આખી દુનિયામાં ફક્ત બે સ્થળોએ જંગલનો રાજા હજી સુધી ગર્જના કરી રહ્યો છે: આફ્રિકામાં અને ગુજરાતના ગીરમાં. એશિયાટિક લાયન તરીકે ઓળખાતો ‘આપણો’ ગરવો ગુજરાતી વનરાજ એકાએક વંઠી કેમ ગયો?- સૌરાષ્ટ્રમાં ગીર વિસ્તાર છોડી માનવ વસવાટમાં શિકાર શોધવા રઝળતા જંગલના રાજાની નવી જીવનશૈલી બધાને આશ્ચર્યમાં મૂકી રહી છે. હવે એ કૂતરાં બિલાડાં જેમ માનવવસ્તીવાળા ગામોમાં ફરતો થઈ ગયો છે. ક્યારેક એ અમરેલી જિલ્લાનાં ગામોમાં ઘૂસી જાય છે તો ક્યારેક ભાવનગર જિલ્લામાં. મન થઈ જાય ત્યારે ગરવા ગિરનારની લટાર મારી આવે છે. લાઠી અને રાજુલા જેવાં ગામો માટે હવે રસ્તો ઓળંગતા સિંહ પરિવારનું દૃશ્ય નવું નથી. ઊભા પાક વચ્ચે સિંહણ આરામથી વિયાય છે. એનાં બચ્ચાંને ઊની આંચ ન આવે એ માટે એ આઠે પહોર સાવચેતી રાખે છે, એટલે એવી વાડીમાં પગ મૂકતાં ખુદ એનો માલિક ડરતો હોય છે. એટલું નક્કી કે સિંહ સામાન્ય રીતે માણસ પર હુમલો કરતો નથી. માણસ એને વન્ય પ્રાણીનો શિકાર કરવામાં અડચણરૂપ લાગે કે એને સંવનનકાળમાં ખલેલ પહોંચાડે તો એ જરૂર ખિજાય છે એટલે ગીરના જંગલ વિસ્તારમાં નેસ બાંધી રહેતા માલધારીઓ એમની ભેંસોને ખીલે બાંધી રાખતા નથી. ભેંસો સમૂહમાં રહે છે અને સિંહ આવી ચડે તો ફૂંફાડા મારતી એકીસાથે એના પર હુમલો કરી દે છે જેથી સિંહને ઊભી પૂંછડીએ ભાગવું પડે છે. ઝવેરચંદ મેઘાણીનું બહુ જાણીતું કાવ્ય ‘ચારણકન્યા’ પણ ડાલામથ્થા વનરાજને લાકડી વીંઝતાં વીંઝતાં ત્રાડ પાડી રહેલી ગીરની ગરવી દીકરીથી ડરીને ભાગી જતો વર્ણવે છે. પરંતુ ધારોકે ભેંસ કે બળદ પર સિંહ હુમલો કરી બેસે અને એને એના તીણા નહોરથી ચીરવા લાગે તો માલધારીઓ એ પ્રાણીને બચાવવાના પ્રયત્નો છોડી દે છે અને હાથ જોડીને એને સાવજનો શિકાર બનવા દે છે. એ એમ સમજે છે કે હવે એ ઘાયલ જીવને રિબાઈ રિબાઈને જીવતા રહેવા કરતાં એના નસીબ પર છોડી દેવામાં જ શ્રેય છે. વળી ગીરવાસી માલધારીઓને સિંહ પરિવારનાં નાનેરાં બાળની પણ ખેવના રહ્યા કરે છે: બિચારી મા આપણા ધણની ભેંસ,ગાવડી કે ઢાંઢાને લઈ ગઈ તો ભલે લઈ ગઈ. એનાં બાળ ભૂખે ટળવળતાં હશે, બીજો શિકાર નહીં મળ્યો હોય ત્યારે નાછૂટકે નેસ સામે નજર કરી હશે.
હમણાં બે કરુણ ઘટનાઓને અંજામ આપી જંગલનો રાજા ચર્ચાસ્પદ બન્યો છે. અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં અને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના એક ગામમાં સિંહે એક એક માણસનું મારણ કર્યું છે. સિંહ પ્રકૃતિથી માનવભક્ષી નથી. એને વન્ય પ્રાણીઓનો શિકાર કરવો ગમે છે. જંગલમાં કુદરતે એનો ભક્ષ અગાઉથી તૈયાર રાખેલો છે. હરણાં, સાબર, નીલગાય..એ ન મળે ત્યારે ભેંસ અને ગાય જેવાં મોટાં ચોપગાં. આ કુદરતી વ્યવસ્થામાં અડચણ ઊભી થઈ જાય ત્યારેपम्! એનો શિકાર પર નીકળવાનો સમય પણ રાત્રીના બીજા પહોરથી શરૂ થાય છે. જે બે કમનસીબ યુવાનો એનો ભક્ષ બની ગયા હતા એ રાતે જંગલ વિસ્તારમાં એકલા નીકળી પડ્યા હતા. બનવાજોગ કે શિકારની શોધમાં નીકળેલા સિંહ કે સિંહણે એમને નિશાચરો પ્રાણી માનીને તરાપ મારી હોય. અંધારામાં એ ભૂખ્યા જાનવરને એ પશુ છે કે માણસ એનો ભેદ સમજવાની જરૂર ન લાગી હોય. એથી શિકાર કરનાર જાનવરને પૂરી ચકાસણી વગર માનવભક્ષી માની લેવું પણ બરાબર નહીં કહેવાય. સિંહ રોયલ પ્રાણી છે અને ઉશ્કેરણી વિના ભાગ્યે જ માણસ પર હુમલો કરતો હોય છે. એનો ઈગો હર્ટ થાય તો એ ગુસ્સે થઈ જાય છે. નહીંતર આખો દિવસ સફારી પાર્કમાં એ પોતાનાં દર્શન કરવા માગતા લોકોને નિરાંતે સલામત અંતર પર મળતો જ હોય છે. એ વનવિભાગના કર્મચારીઓને પણ ઓળખતો હોય છે.સફારી ગાડીઓમાં કે પોતાના વાહનોમાં બેસી સિંહદર્શન કરવા આવતાં લોકોને જોઈને એ ઉશ્કેરાતો નથી. એમનાં વાહનો પર એ હુમલો નથી કરતો પણ જો કોઈ સામે ચાલીને એને છંછેડે,હોર્ન વગાડી પડકારે કે કેમેરાની કરામતો કરી એનું અપમાન કરે તો એને એ સહન નહીં થાય.
‘અરે ભાઈ, તું કોણ છે મારી સામે ખિખિયાટા કરનારો? એક ઝાપટ મારીશ તો ઊભો વેતરાઈ જઈશ.’ એને માણસની ભાષા આવડતી હોત તો એ આવું કંઈક ખોંખારીને કહેત. એની પાસે ઘુઘવાટા છે, ગર્જના છે અને પછી તો તમે ભલેને મોટા ટ્રંપના બાપ હોવ, એને મન તો મગતરું જ છો. એનો રાજવી ઠાઠ અને સ્વભાવ કોઈની સાડાબારી ન જ રાખે. સિંહ કે વાઘ કે દીપડો માનવભક્ષી બની જાય ત્યારે એમને જંગલમાં છૂટા ફરવા દેવામાં ભારે જોખમ છે.