સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ જોખમી મકાનોનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. તેવામાં પાંડેસરા વિસ્તારના મુક્તિનગરમાં આવેલા આશરે 35 વર્ષ જૂના મકાનની ગેલેરી અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સ્થાનિકોમાં ભારે ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે.
માહિતી મુજબ મુક્તિનગરમાં આવેલું મકાન નંબર 58 લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું. સતત વરસી રહેલા વરસાદ વચ્ચે મકાનની ગેલેરી અચાનક તૂટી પડી હતી. ગેલેરી ધરાશાયી થતા જ આસપાસના લોકો ઘરની બહાર દોડી આવ્યા અને થોડા સમય માટે વિસ્તારમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર આ મકાન લગભગ 35 વર્ષ જૂનું છે અને તેની હાલત ઘણા સમયથી ખરાબ હતી. સુરત મહાનગરપાલિકાએ અગાઉ મકાનને જોખમી જાહેર કરીને નોટિસ પણ આપી હતી.
નોટિસ આપવામાં આવ્યા છતાં મકાન સંપૂર્ણપણે ખાલી કરવામાં આવ્યું નહોતું. રહેવાસીઓનો આરોપ છે કે સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો આવી ઘટના ટાળી શકાત.પરંતુ ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કરીને આસપાસના ભાગોને સુરક્ષિત કરવા અને વધુ જોખમ ન સર્જાય તે માટે કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ મકાનની બાકીની રચના પણ જોખમી છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અન્ય જૂના અને જર્જરિત મકાનો અંગે પણ લોકોમાં ચિંતા વધી છે. ચોમાસા દરમિયાન આવા મકાનો રહેવાસીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. સ્થાનિકોએ મહાનગરપાલિકાને જોખમી મકાનોની તાત્કાલિક તપાસ કરીને જરૂરી પગલાં લેવા માંગ કરી છે.પાંડેસરાની આ ઘટના એક ચેતવણી સમાન માનવામાં આવી રહી છે.
વરસાદી મોસમમાં વર્ષો જૂના અને નબળી હાલતમાં આવેલા મકાનોને લઈને સુરક્ષા વ્યવસ્થા કેટલી અસરકારક છે તેવો મોટો સવાલ ફરી ઊભો થયો છે. હાલ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો સમયસર સાવચેતી ન રાખવામાં આવે તો આવનારા દિવસોમાં મોટી દુર્ઘટનાઓ સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં.