Vadodara

સ્માર્ટ સિટી વડોદરાના દાંડિયા બજારમાં ગંદકીનું સામ્રાજ્ય, કહાર મોહલ્લાના રહીશો નરક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર

વારંવારની રજૂઆતો છતાં તંત્રના આંખ આડા કાન, રહીશોની આંદોલનની ચીમકી

(પ્રતિનિધિ), વડોદરા. તા.૧૧

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા શહેરને ‘સ્માર્ટ સિટી’ બનાવવાની મોટી-મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. શહેરના વોર્ડ નં. ૧૪માં આવતા દાંડિયા બજાર, જંબુબેટ રોડ સ્થિત કાકાસાહેબના ટેકરા અને કહાર મોહલ્લાના રહીશો છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની વિકટ સમસ્યાથી પરેશાન છે. તંત્રની ઉદાસીનતાને કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઈ રહી છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, ચોમાસું હજુ તો માંડ બેઠું છે, ત્યાં જ વિસ્તારની ડ્રેનેજ ઉભરાવા લાગી છે. રસ્તાઓ પર ગંદા પાણી ફરી વળ્યા છે. ખાસ કરીને કહાર મોહલ્લામાં પવિત્ર મંદિરે દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ માટે આ ગંદકીમાંથી પસાર થવું દુષ્કર બન્યું છે. રસ્તા પર ફેલાયેલી ગંદકી અને દુર્ગંધને કારણે સ્થાનિકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે.

રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે નેતાઓ વિકાસના લાંબા-લચક વાયદાઓ કરીને મત તો મેળવી જાય છે, પરંતુ જીત્યા પછી ક્યારેય આ વિસ્તારમાં ફરકતા નથી. લોકોનો એવો પણ ગંભીર આક્ષેપ છે કે જ્યારે કોઈ મોટા નેતા કે અધિકારીઓની મુલાકાત નક્કી હોય, ત્યારે જ તંત્ર દ્વારા દેખાડા પૂરતી સફાઈ કરવામાં આવે છે. બાદમાં પરિસ્થિતિ ફરી ‘જૈસે થે’ થઈ જાય છે.

વારંવાર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆતો કરવા છતાં કોઈ કાયમી નિરાકરણ આવતું નથી. આ સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ હવે આરપારની લડાઈનો મૂડ બનાવ્યો છે. રહીશોએ ચેતવણી આપી છે કે, જો આગામી દિવસોમાં ડ્રેનેજની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે, તો તેઓ વડોદરા મહાનગર સેવાસદનની કચેરી ખાતે મોરચો લઈ જશે અને લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન કરશે.

Most Popular

To Top