Top News Main

અમેરિકામાં H-1B વિઝા કૌભાંડ પર ટ્રમ્પ સરકારનો સૌથી મોટો પ્રહાર

કોગ્નિઝન્ટ સહિત ભારતીય IT કંપનીઓ તપાસના રડાર પર, નકલી અરજીઓથી લઈ વિદેશી કર્મચારીઓના શોષણ સુધીના ગંભીર આરોપો

અમેરિકામાં H-1B અને PERM વર્ક વિઝા પ્રોગ્રામને લઈને અત્યાર સુધીની સૌથી મોટી તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળની સરકારે વિઝા સિસ્ટમમાં ચાલી રહેલી કથિત ગેરરીતિઓ, છેતરપિંડી સામે કડક વલણ અપનાવ્યું છે. આ તપાસમાં ભારતની અગ્રણી IT કંપનીઓ પણ તપાસના દાયરામાં આવી છે. તેમાં ખાસ કરીને કોગ્નિઝન્ટ (Cognizant)નું નામ ચર્ચામાં છે. અમેરિકન શ્રમ વિભાગ હેઠળ કાર્યરત ઓફિસ ઓફ ઇન્સ્પેક્ટર જનરલ (OIG) દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં નકલી વિઝા અરજીઓ, વિદેશી કર્મચારીઓનું શોષણ, ઓછા પગારે કામ કરાવવું, પગારમાં ગેરકાયદેસર કપાત અને અમેરિકન નાગરિકોની નોકરીઓને નુકસાન પહોંચાડવાના ગંભીર આરોપો સામે આવ્યા છે.આ સમગ્ર કાર્યવાહી અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સના નેતૃત્વ હેઠળ રચાયેલી “ટાસ્ક ફોર્સ ટુ એલિમિનેટ ફ્રોડ” દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. આ ટાસ્ક ફોર્સનો મુખ્ય હેતુ અમેરિકાની વર્ક વિઝા સિસ્ટમમાં ચાલી રહેલી ગેરરીતિઓને મૂળમાંથી દૂર કરવાનો છે.

H-1B અને PERM વિઝા પ્રોગ્રામ શું છે?
H-1B વિઝા એ અમેરિકામાં એવા વિદેશી નિષ્ણાત કર્મચારીઓને નોકરી આપવા માટેની વ્યવસ્થા છે, જેઓ ખાસ કુશળતા ધરાવે છે. ખાસ કરીને IT, એન્જિનિયરિંગ, હેલ્થકેર, ડેટા સાયન્સ અને ટેક્નોલોજી ક્ષેત્રમાં મોટી સંખ્યામાં ભારતીય તેમજ વ્યાવસાયિકો આ વિઝા દ્વારા અમેરિકા જાય છે.PERM (Program Electronic Review Management) એ એવી પ્રક્રિયા છે, જેના આધારે અમેરિકન કંપનીઓ વિદેશી કર્મચારીઓને કાયમી નોકરી માટે સ્પોન્સર કરી શકે છે.પરંતુ પ્રોગ્રામનો ઉપયોગ માત્ર ત્યારે જ થવો જોઈએ જ્યારે અમેરિકામાં તે કામ માટે યોગ્ય સ્થાનિક ઉમેદવાર ઉપલબ્ધ ન હોય.

તપાસમાં શું બહાર આવ્યું?
OIG દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે.તપાસ મુજબ કેટલાક એમ્પ્લોયર્સ અને લેબર બ્રોકર્સ દ્વારા મોટી સંખ્યામાં ખોટી અને ભ્રામક વિઝા અરજીઓ દાખલ કરવામાં આવી હતી. કેટલાક કેસોમાં અમેરિકન બજારમાં વાસ્તવમાં નોકરી ઉપલબ્ધ ન હોવા છતાં નકલી જોબ ઓફર બતાવવામાં આવી હતી. તેમજ તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અનેક વિદેશી કર્મચારીઓને તેમની યોગ્ય લાયકાત કરતાં ઓછા પગારે કામ કરવા મજબૂર કરવામાં આવ્યા હતા. કેટલાક કર્મચારીઓના પગારમાં ગેરકાયદેસર કપાત કરવામાં આવી હતી અને તેમને પોતાની વિઝાની સ્થિતિ ગુમાવવાના ભય હેઠળ કામ કરાવવામાં આવતું હતું.

