India

ATM સર્વિસ સંકટ, 4 રાજ્યોમાં કેશ લોજિસ્ટિક્સ કંપનીઓએ કામગીરી રોકી, સરકારી બેંકોની ચિંતા વધી

દેશના ચાર મોટા રાજ્યોમાં ATM માંથી પૈસા ઉપાડનારા નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વધતી જતી મોંઘવારી, કર્મચારીઓની મજૂરી અને ઈંધણના ભાવમાં થયેલા અસહ્ય વધારાના કારણે કેશ મેનેજમેન્ટ અને લોજિસ્ટિક્સ કંપનીઓએ દિલ્હી, કર્ણાટક, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં એટીએમમાં રોકડા નાણાં ભરવાની અને તેને સંકળાયેલી અન્ય સેવાઓ કામચલાઉ ધોરણે બંધ કરી દીધી છે. હાલના કરારોની શરતો મુજબ કામ કરવું આ કંપનીઓ માટે આર્થિક રીતે નુકસાનકારક સાબિત થઈ રહ્યું હોવાથી આ કડક નિર્ણય લેવાયો છે.

એટીએમ સેવાઓ પર કેવી અસર પડી?

  • રોકડની અછત: માત્ર એક દિવસ માટે કેશ ફીડિંગ ખોરવાવાને કારણે આ ચારેય રાજ્યોમાં અનેક જગ્યાએ એટીએમ ખાલી થઈ ગયા છે અને લોકોને નાણાં ઉપાડવામાં મુશ્કેલી પડી રહી છે.
  • પ્રાઈવેટ બેંકો સાથે વાટાઘાટો શરૂ: જો કે, ટૂંક સમયમાં જ સેવાઓ પૂર્વવત થવાની આશા છે. દેશની કેટલીક મોટી ખાનગી બેંકોએ સર્વિસ ફી વધારવા અને કરારની શરતોમાં ફેરફાર કરવા માટે લોજિસ્ટિક્સ કંપનીઓ સાથે ચર્ચા શરૂ કરી દીધી છે અને કેટલાકે વધુ ચુકવણી માટે સહમતી પણ દર્શાવી છે.

સરકારી બેંકોના એટીએમ બંધ થવાનું મોટું જોખમ

રિપોર્ટ અનુસાર, ખાનગી બેંકો આ મુદ્દાને હલ કરવા આગળ આવી છે, પરંતુ સરકારી બેંકો હજુ સુધી આ ચર્ચા અને વાટાઘાટોથી દૂર છે. કોઈપણ સરકારી બેંકે હજુ સુધી કેશ કંપનીઓ સાથે કિંમતો વધારવા અંગે ફરીથી ચર્ચા કરવાની મંજૂરી આપી નથી. આના કારણે સરકારી બેંકોની એટીએમ સેવાઓ લાંબા સમય સુધી બંધ રહેવાની ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને ટિયર-૨ અને ટિયર-૩ શહેરોમાં આની સૌથી ખરાબ અસર પડી શકે છે, કારણ કે આ વિસ્તારોમાં સરકારી બેંકોના એટીએમનું નેટવર્ક ઘણું મોટું છે.

1વર્ષમાં મજૂરી ખર્ચમાં 40 થી 50 ટકાનો જંગી વધારો

કેશ મેનેજમેન્ટ ઉદ્યોગ અત્યારે ચારેય તરફથી આર્થિક દબાણ હેઠળ છે. વિવિધ રાજ્યોમાં લઘુત્તમ વેતનના નિયમો બદલાયા બાદ કંપનીઓનો કર્મચારીઓ પાછળનો ખર્ચ એક જ વર્ષમાં 40% થી 50% સુધી વધી ગયો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવે કેશ વાન ચલાવવાનો ખર્ચ પણ ખૂબ વધારી દીધો છે. આ વધતા ખર્ચના લીધે કેશ લોજિસ્ટિક્સ ઉદ્યોગનું કુલ નુકસાન 100 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે, જેની ભરપાઈ હવે તેઓ બેંકો પાસે માંગી રહ્યા છે.

જૂના કરારો બન્યા માથાનો દુખાવો

કંપનીઓનું કહેવું છે કે બેંકો સાથેના તેમના મોટાભાગના કરારો વર્ષો જૂના છે, જે તે સમયની ઓપરેટિંગ કોસ્ટ મુજબ નક્કી થયા હતા. આજના સમયમાં એ જ દરો પર એટીએમ નેટવર્ક ચલાવવું અશક્ય છે. આ સમસ્યા એટીએમ વપરાશકારો કે કેશની માંગ સાથે જોડાયેલી નથી, પરંતુ એટીએમ ચલાવવા પાછળ થતા વાસ્તવિક ખર્ચ સાથે જોડાયેલી છે. જો પ્રાઇસીંગ મોડેલ નહીં બદલાય, તો લાંબા ગાળે આ સેવાઓ ખોરવાયેલી જ રહેશે.

RBI અને SBI ને અગાઉ જ અપાઈ હતી ચેતવણી

નોંધનીય છે કે, એટીએમ અને કેશ લોજિસ્ટિક્સ ઈન્ડસ્ટ્રીએ ગયા મહિને જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને આ ગંભીર પરિસ્થિતિ અંગે લેખિતમાં ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સતત વધતો ઓપરેટિંગ ખર્ચ, કેશ લાવવા-લઈ જવાની હાલાકી અને ઘટતા ટ્રાન્ઝેક્શન વોલ્યુમના કારણે દેશનું એટીએમ ઈકોસિસ્ટમ ભારે નાણાકીય કટોકટી તરફ ધકેલાઈ રહ્યું છે.

Most Popular

To Top