સુરતની જાણીતી કન્ટેન્ટ ક્રિએટર અને યુટ્યુબર શિવાની કપિલા, જેને સોશિયલ મીડિયા પર ‘લિટલ ગ્લવ્ઝ’ તરીકે લાખો લોકો ફોલો કરે છે, તેમના ઘરમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા તેમના ઘરના બેડરૂમમાં ચાર્જિંગમાં મુકેલી વાયરલેસ પાવર બેંકમાં અચાનક બ્લાસ્ટ થતાં સમગ્ર રૂમમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાખો રૂપિયાની કિંમતી વસ્તુઓ, યુટ્યુબ તરફથી મળેલા સિલ્વર, ગોલ્ડન અને ડાયમંડ પ્લે બટન સહિતની તમામ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ છે. શિવાનીએ આ સમગ્ર ઘટનાની માહિતી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ભાવુક વીડિયો શેર કરીને આપી છે. વીડિયોમાં તેઓ રડી પડતાં કહે છે કે તેમણે વર્ષોની મહેનતથી પોતાના સપનાનું ઘર તૈયાર કર્યું હતું, પરંતુ માત્ર એક પાવર બેંકના બ્લાસ્ટે તેમની આખી દુનિયા પળભરમાં વેરવિખેર કરી દીધી.
શિવાનીના જણાવ્યા મુજબ, ઘટનાના સમયે તેમની સાસુને અચાનક તીવ્ર તાવ આવતાં તેઓ તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. ઘરમાં તેમના પિતા હાજર હતા. હોસ્પિટલ પહોંચ્યા બાદ તેમને ફોન આવ્યો કે તેમના રૂમમાં આગ લાગી છે. શરૂઆતમાં તેમને લાગ્યું કે સામાન્ય આગ હશે, પરંતુ ઘરે પહોંચીને જ્યારે તેમણે પોતાનો રૂમ જોયો ત્યારે તેઓ આઘાતમાં આવી ગયા. આખો રૂમ આગની ઝપેટમાં આવી ગયો હતો અને લગભગ દરેક વસ્તુ બળીને રાખ થઈ ગઈ હતી. આ અકસ્માત દરમિયાન શિવાનીનો પાલતુ શ્વાન ‘કોકો’ પણ તે જ રૂમમાં હતો. રૂમમાં એર કન્ડિશનર ચાલુ હોવાથી તેને અંદર રાખવામાં આવ્યો હતો. આગ લાગતાં જ શિવાનીના પિતા અને તેમના મેનેજર રાજીવે સમય ગુમાવ્યા વગર ડોલમાં પાણી ભરી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો અને ભારે ધુમાડા વચ્ચે કોકોને સુરક્ષિત બહાર કાઢ્યો. શિવાનીએ જણાવ્યું કે ભગવાનની કૃપાથી કોકોને માત્ર પાછળના ભાગે થોડા વાળ બળ્યા હતા, પરંતુ તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી.
આ આગ એટલી ભયાનક હતી કે રૂમમાં લગાવેલું એર કન્ડિશનર પણ સંપૂર્ણપણે ઓગળી ગયું હતું. ઉપરાંત મોંઘી બેગ્સ, કપડાં, એક્સેસરીઝ, ફર્નિચર, કબાટ અને તેમની પુત્રી આધ્યાના બાળપણની યાદો સાથે જોડાયેલું વોલ ડ્રોઇંગ પણ આગમાં નાશ પામ્યું હતું. સૌથી મોટો આઘાત તેમને એ વાતનો લાગ્યો કે યુટ્યુબ પર વર્ષોની મહેનત બાદ મળેલા સિલ્વર, ગોલ્ડન અને ડાયમંડ પ્લે બટન પણ આગમાં બળી ગયા. શિવાનીએ જણાવ્યું કે તેઓ મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે અને દરેક સફળતા તેમણે પોતાની મહેનતના બળ પર મેળવી છે. તેથી આ અકસ્માત માત્ર આર્થિક નુકસાન નથી, પરંતુ તેમની લાગણીઓ અને વર્ષોની મહેનત સાથે જોડાયેલી દરેક વસ્તુ ગુમાવવાનો દુઃખદ અનુભવ છે.
આ ઘટનાના કારણે ઘરમાં ભારે પ્રમાણમાં કાર્બન મોનોક્સાઇડનો ધુમાડો ફેલાઈ ગયો હતો. જેના કારણે શિવાની, તેમના પિતા અને મેનેજરને ઉલ્ટી અને પેટમાં દુખાવાની ફરિયાદ પણ થઈ હતી. હાલમાં સમગ્ર પરિવાર આ આઘાતમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ ઘટના બાદ શિવાનીએ લોકોને મહત્વની સલાહ પણ આપી છે. તેમણે કહ્યું કે ક્યારેય પણ પાવર બેંક કે મોબાઇલ ફોનને બેડ પર અથવા માથાની નજીક રાખીને ચાર્જ ન કરવો જોઈએ. આજકાલ ઘરમાં રહેલી મોટાભાગની વસ્તુઓ સિન્થેટિક હોવાથી આગ ખૂબ ઝડપથી ફેલાય છે. માત્ર થોડાક મિનિટની બેદરકારીથી આખું ઘર બળીને ખાખ થઈ શકે છે.
શિવાનીએ વધુમાં જણાવ્યું કે જે પાવર બેંકમાં બ્લાસ્ટ થયો તે કોઈ અજાણી કંપનીનો નહીં પરંતુ જાણીતી બ્રાન્ડનો હતો અને તેની કિંમત લગભગ ₹4,000થી ₹4,500 હતી. સુરક્ષિત ગણાતી પ્રોડક્ટ હોવા છતાં આવી ઘટના બનતા તેઓ પોતે પણ આશ્ચર્યમાં છે. તેમણે કહ્યું કે હવે તેમને સમજાતું નથી કે તેમની ભૂલ શું હતી. આ અકસ્માતે સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જગાવી છે. ઘણા લોકોએ શિવાની અને તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે, જ્યારે ઘણા લોકોએ ઇલેક્ટ્રોનિક ઉપકરણો ચાર્જ કરતી વખતે વધુ સાવધાની રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.