ચીનના પૂર્વીય ભાગમાં ત્રાટકેલા શક્તિશાળી ચક્રવાત ‘બાવી’એ ભારે તબાહી મચાવી છે, જેના કારણે સ્થાનિક વહીવટીતંત્ર અને લોકોની ચિંતામાં વધારો થયો છે. શનિવારે મોડી રાત્રે ચીનના ઝેજિયાંગ પ્રાંતના દરિયાકાંઠે ટકરાયા બાદ આ વાવાઝોડાએ અનેક વિસ્તારોમાં કહેર શરૂ કરી દીધો છે. કુદરતી આફતની ગંભીરતાને જોતાં ચીન સરકારે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. કોઈપણ પ્રકારની જાનહાનિ નિવારવા માટે તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 20 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
રાત્રે 11:20 વાગ્યે દરિયાકાંઠે ટકરાયું વાવાઝોડું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ‘બાવી’ આ વર્ષે ચીનમાં આવનારું નવમું મોટું વાવાઝોડું છે. શનિવારે રાત્રે આશરે 11 વાગ્યાને 20 મિનિટે આ વાવાઝોડું ઝેજિયાંગ પ્રાંતના કાઉન્ટી સ્તરના શહેર ‘યુહુઆન’ ના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. લેન્ડફોલ સમયે પવનની મહત્તમ ઝડપ 40 મીટર પ્રતિ સેકન્ડ નોંધાઈ હતી, જેના લીધે અનેક મકાનો, વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા છે. વાવાઝોડાની ભયાનક અસરોને જોતા ચીનના હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદ માટે સૌથી ઊંચા સ્તરનું ‘રેડ એલર્ટ’જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે વાવાઝોડાને લઈને ‘ઓરેન્જ એલર્ટ’ પણ લાગુ છે.
રાજધાની બેઇજિંગ સહિતના શહેરો હાઇ એલર્ટ પર
વાવાઝોડાના સંકટને પગલે માત્ર દરિયાકાંઠાના વિસ્તારો જ નહીં, પરંતુ ચીનની રાજધાની બેઇજિંગ સહિત દેશના અનેક મોટા શહેરોમાં વહીવટીતંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે. તમામ રાહત અને બચાવ ટીમોને ચોવીસ કલાક તૈનાત રહેવાના આદેશ અપાયા છે. સંવેદનશીલ અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં ખાવા-પીવાની અને તબીબી સુવિધાઓ અગાઉથી જ પહોંચાડી દેવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને બિનજરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા અને હવામાન વિભાગની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા સત્તાવાર અપીલ કરવામાં આવી છે.
આ વિસ્તારોમાં પૂર અને લેન્ડસ્લાઇડનું જોખમ
હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવાર બપોર સુધીમાં ઝેજિયાંગ, ઉત્તરી ફુજિયાન, ઉત્તર-પૂર્વીય જિયાંગ્શી અને દક્ષિણ અનહુઇ સહિતના વિશાળ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બેઇજિંગ અને હેબેઇના કેટલાક ભાગોમાં પણ આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાવાની આશંકા છે. સતત થઈ રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબારકારની સ્થિતિ સર્જાઈ છે, જેના લીધે પૂર અને પહાડી વિસ્તારોમાં લેન્ડસ્લાઇડ જેવી ઘટનાઓનું જોખમ ખૂબ વધી ગયું છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે વધારાના સુરક્ષા પગલાં લેવાની તૈયારી દર્શાવી છે.