એક મહિના સુધી નવા રૂટ પર ટ્રાફિકની સ્થિતિનું નિરીક્ષણ બાદ જાહેરનામું બહાર પડાશે
ટ્રાફિક જામ અને અકસ્માત ટાળવા તંત્રનો નિર્ણય – L&T સર્કલથી ગોલ્ડન બ્રિજ થઈને બસો દોડશે
( પ્રતિનિધિ )વડોદરા,તા.14
વડોદરાના એબેક્સ સર્કલ અને નવીન ઓવર બ્રિજના કામને પગલે વડોદરા શહેરમાં એસટીની બસોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા અગાઉ જાહેર કરાયેલા આદેશ બાદ નવો રૂટ અમલમાં આવશે. નાયબ પોલીસ કમિશનર પૂર્વ ટ્રાફિક વિભાગ દ્વારા જીએસઆરટીસીને લેખિતમાં જાણ કરાઈ છે કે રૂટ બદલવામાં આવે. ટ્રાફિક વિભાગ દ્વારા એક મહિના સુધી નવા રૂટ પર ટ્રાફિકની સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ નવું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે.
વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા અગાઉ અપાયેલા જાહેરનામા દ્વારા વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં દુમાડ બ્રિજ તરફથી આવતી બસો દેશા બ્રિજ નીચેથી જમણી બાજુ વળીને મોટનાથ મહાદેવ રોડ, ડમરુ સર્કલ, ગદા સર્કલ થઈને હરણીથી જૂના જકાતનાકા થઈને શહેરમાં પ્રવેશ કરતી હતી. જ્યારે અમિતનગર બ્રિજ તરફથી આવતી બસો પણ ઉર્મિ બ્રિજ થઈને મેટ્રો હોસ્પિટલ રોડ અને ગદા સર્કલ થઈને દેણા બ્રિજ થઈને જતી હતી. પરંતુ સ્થાનિકોની રજૂઆતોને ધ્યાને લઈને ગદા સર્કલથી દેશા ચોકડી તરફ જતા માર્ગ પર આવેલી શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ, ધાર્મિક સ્થળો, મંદિરો, પાર્ટી પ્લોટ અને રહેણાંક સોસાયટીઓને કારણે તેમજ દેશા કેનાલ માર્ગ સાંકડો હોવાથી અવાર-નવાર ટ્રાફિક જામ અને ગંભીર અકસ્માતની શક્યતા રહેતી હતી. ત્યારે, હવે નવો નક્કી કરાયેલ બસને જવાનો રૂટ જેમાં એલએન્ડટી સર્કલ થી અમિતનગર બ્રિજ નીચેથી ડાબી બાજુ ઉર્મિ બ્રિજ ત્રણ રસ્તા જમણી બાજુ મેટ્રો હોસ્પિટલ રોડ મોતીભાઈ પટેલ સર્કલ ડાબી બાજુ ગદા સર્કલ હરણીથી મુક્તિધામ ત્રણ રસ્તા ગોલ્ડન બ્રિજ નીચેથી જે તે તરફ રહેશે અને પરત ફરવાનો રૂટ ઉપરોક્ત રૂટથી જ પરત L&T સર્કલ થઈને જે તે તરફ જઈ શકાશે. ટ્રાફિક શાખા-પૂર્વના નાયબ પોલીસ કમિશ્નર તેજલ પટેલના આદેશથી આ રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિભાગીય નિયામક, ST ડેપો રેસકોર્સને ઉપરોક્ત રૂટ પર બસોનું સંચાલન કરવા સૂચના આપવામાં આવી છે. ટ્રાફિક શાખા પૂર્વ નાયબ પોલીસ કમિશ્નર તેજલ પટેલે જણાવ્યું હતું કે, આપણે જીએસઆરટીસીને લેખિતમાં આપ્યું છે કે, તમે રૂટ બદલી નાખો,એક મહિનો આપણે જોઈશું કે આ રૂટ પર બોવ ભારણ નથી રહેતું પછી જાહેરનામું બહાર પાડીશું. જીએસઆરટીસીને આપણે જે રિટર્નમાં આપ્યું છે એમાં એલ એન્ડ ટી સર્કલથી અમિતનગર બ્રિજ નીચેથી ડાબી બાજુ વળી ઊર્મિ બ્રિજ ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી મેટ્રો હોસ્પિટલ રોડ મોતીભાઈ પટેલ સર્કલ થી ડાબી બાજુ વળી ગદા સર્કલ થઈ હરણી મુક્તિધામ તરફ થઈ ગોલ્ડન ચોકડી સુધી જશે એટલે વચ્ચે જે જતા હતા હવે એમને નથી જવાનું. ડમરુ સર્કલથી મોટનાથ મહાદેવ નથી જવાનું, દેણા બ્રિજ તરફ નહીં જઈ શકાય.