સુરત શહેરમાં ગુનાખોરીની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેરના મગદલ્લા વિસ્તારમાં પત્નીની છેડતીને લઈને થયેલી અદાવત અંતે યુવકની હત્યા સુધી પહોંચી ગઈ છે. પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, મગદલ્લા હાઈવે નજીક સી.બી. પટેલ ગ્રાઉન્ડ પાસે આવેલી બાજુમાં ખુલ્લા નાળાની પાસે મંગળવારની સાંજે એક યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના માથાના ભાગે ભારે પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.તપાસ દરમિયાન મૃતકની ઓળખ રાહુલબિન્સે સમજીતસિંહ રાજપૂત (ઉ.વ. 27) તરીકે થઈ હતી,જે પાંડેસરા વિસ્તારમાં જયા રહેણાંક સોસાયટીમાં રહેતો હતો. મૃતક રાહુલબિન્સે રોજિંદા જીવનનિર્વાહ માટે રિક્ષા ચલાવતો હતો અને પરિવાર સાથે રહેતો હતો.
પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. રાહુલબિન્સેની પત્ની રિક્ષામાં મુસાફરી કરતી વખતે એક વ્યક્તિ દ્વારા છેડતીનો ભોગ બની હતી. આ વ્યક્તિની ઓળખ રાજકુમાર સતીસિંહ રાજપૂત તરીકે થઈ હતી. પત્નીએ આ બાબત પતિ રાહુલબિન્સેને જણાવતાં બંને વચ્ચે અદાવત શરૂ થઈ હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બે દિવસ પહેલાં પણ ઉધના હરિનગર વિસ્તારમાં મહિલાએ રાજકુમારને જોઈ તેના પતિને ફોન કરીને જાણ કરી હતી. ત્યારબાદ રાહુલબિન્સે ત્યાં પહોંચ્યો હતો અને રાજકુમાર સાથે બોલાચાલી તથા ઝપાઝપી થઈ હતી. તે સમયે સ્થાનિક લોકો વચ્ચે પડી જતાં મામલો શાંત થયો હતો, પરંતુ બંને વચ્ચેનો વિવાદ યથાવત રહ્યો હતો.
ઘટનાના દિવસે મૃતકની પત્ની મગદલ્લા હાઈવે નજીક સી.બી. પટેલ ગ્રાઉન્ડ પાસે ખુલ્લા નાળાની બાજુમાં મજૂરી કામ કરતી હતી. ત્યાંથી પસાર થતા રાજકુમારને જોઈ મહિલાએ ફરીથી તેના પતિને ફોન કરીને જાણ કરી હતી. ફોન મળતાં રાહુલબિન્સે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો.સ્થળ પર પહોંચ્યા બાદ રાહુલબિન્સે અને રાજકુમાર વચ્ચે ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી એટલી વધી ગઈ કે રાજકુમારે નજીકમાં પડેલો ભારે પથ્થર ઉઠાવી રાહુલબિન્સેના માથાના ભાગે જોરદાર ઘા માર્યા હતા. ગંભીર ઈજાઓને કારણે રાહુલબિન્સે જમીન પર ઢળી પડ્યો હતો અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.
હત્યાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ, સ્થાનિક માહિતીદાતાઓ અને પરિવારજનોના નિવેદનોના આધારે પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.જે બાદ પોલીસે મૃતકના ભાઈ અશોક સમજીતસિંહ રાજપૂત, ની ફરિયાદના આધારે આરોપી રાજકુમાર સતીસિંહ રાજપૂત સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પત્નીની છેડતીના મુદ્દે ચાલતી અદાવત અને અંગત રોષને કારણે આ હત્યા કરવામાં આવી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. સાથે જ હત્યામાં ઉપયોગમાં લેવાયેલ પથ્થર સહિતના પુરાવાઓ કબજે લઈને સમગ્ર ઘટનાક્રમની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
આ ઘટનાએ ફરી એકવાર સુરત શહેરમાં વધતી ગુનાખોરી અને જાહેર સ્થળોએ મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક લોકો દ્વારા વિસ્તારમાં વધુ પેટ્રોલિંગ અને કડક કાયદો-વ્યવસ્થાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે સમગ્ર મામલે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.