માપણી, રી-સરવે, પ્રોપર્ટી કાર્ડ સહિતની કામગીરી માટે જિલ્લા કચેરીના ધક્કા બંધ, સુરત જિલ્લામાં નવી કચેરીઓ શરૂ
રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને તાલુકા સ્તરે શરૂ થઈ કામગીરી, હવે અરજદારોને સમય, ખર્ચ અને લાંબી પ્રક્રિયાથી મળશે રાહત
સુરત જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના લાખો નાગરિકોને જમીન સંબંધિત કામગીરીમાં મોટી રાહત મળે તે માટે રાજ્ય સરકારે વહીવટી વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવે જમીન માપણી, રી-સરવે, પ્રોપર્ટી કાર્ડ, હક્કચોકસી, નામ દાખલ કરવાની પ્રક્રિયા તેમજ જમીન સંબંધિત અન્ય વિવિધ સેવાઓ માટે અરજદારોએ સુરતના નાનપુરા સ્થિત જિલ્લા કચેરી સુધી જવાની જરૂર રહેશે નહીં. રાજ્ય સરકારે જમીન દફતર નિરીક્ષક (વર્ગ-2) સંવર્ગ હેઠળ સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને તાલુકા કક્ષાએ નવી કચેરીઓ શરૂ કરી છે, જ્યાંથી મોટાભાગની જમીન સંબંધિત સેવાઓનો લાભ સ્થાનિક સ્તરે જ મળી શકશે.
અત્યાર સુધી જમીન સંબંધિત કામ માટે અરજદારોને વારંવાર જિલ્લા કચેરી સુધી જવું પડતું હતું. ખાસ કરીને તેમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવનારા લોકોને લાંબું અંતર કાપવું પડતું હતું, જેના કારણે સમય અને નાણાં બંનેનો વ્યય થતો હતો. ઘણી વખત એક જ કામ માટે અનેક વખત કચેરીના ધક્કા ખાવા પડતા હતા. નવી વ્યવસ્થા અમલમાં આવતા હવે લોકોને પોતાના તાલુકામાં જ જરૂરી કામગીરી પૂર્ણ કરવાની સુવિધા મળશે, જેના કારણે સરકારી સેવાઓ વધુ સરળ અને સુલભ બનશે.
રાજ્ય સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ વહીવટી સેવાઓનું વિકેન્દ્રીકરણ કરીને લોકોને પોતાના વિસ્તારની નજીક જ તમામ જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. તાલુકા કક્ષાએ અધિકારીઓ, કર્મચારીઓની ઉપલબ્ધતાથી અરજીઓનો નિકાલ વધુ ઝડપથી થશે તેમજ જમીન સંબંધિત દસ્તાવેજોની પ્રક્રિયા પણ સરળ બનશે. સરકારનું માનવું છે કે સ્થાનિક સ્તરે કામગીરી શરૂ થતાં અરજદારોને ઓછા સમયમાં વધુ અસરકારક સેવા મળશે.નવી વ્યવસ્થા હેઠળ હવે જમીન રી-સરવે સંબંધિત તમામ વહીવટી પ્રક્રિયા તાલુકા કક્ષાએ હાથ ધરવામાં આવશે.
જમીનની માપણી, સીમા નિર્ધારણ, હક્કચોકસી, જમીનના રેકોર્ડમાં જરૂરી સુધારા, માલિકીના દસ્તાવેજોની ચકાસણી અને ટેક્નિકલ કામગીરી પણ સ્થાનિક કચેરીઓમાં જ કરવામાં આવશે. આ ઉપરાંત નવા પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવા, મિલકતમાં નવા નામ દાખલ કરવા, નામમાં સુધારો કરવા, નોંધમાં ફેરફાર કરવા તેમજ જમીનના રેકોર્ડને અપડેટ કરવાની કામગીરી પણ હવે તાલુકા કક્ષાએ ઉપલબ્ધ રહેશે. સ્વામિત્વ યોજના અને એકત્રીકરણ યોજના હેઠળની કામગીરી પણ હવે તાલુકા સ્તરે જ કરવામાં આવશે. ગામડાઓમાં રહેતા ખેડૂતો અને જમીનધારકો માટે આ નિર્ણય અત્યંત ઉપયોગી સાબિત થશે. જમીનના દસ્તાવેજો મેળવવા, માલિકીના પુરાવા તૈયાર કરવા અને અન્ય વહીવટી પ્રક્રિયાઓ માટે હવે જિલ્લા કચેરી સુધી જવાની ફરજ નહીં પડે. આથી સરકારની સેવાઓ વધુ પારદર્શક, ઝડપી અને લોકોની નજીક બનશે.
