World

અમેરિકાનો ઈરાન પર ફરી મોટો હુમલો: ટ્રમ્પના આદેશ બાદ 10 સૈન્ય ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક

ડ્રોન બેઝથી લઈને રડાર સિસ્ટમ સુધી નિશાન બનાવાયા

ઈરાને યુદ્ધવિરામનો ભંગ કરીને વેપારી જહાજ પર ડ્રોન હુમલો કર્યો હોવાનો અમેરિકાનો દાવો; CENTCOMની મોટી કાર્યવાહીથી મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધના વાદળો ઘેરાયા: મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સીધા આદેશ બાદ અમેરિકી સેનાએ ઈરાનના અનેક મહત્વપૂર્ણ સૈન્ય મથકો પર ફરીથી મોટા પાયે એરસ્ટ્રાઈક કરી છે.હુમલામાં ઈરાનની મિલિટરી સર્વેલન્સ સિસ્ટમ, કોમ્યુનિકેશન નેટવર્ક, એર ડિફેન્સ, ડ્રોન લોન્ચિંગ સુવિધાઓ, રડાર સ્ટેશનો અને અન્ય વ્યૂહાત્મક સૈન્ય માળખાંને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું અમેરિકાએ જણાવ્યું છે.

CENTCOMના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી ઈરાન દ્વારા યુદ્ધવિરામની શરતોનું પાલન ન કર્યા બાદ કરવામાં આવી છે. અમેરિકાનો આરોપ છે કે ઈરાને વેપારી જહાજો પર ફરીથી ડ્રોન હુમલા કરીને સમુદ્રી સુરક્ષાને જોખમમાં મૂકી છે. ખાસ કરીને હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ રહેલા તેલ ટેન્કર M/T Kiku પર થયેલા હુમલાને અમેરિકાએ યુદ્ધ વિરામનો સ્પષ્ટ ભંગ ગણાવ્યો છે.અમેરિકી સેનાના જણાવ્યા મુજબ આ ઓપરેશનમાં કુલ 10 મહત્વપૂર્ણ સૈન્ય લક્ષ્યો પર હુમલા કરવામાં આવ્યા હતા.જેમાં ઈરાનની સૈન્ય દેખરેખ માટે વપરાતી સર્વેલન્સ સિસ્ટમ,કોમ્યુનિકેશન સેન્ટરો, ડ્રોન સ્ટોરેજ સુવિધાઓ,એર ડિફેન્સ સિસ્ટમ, કોસ્ટલ રડાર સ્ટેશનો અને માઇન બિછાવવાની ક્ષમતાને નુકસાન પહોંચાડવા માટે ચોક્કસ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.જો કે અમેરિકાનું કહેવું છે કે આ હુમલાનો હેતુ યુદ્ધ શરૂ કરવાનો નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય જહાજરાનીની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો.

CENTCOMએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે એક દિવસ અગાઉ પણ અમેરિકા દ્વારા મર્યાદિત કાર્યવાહી કરવામાં આવી હતી. તે સમયે ઈરાનને યુદ્ધવિરામનું પાલન કરવાની તક આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ ફરી એકવાર ડ્રોન હુમલો થતાં અમેરિકાએ વધુ કડક લશ્કરી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો.આ સમગ્ર ઘટનાના કેન્દ્રમાં હોર્મુઝની ખાડી છે, વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંથી એક છે.વિશ્વના મોટા પ્રમાણમાં કાચા તેલની નિકાસ આ જ માર્ગથી થાય છે. છેલ્લા કેટલાક દિવસોથી વેપારી જહાજો પર થતા હુમલાઓને કારણે વૈશ્વિક શિપિંગ ઉદ્યોગમાં ચિંતા વધી છે. અનેક શિપિંગ કંપનીઓએ પોતાના જહાજોના રૂટમાં ફેરફાર શરૂ કર્યા છે, જ્યારે વીમા કંપનીઓએ જોખમનું સ્તર વધારી દીધું છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ કાર્યવાહી અંગે કડક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે જો ઈરાન પોતાની આક્રમક પ્રવૃત્તિઓ ચાલુ રાખશે તો અમેરિકા વધુ સખત પગલાં ભરવામાં પણ અચકાશે નહીં. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ચેતવણી આપતાં કહ્યું કે જો ઈરાન સતત ઉશ્કેરણી કરશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.બીજી તરફ ઈરાને અમેરિકાના હુમલાની નિંદા કરી છે. ઈરાનનું કહેવું છે કે અમેરિકાએ તેની સંપ્રભુતા પર હુમલો કર્યો છે અને આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદાના વિરુદ્ધ છે. ઈરાનના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે તેઓ આ હુમલાનો જવાબ આપવા માટે પોતાના તમામ વિકલ્પો ખુલ્લા રાખશે. જોકે સત્તાવાર પ્રતિક્રિયા અંગે હજુ સંપૂર્ણ માહિતી સામે આવી નથી.

અમેરિકી સેનાએ જાહેર કરેલી માહિતી અનુસાર હુમલા અત્યંત ચોકસાઈથી કરવામાં આવ્યા હતા જેથી સામાન્ય નાગરિક વિસ્તારોને નુકસાન ન પહોંચે. આ ઓપરેશનમાં આધુનિક લડાકુ વિમાનો લાંબા અંતરની પ્રિસિઝન ગાઈડેડ મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સૈન્ય સૂત્રો અનુસાર મુખ્ય લક્ષ્ય માત્ર ઈરાનની સૈન્ય ક્ષમતાને નબળી બનાવવાનો હતો. સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે જો બંને દેશો વચ્ચે હાલની સ્થિતિ વધુ બગડશે તો તેની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી શકે છે. ખાસ કરીને કાચા તેલના ભાવમાં વધારો, શિપિંગ ખર્ચમાં વધારો અને આંતરરાષ્ટ્રીય વેપારમાં વિક્ષેપ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. હોર્મુઝની ખાડી વિશ્વના ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ હોવાથી ત્યાં કોઈપણ સૈન્ય સંઘર્ષ વૈશ્વિક બજારોને અસર કરી શકે છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે થોડા દિવસો પહેલાં જ તણાવ ઘટાડવા માટે યુદ્ધવિરામ અને રાજદ્વારી ચર્ચાઓની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ વેપારી જહાજો પર થયેલા હુમલા બાદ તે પ્રક્રિયા ફરી જોખમમાં મુકાઈ ગઈ છે. હવે બંને દેશો ફરી સૈન્ય કાર્યવાહી તરફ આગળ વધી રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે.આ સમગ્ર ઘટનાને લઈને સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનો પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.વિશ્વના અનેક દેશોએ બંને પક્ષોને સંયમ રાખવા અને વાતચીત દ્વારા ઉકેલ લાવવાની અપીલ કરી છે. જોકે હાલની સ્થિતિને જોતા મધ્ય પૂર્વમાં ફરી મોટા સંઘર્ષની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલ તો અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન તરફથી ફરી વેપારી જહાજો અથવા અમેરિકી હિતો પર હુમલો કરવામાં આવશે તો અમેરિકા વધુ મજબૂત અને વ્યાપક કાર્યવાહી કરવા તૈયાર છે. બીજી તરફ ઈરાનની સંભવિત પ્રતિક્રિયા પર સમગ્ર વિશ્વની નજર છે. મધ્ય પૂર્વમાં વધી રહેલા આ તણાવથી વૈશ્વિક સુરક્ષા, ઊર્જા પુરવઠો આંતરરાષ્ટ્રીય રાજકારણ પર આવનારા દિવસોમાં મોટી અસર જોવા મળી શકે છે.

Most Popular

To Top