લગ્નનો વિરોધ, પ્રેમી સાથે મળીને રચી હત્યાનું કાવતરું, લોહાગઢ કિલ્લે અનેક વખત બોલાવી મારી નાખવાનો પ્રયાસ; તપાસમાં રોજ નવા ખુલાસા
મહારાષ્ટ્રના પુણેમાં રિયલ એસ્ટેટ વ્યવસાયી કેતન અગ્રવાલની હત્યાના કેસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. શરૂઆતમાં ટ્રેકિંગ દરમિયાન અકસ્માત માનવામાં આવેલો આ કેસ હવે પૂર્વયોજિત હત્યાના કાવતરામાં ફેરવાઈ ગયો છે. પોલીસે ધરપકડ કરેલી મુખ્ય આરોપી સિયા ગોયલે પૂછપરછ દરમિયાન કબૂલ્યું હોવાનું તપાસ અધિકારીઓનું કહેવું છે કે તે કેતન અગ્રવાલ સાથે લગ્ન કરવા માંગતી નહોતી. પરંતુ પરિવારના દબાણ અને સામાજિક પરિસ્થિતિને કારણે તે લગ્ન તોડી શકી નહીં, જેના કારણે તેણે પોતાના પ્રેમી ચેતન ચૌધરી સાથે મળીને કેતનની હત્યાનું કાવતરું રચ્યું હોવાનું પોલીસનો દાવો છે.
પુણે ગ્રામ્ય પોલીસના જણાવ્યા મુજબ સિયા ગોયલે પૂછપરછમાં જણાવ્યું કે તેણે પોતાના પરિવારને અનેક વખત સમજાવ્યું હતું કે તે કેતન સાથે લગ્ન કરવા તૈયાર નથી. છતાં પરિવાર દ્વારા સગાઈ યથાવત રાખવામાં આવી. પોલીસનું કહેવું છે કે સિયાને લાગતું હતું કે કેતન તેના અને ચેતન ચૌધરીના સંબંધ વચ્ચે સૌથી મોટો અવરોધ હતો. તેથી બંનેએ મળીને તેને રસ્તામાંથી હટાવવાનો નિર્ણય લીધો.
તપાસમાં જાણવા મળ્યું છે કે સિયા અને ચેતન છેલ્લા ઘણા મહિનાથી એકબીજાના સંપર્કમાં હતા. બંને વચ્ચે સતત વાતચીત થતી હતી અને ડિજિટલ પુરાવાઓના આધારે પોલીસે જણાવ્યું છે કે હત્યાની યોજના પહેલેથી જ ઘડી લેવામાં આવી હતી. મોબાઇલ ફોનમાંથી ડિલીટ કરાયેલા ચેટ્સને પણ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.પોલીસના જણાવ્યા અનુસાર આ કાવતરું 31 મેના રોજ લોહાગઢ કિલ્લાની મુલાકાત દરમિયાન ઘડાયું હતું. તે દિવસે બંનેએ સ્થળનું નિરીક્ષણ કરીને વિચાર કર્યો હતો કે જો કોઈ વ્યક્તિને અહીંથી ખીણમાં ધક્કો મારવામાં આવે તો તેને અકસ્માત તરીકે દર્શાવી શકાય. ત્યારબાદ સિયાએ અનેક વખત કેતનને ફરી લોહાગઢ લઈ જવાનો પ્રયાસ કર્યો. 4 જૂને પરિવારના કારણે પ્રવાસ રદ થયો, જ્યારે 14 જૂનની મુલાકાત દરમિયાન પણ યોજના સફળ થઈ નહોતી. અંતે 18 જૂને બંનેએ તક મળતાં કેતનને ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો હોવાનો પોલીસનો આરોપ છે.