સુરત જિલ્લામાં તાલુકાવાર શરૂ કરાયેલી નવી કચેરીઓ
ઓલપાડ: તાલુકા સેવા સદન, બીજો માળ, હાથીસા રોડ.
કામરેજ: તાલુકા સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર, નવાગામ.
પલસાણા: મામલતદાર કચેરીની બાજુમાં આવેલ નર્મદા જળ સંપત્તિ કચેરી બિલ્ડિંગ.
બારડોલી: તાલુકા સેવા સદન, બીજો માળ (સિટી સર્વે કચેરી).
મહુવા અને અંબિકા વિસ્તાર: મહુવા તાલુકા સેવા સદન.
માંડવી: જૂની પ્રાંત કચેરી, તાલુકા પંચાયતની બાજુમાં.
માંગરોળ: તાલુકા મામલતદાર કચેરી, પ્રથમ માળ, મોસાલી.
ઉમરપાડા: બિરસા મુંડા ભવન.
અરેઠ: બ્લોક નં. 304, ગુરુકૃપા હાઉસિંગ સોસાયટી, અરેઠ.
નવી કચેરીઓ કાર્યરત થતાં અરજદારોને સ્થાનિક સ્તરે માર્ગદર્શન પણ સરળતાથી મળી શકશે. જરૂરી દસ્તાવેજો, અરજી પ્રક્રિયા અને જમીન સંબંધિત તકનીકી માહિતી માટે લોકોને હવે જિલ્લા કચેરી પર નિર્ભર રહેવું નહીં પડે. તાલુકા કક્ષાએ જ અધિકારીઓ ઉપલબ્ધ હોવાથી અરજીઓની ચકાસણી, દસ્તાવેજોની તપાસ, મંજૂરીની પ્રક્રિયા વધુ ઝડપી બનશે. જમીન સંબંધિત વિવાદો, સીમા નિર્ધારણ અને રેકોર્ડમાં સુધારા જેવી કામગીરીમાં પણ ઝડપ આવવાની શક્યતા છે. સ્થાનિક સ્તરે અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ અને માપણીની પ્રક્રિયા સરળ બનતા લોકોની ફરિયાદોનું નિરાકરણ પણ સમયસર થઈ શકશે. ખાસ કરીને ખેડૂતો, રહેણાંક મિલકત ધારકો, વેપારીઓ અને જમીન ખરીદ-વેચાણ સાથે સંકળાયેલા નાગરિકોને આ નિર્ણયથી સીધો લાભ મળશે.
વહીવટી તંત્રના મતે, આ નવી વ્યવસ્થાથી માત્ર અરજદારોને જ નહીં પરંતુ સરકારી કામગીરીમાં પણ ગતિ આવશે. જિલ્લા કચેરી પર વધતું કામનું ભારણ ઘટશે, તાલુકા સ્તરે જ મોટા ભાગની અરજીઓનો નિકાલ થઈ શકશે. પરિણામે સેવાઓની ગુણવત્તામાં વધારો થશે અને પારદર્શિતા પણ વધુ મજબૂત બનશે.
સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયને લોકોની નજીક સરકારી સેવાઓ પહોંચાડવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. નવી વ્યવસ્થા અમલમાં આવતા હવે સુરત જિલ્લાના નાગરિકોને જમીન સંબંધિત સેવાઓ માટે લાંબી મુસાફરી કરવાની જરૂર નહીં રહે, સમય અને ખર્ચની બચત થશે તેમજ અરજીઓનો ઝડપી અને સરળ નિકાલ શક્ય બનશે. રાજ્ય સરકારનો આ નિર્ણય વહીવટી સુધારાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે, જેનાથી સામાન્ય નાગરિકોને લાંબા ગાળે નોંધપાત્ર લાભ મળવાની અપેક્ષા છે.