નવું શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ પણ વિદ્યાર્થીઓ પુસ્તક વગર
પુસ્તકો નહીં મળે તો વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પાછળ રહી જવાની દહેશત વ્યક્ત કરવામાં આવી
( પ્રતિનિધિ )વડોદરા,તા.8
રાજ્યમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું હોવા છતાં ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓ માટેના કુલ 10 પાઠ્યપુસ્તકો હજુ સુધી શાળાઓમાં પહોંચ્યા જ નથી. પુસ્તકો ન આવવાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે અને શિક્ષકો પણ અભ્યાસક્રમ કેવી રીતે પૂરો કરવો તેની મૂંઝવણમાં છે.
ધોરણ 2માં ગુજરાતી વિષયનું પુસ્તક , ધોરણ 3 પર્યાવરણ, ગણિત મેલાનું પુસ્તક, ધોરણ 6 ગણિત પ્રકાશ, કુતુહલ, સામાજિક વિજ્ઞાનના પુસ્તકો, ધોરણ 7 અંગ્રેજી વિષયનું પુસ્તક, ધોરણ 6 થી 8 ભાગવત ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ-2, ધોરણ 9 અને 11 કમ્પ્યૂટરના પુસ્તકો હજુ સુધી આવ્યા નથી. આ ઉપરાંત એનસીઈઆરટીના અંગ્રેજી માધ્યમના છ પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો બાકી હોવાથી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડી રહી છે. શાળા શરૂ થયાને અઠવાડિયા વીતી ગયા છતાં મુખ્ય વિષયોના પુસ્તકો જ ઉપલબ્ધ ન હોવાથી શિક્ષણ કાર્ય ખોરવાઈ ગયું છે. શિક્ષકો જૂના પુસ્તકો અથવા ફોટોકોપીના આધારે અભ્યાસ કરાવવા મજબૂર બન્યા છે. વાલીઓએ આક્ષેપ કર્યો કે દર વર્ષે પુસ્તક વિતરણમાં વિલંબ થાય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર આયોજન કરવામાં આવતું નથી. પાઠ્યપુસ્તક મંડળ દ્વારા બાકી રહેલા તમામ 10 પુસ્તકો વહેલી તકે શાળાઓમાં પહોંચાડવામાં આવે તેવી માંગ વાલી મંડળો અને શિક્ષક સંઘો દ્વારા કરવામાં આવી રહી છે. જો તાત્કાલિક પુસ્તકો નહીં મળે તો વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પાછળ રહી જવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.