અમેરિકન કામદારોની નોકરીઓ પર અસર
OIGના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સસ્તા વિદેશી કર્મચારીઓના મોટા પ્રમાણમાં ઉપયોગને કારણે અમેરિકન નાગરિકોને મળવી જોઈએ તેવી નોકરીઓ પર અસર પડી છે.ઓછી મજૂરીમાં કામ કરવા તૈયાર વિદેશી કર્મચારીઓના કારણે સ્થાનિક અમેરિકન કર્મચારીઓ માટે રોજગારની તકો ઘટી ગઈ હોવાનું તપાસમાં જણાવાયું છે.અમેરિકન સરકારનું માનવું છે કે H-1B અને PERM જેવી યોજનાઓનો હેતુ કુશળ કર્મચારીઓની અછત દૂર કરવાનો હતો, પરંતુ કેટલાક લોકોએ તેનો ઉપયોગ માત્ર સસ્તી મજૂરી મેળવવા માટે કર્યો.

કોગ્નિઝન્ટ સહિત ભારતીય IT કંપનીઓ ચર્ચામાં
તપાસ દરમિયાન અમેરિકન અધિકારીઓએ ખુલાસો કર્યો કે કેટલીક મોટી IT કંપનીઓ અંગે વ્હિસલબ્લોઅર્સ પાસેથી મહત્વપૂર્ણ માહિતી મળી છે.ખાસ કરીને કોગ્નિઝન્ટનું નામ ચર્ચામાં આવ્યું છે. જોકે અત્યાર સુધી કોઈ કંપની સામે અંતિમ દોષારોપણ કરવામાં આવ્યું નથી, પરંતુ તપાસ એજન્સીએ જણાવ્યું છે કે તમામ પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.અમેરિકન અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ કંપની દોષિત સાબિત થશે તો તેના વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

OIGના ઇન્સ્પેક્ટર જનરલનું મોટું નિવેદન
અમેરિકન શ્રમ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલ એન્થોની ડી એસ્પોસિટોએ જણાવ્યું કે તપાસ માત્ર કાગળો સુધી મર્યાદિત નહીં રહે.તેમણે કહ્યું કે અત્યાર સુધી અનેક કંપનીઓને સમન્સ પાઠવવામાં આવ્યા છે અને જ્યાં સુધી સંપૂર્ણ સત્ય બહાર નહીં આવે ત્યાં સુધી તપાસ ચાલુ રહેશે.તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોઈપણ કંપની કેટલીય મોટી કેમ ન હોય, જો તેણે કાયદાનો ભંગ કર્યો હશે તો તેની સામે કાર્યવાહી થશે.

વ્હિસલબ્લોઅર્સે આપી મહત્વપૂર્ણ માહિતી
તપાસમાં અનેક વ્હિસલબ્લોઅર્સે મહત્વપૂર્ણ દસ્તાવેજો અને માહિતી આપી છે.આ માહિતીના આધારે તપાસ એજન્સી હવે વિવિધ કંપનીઓના ભરતી રેકોર્ડ, પગાર માળખું, વિઝા અરજી પ્રક્રિયા અને આંતરિક દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે.
વ્હિસલબ્લોઅર્સના જણાવ્યા મુજબ કેટલીક જગ્યાએ નિયમોનું વ્યવસ્થિત રીતે ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાની શંકા છે.

માનવ તસ્કરી અને બળજબરીથી મજૂરીની પણ તપાસ
અમેરિકન તપાસ એજન્સીએ માત્ર વિઝા ગેરરીતિ સુધી જ તપાસ મર્યાદિત રાખી નથી.તપાસમાં એવા સંકેતો પણ મળ્યા છે કે કેટલાક કેસોમાં વિદેશી કર્મચારીઓને બળજબરીથી કામ કરાવવામાં આવતું હતું.મહત્વ નું છે કે કેટલાક કર્મચારીઓ પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં વસૂલવામાં આવ્યા હતા અથવા તેમની કમાણીમાંથી કપાત કરવામાં આવી હતી.
આવા કેસોમાં માનવ તસ્કરી અને બળજબરીથી મજૂરી સંબંધિત કાયદા હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે.

