સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીએ સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું :
સ્થાનિકો અને કોર્પોરેટરની સતત રજૂઆત બાદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા,કાયમી ઉકેલ માટે તકનીકી પગલાં લેવાશે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.11
વડોદરા માંથી પસાર થતી નર્મદા કેનાલ વિસ્તારમાં વારંવાર બનતા અકસ્માતો અને મૂંગા પશુઓના ડૂબી જવાના બનાવોને પગલે આખરે તંત્ર એક્શનમાં આવ્યું છે. સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
છેલ્લા ઘણા સમયથી કેનાલ વિસ્તારમાં માનવ અને પશુઓના અકસ્માતની ઘટનાઓમાં વધારો થતા સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી હતી. આ મુદ્દે સ્થાનિકો દ્વારા તેમજ કોર્પોરેટર દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમના સુપરિન્ટેન્ડન્ટને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. રજૂઆતોને ગંભીરતાથી લઈને આજે સરદાર સરોવર નર્મદા નિગમના આસિસ્ટન્ટ એન્જિનિયર પ્રકાશભાઈ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે છાણી નવાયાર્ડ વિસ્તારમાંથી થતી કેનાલ વિસ્તારની હાલની સુરક્ષા વ્યવસ્થા, રેલિંગ, ચેતવણીના બોર્ડ અને અકસ્માતના સંભવિત કારણોની વિગતવાર સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન અધિકારીએ સ્થાનિકોની રજૂઆતો પણ સાંભળી હતી. સમસ્યાના કાયમી નિરાકરણ માટે જરૂરી તકનીકી અને વહીવટી કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવાની ખાતરી પણ તેમણે આપી હતી.સ્થાનિકોમાં જાગી આશા લાંબા સમયથી રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા સ્થાનિકો નારાજ હતા. પરંતુ હવે ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈને રસ દાખવ્યો હોવાથી લોકોમાં કાયમી ઉકેલની આશા જાગી છે.