Vadodara

MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત

સ્કોલરશિપ, ફી માળખા અને ATKTમાં રાહતની માંગ

SC-ST વિદ્યાર્થીઓની સ્કોલરશિપ ન આવતા રિઝલ્ટ અટક્યા,સમરસ હોસ્ટેલ રજીસ્ટ્રેશનની તારીખ નજીક

પ્રતિનિધિ )વડોદરા,તા.29

વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આજે પોલીટેકનિકના વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ અલગ અલગ મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

પ્રથમ મુદ્દો ટેકનોલોજી ફેકલ્ટીના સંલગ્ન કોલેજોના એસસી,એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને લગતો છે. વિદ્યાર્થીઓને સ્કોલરશિપની રકમ હજુ સુધી મળી નથી, જેના કારણે તેઓ ફી ભરી શકતા નથી. ફી ન ભરાઈ શકવાના કારણે યુનિવર્સિટી દ્વારા તેમના રિઝલ્ટ જાહેર કરવામાં આવતા નથી. વિદ્યાર્થીઓની રજૂઆત મુજબ, સરકારી નિયમ પ્રમાણે યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પર ફી માટે દબાણ કરી શકે નહીં. રિઝલ્ટ ન આવવાના કારણે વિદ્યાર્થીઓને આગળના અભ્યાસક્રમમાં મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ, સમરસ હોસ્ટેલના રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ પણ નજીક આવી રહી હોવાથી વિદ્યાર્થીઓ ચિંતિત છે. બીજો મુદ્દો ટેકનોલોજી ફેકલ્ટીની સંલગ્ન એસએફઆઈ કોલેજોના ફી માળખાને લગતો છે. હાલની ફીનું માળખું એવું છે કે કુલ ફીના અંદાજે 90% ભાગ કોલેજ ફી તરીકે અને માત્ર 10% ભાગ ટ્યુશન ફી તરીકે લેવામાં આવે છે. એમવાય એસવાય સ્કોલરશિપ યોજનાનો લાભ માત્ર ટ્યુશન ફી પર જ મળતો હોવાથી વિદ્યાર્થીઓને ખૂબ જ ઓછી શિષ્યવૃત્તિ મળે છે. વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે હાલનું ફી સ્ટ્રક્ચર બદલીને ટ્યુશન ફીનો હિસ્સો કુલ ફીના આશરે 90% તથા કોલેજ ફીનો હિસ્સો આશરે 10% કરવામાં આવે. જેથી એમવાયએસવાય સ્કોલરશિપનો યોગ્ય લાભ વિદ્યાર્થીઓને મળી શકે અને તેમના પરનો આર્થિક બોજ ઘટે. ત્રીજો મુદ્દો નેપ આધારિત ડિટેન પોલિસીમાં રાહત અંગેનો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તથા ટેકનોલોજી ફેકલ્ટીમાં ગયા શૈક્ષણિક વર્ષથી નેપ મુજબ ડિટેન પોલિસીમાં રાહત આપવામાં આવી હતી. જેના કારણે ગોલ્ડન એટીકેટી ધરાવતા અનેક વિદ્યાર્થીઓને તેમનું શૈક્ષણિક વર્ષ બગાડ્યા વિના આગામી સેમેસ્ટરમાં અભ્યાસ ચાલુ રાખવાની તક મળી હતી. વિદ્યાર્થીઓએ વિનંતી કરી છે કે આ શૈક્ષણિક વર્ષમાં પણ એ જ NEP આધારિત રાહત યથાવત્ રાખવામાં આવે અને ગોલ્ડન ATKT ધરાવતા વિદ્યાર્થીઓને આગામી શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ આપી તેમનો અભ્યાસ સતત ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે,વિદ્યાર્થીઓએ ત્રણેય મુદ્દે તાત્કાલિક નિરાકરણ લાવી શૈક્ષણિક હિત જાળવવા યુનિવર્સિટી સત્તાધીશોને અપીલ કરી છે.

Most Popular

To Top