ઘટના બાદ સિયાએ પોલીસને જણાવ્યું હતું કે કેતન ફોટો પાડતી વખતે પગ લપસવાથી ખીણમાં પડી ગયો ,શરૂઆતમાં પોલીસે આ ઘટનાને અકસ્માત માની કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ સ્થળ પરથી મળેલા પુરાવા, CCTV ફૂટેજ, મોબાઇલ લોકેશન અને આરોપીઓના નિવેદનમાં વિસંગતતા સામે આવતા તપાસનો દિશા બદલાઈ ગયો. ત્યારબાદ સમગ્ર ઘટનામાં પૂર્વયોજિત હત્યાનું કાવતરું બહાર આવ્યું.તપાસ દરમિયાન પોલીસે એક વધુ મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. આરોપીઓએ હત્યા પહેલાં ઇન્ટરનેટ પર “કોઈ વ્યક્તિને કેવી રીતે મારી શકાય”, “ઝેર આપવાના ઉપાયો”, તેમજ “અકસ્માત જેવું દેખાડીને હત્યા કેવી રીતે કરવી” જેવા વિષયો પર સર્ચ કર્યું હોવાનું ફોરેન્સિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે દાવો કર્યો છે કે બંનેએ લોહાગઢ કિલ્લા પર જઈ અગાઉથી ઘટનાની રિહર્સલ પણ કરી હતી.તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે સિયાના પરિવારને તેના અને ચેતનના સંબંધ અંગે કંઈક અંશે જાણકારી હતી કે નહીં, તે મુદ્દે પણ પોલીસ તપાસ કરી રહી છે. સિયાના ભાઈ સહિત પરિવારના સભ્યોની લાંબી પૂછપરછ કરવામાં આવી છે. બીજી તરફ, સિયાના માતા-પિતાએ ચેતનને ઓળખતા હોવાનો ઇનકાર કર્યો છે. જોકે તપાસ દરમિયાન બંને વચ્ચેના સંબંધોને લઈને નવા પુરાવા સામે આવી રહ્યા છે.
મૃતક કેતન અગ્રવાલના પરિવારનું કહેવું છે કે તેઓએ શરૂઆતમાં લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહોતો. તેમ છતાં સિયાના પરિવાર તરફથી સતત આગ્રહ કરવામાં આવતા સગાઈ થઈ હતી. કેતનના પિતાએ પોલીસને જણાવ્યું કે તેમના પુત્રને ટ્રેકિંગનો અનુભવ હતો અને તે સહેલાઈથી પગ લપસીને ખીણમાં પડી જાય તેવું તેમને લાગતું નહોતું. આ શંકાને આધારે પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.તપાસમાં CCTV ફૂટેજ પણ મહત્વનો પુરાવો બન્યો છે. ઘટના દિવસે ભારે ગરમી હોવા છતાં એક વ્યક્તિ હૂડી પહેરીને કિલ્લા પર ફરતો જોવા મળ્યો હતો. પોલીસે આ ફૂટેજના આધારે તપાસ આગળ વધારી અને બાદમાં અનેક ડિજિટલ તથા પરિસ્થિતિજન્ય પુરાવાઓ એકત્ર કર્યા.
હાલ સિયા ગોયલ અને ચેતન ચૌધરી બંને પોલીસ કસ્ટડીમાં છે. પોલીસે બંનેના મોબાઇલ ફોન, કોલ ડિટેઇલ્સ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ડિજિટલ ચેટ્સની તપાસ ચાલુ રાખી છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે કેસમાં હજુ વધુ મહત્વપૂર્ણ પુરાવા બહાર આવી શકે છે.આ સમગ્ર કેસે દેશમાં ભારે ચર્ચા જગાવી છે. પ્રેમ સંબંધ, પરિવારનું દબાણ અને પૂર્વયોજિત હત્યાના આક્ષેપોને કારણે આ કેસ દેશના સૌથી ચર્ચિત ક્રાઇમ કેસોમાં સામેલ થઈ ગયો છે. જોકે પોલીસ દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓ હજુ તપાસનો ભાગ છે અને અંતિમ સત્યનો નિર્ણય કોર્ટમાં રજૂ થનારા પુરાવા અને ટ્રાયલ બાદ જ થશે.