ટ્રમ્પ સરકારનું કડક વલણ
ટ્રમ્પ સરકાર લાંબા સમયથી અમેરિકન નાગરિકોને રોજગારની વધુ તક મળે તે માટે H-1B વિઝા સિસ્ટમમાં સુધારા કરવાની વાત કરતી આવી છે.સરકારનું માનવું છે કે અમેરિકન કંપનીઓએ પહેલા સ્થાનિક નાગરિકોને રોજગાર આપવો જોઈએ અને ત્યારબાદ જ વિદેશી કર્મચારીઓની ભરતી કરવી જોઈએ.જો કે આ નવી તપાસ પણ એ જ નીતિનો એક ભાગ માનવામાં આવી રહી છે.

ભારતીય IT ઉદ્યોગ માટે ચિંતાનો વિષય
ભારતીય IT ઉદ્યોગ માટે અમેરિકા સૌથી મોટું બજાર છે.
ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ઇન્ફોસિસ, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજીસ, કોગ્નિઝન્ટ અને ટેક મહિન્દ્રા જેવી કંપનીઓ મોટી સંખ્યામાં H-1B વિઝા પર નિર્ભર છે.જો અમેરિકામાં નિયમો વધુ કડક બનશે અથવા તપાસમાં ગંભીર ગેરરીતિઓ સામે આવશે તો તેનો સીધો પ્રભાવ ભારતીય IT ઉદ્યોગ પર પડી શકે છે.

કંપનીઓ માટે વધશે પડકાર
નિષ્ણાતોનું માનવું છે કે હવે તમામ IT કંપનીઓએ ભરતી પ્રક્રિયા, પગાર માળખું અને વિઝા સંબંધિત દસ્તાવેજોમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવી પડશે.ભવિષ્યમાં અમેરિકન સરકાર વધુ ઓડિટ, વધુ દસ્તાવેજી ચકાસણી અને કડક નિરીક્ષણ કરી શકે છે.

અમેરિકન સરકારનો સ્પષ્ટ સંદેશ
OIGએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કહ્યું છે કે H-1B અને PERM જેવી યોજનાઓનો હેતુ અમેરિકન અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે, કોઈ ભ્રષ્ટ તત્વોને ગેરકાયદેસર રીતે નફો કમાવવાનો નહીં.સરકારે કહ્યું છે કે જે લોકો આ સિસ્ટમનો દુરુપયોગ કરશે તેમની સામે કોઈપણ પ્રકારની નરમાઈ દાખવવામાં આવશે નહીં.

હાલ તપાસ પ્રારંભિક તબક્કામાં છે.
અમેરિકન શ્રમ વિભાગ, OIG અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા વિવિધ કંપનીઓ પાસેથી દસ્તાવેજો માંગવામાં આવી રહ્યા છે.તપાસ પૂર્ણ થયા બાદ જો ગેરરીતિના પૂરતા પુરાવા મળશે તો સંબંધિત કંપનીઓ, ભરતી એજન્સીઓ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી થઈ શકે છે.જો આરોપો સાચા સાબિત થશે તો કરોડો ડોલરનો દંડ, વિઝા પર પ્રતિબંધ, ફોજદારી કેસ અને ભવિષ્યમાં અમેરિકામાં ભરતી પ્રક્રિયા પર ગંભીર અસર થઈ શકે છે.

ભારતીય કર્મચારીઓએ શું ધ્યાન રાખવું?
નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકા જવા ઈચ્છતા ભારતીય વ્યાવસાયિકોએ માત્ર માન્ય અને વિશ્વસનીય કંપનીઓ મારફતે જ H-1B અથવા PERM વિઝા પ્રક્રિયા કરાવવી જોઈએ.કોઈપણ ખોટા દસ્તાવેજ, નકલી જોબ ઓફર અથવા ગેરકાયદેસર ભરતી પ્રક્રિયામાં સામેલ થવાથી ભવિષ્યમાં વિઝા રદ થવા ઉપરાંત કાનૂની મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે છે.

અમેરિકાની આ કાર્યવાહી માત્ર એક તપાસ નથી, પરંતુ સમગ્ર H-1B અને PERM વિઝા સિસ્ટમને વધુ પારદર્શક, તેમજ જવાબદાર અને કાયદા અનુસાર ચલાવવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. હવે સમગ્ર વિશ્વની નજર આ તપાસના અંતિમ પરિણામો પર છે, કારણ કે તેની અસર માત્ર ભારતીય IT કંપનીઓ પર જ નહીં પરંતુ લાખો વિદેશી વ્યાવસાયિકોના ભવિષ્ય પર પણ પડી શકે છે.

Most Popular

To Top