરફાર જરૂરી છે. ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે તામિલનાડુ સરકારની સ્પેશ્યલ લીવ પિટિશન (SLP) પર સુનાવણી કરતી વખતે નોટિસ જારી કરી હતી અને હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો. તામિલનાડુ સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે મદ્રાસ હાઈ કોર્ટનો આદેશ તમિલનાડુ પ્રાણી સંરક્ષણ અધિનિયમ, ૧૯૫૮ ની વિરુદ્ધ છે. હવે અભિષેક મનુ સિંઘવી પોતે જૈન છે, શુદ્ધ શાકાહારી છે અને કોંગ્રેસના સાંસદ છે. તેમ છતાં તેમણે પોતાના અંતરાત્માને ગિરવે મૂકીને ગોહત્યાની તરફેણમાં દલીલો કરી હતી, કારણ કે તામિલનાડુની સરકારમાં કોંગ્રેસ પણ સામેલ છે.

તામિલનાડુના પ્રાણી સંરક્ષણ કાયદા, ૧૯૫૮ હેઠળ ૧૦ વર્ષથી વધુ ઉંમરની ગાયો, જે ખેતી કે સંવર્ધન માટે અયોગ્ય હોય, તેમની સક્ષમ અધિકારીના પ્રમાણપત્રના આધારે નિયુક્ત સ્થળોએ કતલ કરી શકાય છે. સરકારે કોર્ટને જણાવ્યું હતું કે રાજ્યમાં પશુકતલ પર પ્રાણીઓ પર ક્રૂરતા નિવારણ અધિનિયમ, ૧૯૬૦, પ્રાણીઓ પર ક્રૂરતા નિવારણ (કતલખાનાં) નિયમો, ૨૦૦૧, તમિલનાડુ શહેરી સ્થાનિક સંસ્થાઓ અધિનિયમ, ૧૯૯૮ અને ૨૦૨૩ લાગુ પડે છે. આ કાયદાઓ ફક્ત પ્રાણીકતલની પ્રક્રિયા અને સ્થાનનું નિયમન કરે છે, પરંતુ સંપૂર્ણ પ્રતિબંધ લાદતા નથી. પરિણામે, હાઇ કોર્ટે કાયદાની વિરુદ્ધ ન્યાયિક આદેશ દ્વારા એક નવો કાયદો ઘડ્યો છે. હકીકતમાં કોઈ પણ હાઈ કોર્ટને ભારતના બંધારણના આધારે જૂના કાયદાઓ રદ કરવાનો અને નવા કાયદાઓ ઘડવાનો પણ અધિકાર છે. જો તામિલનાડુની સરકારે મદ્રાસ હાઈ કોર્ટનો ચુકાદો સ્વીકારી લીધો હોત તો આખા રાજ્યમાં આપમેળે સંપૂર્ણ ગોવંશહત્યા પ્રતિબંધિત થઈ જાત, પણ મુસ્લિમ સમુદાયની સહાનુભૂતિ મેળવવા સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

સુપ્રીમ કોર્ટ દ્વારા એક તરફ મદ્રાસ હાઈ કોર્ટના ચુકાદાને સ્થગિત કરવામાં આવ્યો છે તો બીજી તરફ સુપ્રીમ કોર્ટે સોમવારે ગાયોની કતલ અટકાવવા માટે રાજ્યોને ગૌહત્યા વિરોધી કાયદા લાગુ કરવાનો નિર્દેશ આપવાની માંગણી કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની બેન્ચે અરજી પર વિચાર કરવામાં અનિચ્છા વ્યક્ત કરી, ત્યાર બાદ અરજદારના વકીલે જણાવ્યું કે તેઓ અરજી પાછી ખેંચી લેશે. ત્યાર બાદ બેન્ચે અરજદારને અરજી પાછી ખેંચવાની પરવાનગી આપી હતી, જે એડવોકેટ વરુણકુમાર સિંહા દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ બે ચુકાદાઓ દ્વારા ખ્યાલ આવે છે કે સુપ્રીમ કોર્ટના જજ સાહેબો પણ દેશભરમાં સંપૂર્ણ ગોવંશહત્યાબંધી કરવામાં આવે તેના સમર્થનમાં નથી.

ભાજપના નેતાઓ એક બાજુ જાહેરમાં ગોવંશની રક્ષા કરવાના સોગંદ ખાય છે, પણ સંસદમાં સમગ્ર ભારતમાં ગોવંશની હત્યાબંધી કરવાનો કાયદો લાવવાની વાત કરવામાં આવે ત્યારે પાણીમાં બેસી જાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે રવિવારે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે બલિદાન ગોભક્ત શ્રદ્ધાંજલિ સમારોહમાં કહ્યું છે કે આપણે બાંગ્લા દેશ સરહદથી ગાયોની તસ્કરી અટકાવી દીધી છે, પરંતુ ગાયોના રક્ષણ માટે ઘણું કરવાનું બાકી છે. ગાયના સંરક્ષણનો મુદ્દો ફક્ત તેની શ્રદ્ધા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક લાગણીઓને કારણે જ નહીં, પરંતુ તેના આર્થિક, સામાજિક અને વૈજ્ઞાનિક પાસાંઓને કારણે પણ મહત્ત્વપૂર્ણ છે. વૈજ્ઞાનિકોએ પુષ્ટિ આપી છે કે ગાયમાં જોવા મળતાં ૮૦ ટકા જનીનો મનુષ્યોમાં પણ જોવા મળે છે.

આ સમારોહનું આયોજન ૭ નવેમ્બર, ૧૯૬૬ના રોજ સંસદની બહાર ગોહત્યા વિરુદ્ધ થયેલા પ્રદર્શન દરમિયાન શહીદ થયેલાં લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કરવામાં આવ્યું હતું. તેમાં દેશભરના સંતો અને મુનિઓ ઉપરાંત, ગૌપૂજક મુવ્વર કુરેશીના નેતૃત્વમાં ગુજરાતનાં સેંકડો મુસ્લિમ યુવાનોએ પણ ભાગ લીધો હતો. તે સમયે ગોસેવકો દ્વારા સંસદને ઘેરો નાખવામાં આવ્યો હતો અને દેશભરમાં ગોવંશની હત્યાબંધીનો કાયદો લાવવાની માગણી કરવામાં આવી હતી. ત્યારની ઇન્દિરા ગાંધીની કોંગ્રેસી સરકાર દ્વારા ગોભક્તો પર ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેમાં સંખ્યાબંધ લોકો માર્યા ગયાં હતાં.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુરેશ ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે આજના સમયમાં કાયદા કરતાં ગાયના રક્ષણનો સંકલ્પ વધુ મહત્ત્વપૂર્ણ છે. ભૈયાજી જોશી હવે કાયદા દ્વારા ગોવંશહત્યાબંધી કરવાને બદલે ગાયના રક્ષણનો સંકલ્પ કરવાની વાત કરે છે, કારણ કે કેન્દ્રમાં ભાજપની સરકાર સંપૂર્ણ ગોવંશહત્યાબંધીનો કાયદો ઘડવામાં નિષ્ફળ ગઈ છે. ગોવામાં તો ખ્રિસ્તીઓને ખુશ કરવા ભાજપે ગોમાંસ ખાવાની પણ તરફેણ કરી હતી. ભાજપના કેટલાક નેતાઓ જ કતલખાનાંમાં ભાગીદારી ધરાવતા હોવાનું બહાર આવ્યું છે. ગોમાંસની નિકાસ કરનારા કેટલાક વેપારીઓ ભાજપને અબજો રૂપિયાનું ભંડોળ આપતા હોવાનું જાહેર થયું છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top