સુરતની જાણીતી લાઈફ લાઈન હોસ્પિટલમાં આર્થિક ગેરરીતિનો સનસનાટી ભર્યો મામલો સામે આવ્યો: મોરાભાગળ વિસ્તારમાં આવેલી જાણીતી લાઈફ લાઈન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં શેર ટ્રાન્સફર, નાણાકીય ગેરરીતિ અને વિશ્વાસઘાતના ગંભીર આરોપો સાથે છેતરપિંડીનો કેસ નોંધાતા તબીબી અને વ્યાવસાયિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. હોસ્પિટલના સિનિયર ડિરેક્ટર હિદેન શાહ, તેમની પત્ની પિનલ શાહ, બહેન શ્વેતા શાહ તેમજ રામચંદ્ર પટેલ સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં આરોપ છે કે હોસ્પિટલમાં રોકાણ કરનાર અને બાદમાં રાજીનામું આપનાર ડિરેક્ટરોના શેર ગેરરીતે પોતાના તથા પરિવારજનોના નામે ટ્રાન્સફર કરી કરોડો રૂપિયાના લાભ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ હોસ્પિટલ શરૂ કરવા માટે “અડાજણ હેલ્થ કેર પ્રા. લિ.” નામની કંપનીની રચના કરવામાં આવી હતી. કંપનીમાં વિવિધ ભાગીદારોએ અંદાજે 13 લાખથી 14 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું.વર્ષ 2021 દરમિયાન કંપનીના બે ડિરેક્ટર રામચંદ્ર પટેલ અને અરવિંદકુમાર પટેલે ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું હતું. ફરિયાદ અનુસાર, રાજીનામું આપ્યા બાદ તેમના શેરો અન્ય ડિરેક્ટરો વચ્ચે સમાન રીતે વહેંચવાના હતા. પરંતુ તે પહેલાં જ ગેરરીતે શેરોના ટ્રાન્સફરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
રાજીનામું આપનારા ડિરેક્ટરોના શેર પરિવારના ખાતામાં ટ્રાન્સફર
તપાસ દરમિયાન ખુલાસો થયો કે મુખ્ય આરોપી હિરેન શાહે કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ એવી રજૂઆત કરી હતી કે રાજીનામું આપનારા ડિરેક્ટરોના શેરો નિયમ મુજબ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.પરંતુ બાદમાં જાણવા મળ્યું કે આ શેરો, ડિરેક્ટરોને ફાળવવાના બદલે હિદેન શાહે પોતાના ડીમેટ એકાઉન્ટમાંથી મોટી સંખ્યામાં શેર પોતાની પત્ની પિનલ શાહ અને બહેન શ્વેતા શાહના ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા.
આશરે 1,66,550 અને 1,66,556 જેટલા શેરોની હેરફેર કરવામાં આવી હતી. આ શેરોમાંથી કેટલાક શેરો બાદમાં અન્ય સગા-સંબંધીઓના નામે પણ ટ્રાન્સફર કરાયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.ફરિયાદીઓનો આક્ષેપ છે કે આ સમગ્ર પ્રક્રિયા અન્ય ડિરેક્ટરોને જાણ કર્યા વગર કરવામાં આવી હતી, જેના કારણે તેમને આર્થિક નુકસાન થયું છે.
55 લાખ રૂપિયાના લાભની ગેરરીતિનો આરોપ
ફરિયાદ મુજબ હિરેન શાહ, તેમની પત્ની અને બહેન સહિત આરોપીઓએ શેર ટ્રાન્સફરની કાર્યવાહી દ્વારા આશરે 55 લાખ રૂપિયાનો લાભ મેળવ્યો હતો.આરોપ છે કે કંપનીના વાસ્તવિક હકદાર ડિરેક્ટરોને તેમના હિસ્સાનો લાભ મળવો જોઈએ હતો, પરંતુ ગેરરીતે શેરો પરિવારજનોના નામે ટ્રાન્સફર કરી નાણાકીય ફાયદો મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ડિરેક્ટરોને ચૂકવવાના રૂપિયા પણ અટકાવ્યા,ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે રાજીનામું આપનારા ડિરેક્ટરોને શેરના બદલામાં ચૂકવવાના નાણાં પણ યોગ્ય રીતે ચૂકવવામાં આવ્યા નહોતા.
તપાસમાં સામે આવ્યું કે હિરેન શાહ, ડૉ. નનેશ પટેલ, ડૉ. રાજીવ પંડ્યા અને ડૉ. અંકુર ચૌધરી વચ્ચે રાજીનામું આપનારા ડિરેક્ટરોના શેર સરખા ભાગે વહેંચવાનો નિર્ણય લેવાયો હતો.તે માટે ત્રણેય ડૉક્ટરોએ મળીને કુલ રૂ. 16.88 લાખની રકમ બેંક મારફતે રાજીનામું આપનારા ડિરેક્ટરોને ચૂકવી હતી. પ્રતિ ડિરેક્ટર અંદાજે રૂ. 5.64 લાખ ચૂકવવામાં આવ્યા હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.પરંતુ ત્યારબાદ શેરો વાસ્તવમાં ન મળતાં સમગ્ર મામલો વિવાદમાં પરિણમ્યો હતો.
હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર અને ફાર્મસીમાં પણ ગેરરીતિના આરોપ
ફરિયાદમાં માત્ર શેર ટ્રાન્સફરનો મુદ્દો જ નહીં પરંતુ હોસ્પિટલની કામગીરી દરમિયાન પણ અનેક ગેરરીતિઓ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આરોપ મુજબ હિદેન શાહે હોસ્પિટલના નિયમો વિરુદ્ધ જઈને સુચિત મંજૂરી વગર નેફ્રોકેર ડાયાલિસિસ સેન્ટર શરૂ કર્યું હતું. ઉપરાંત હોસ્પિટલની ફાર્મસીના સંચાલનમાં પણ અનિયમિતતા આચરવામાં આવી હોવાનું કહેવાય છે.વર્ષ 2018થી 2024 દરમિયાન ફાર્મસી અને ડાયાલિસિસ વિભાગમાંથી મોટી રકમની ગેરરીતિ થઈ હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
3.55 લાખ રૂપિયાની રોકડ ઉપાડી હોવાનો આરોપ
તપાસ દરમિયાન એવો પણ ખુલાસો થયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે કે હોસ્પિટલના બેંક ખાતામાંથી આશરે રૂ. 3,55,000 જેટલી રોકડ ઉપાડી લેવામાં આવી હતી.ફરિયાદીઓના મતે આ રકમની યોગ્ય હિસાબી નોંધ કરવામાં આવી નહોતી. ઉપરાંત હોસ્પિટલના ખાતામાંથી અન્ય કેટલાક શંકાસ્પદ પેમેન્ટ પણ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
આ તમામ વ્યવહારો અંગે સ્પષ્ટતા ન મળતા ફરિયાદીઓએ છેતરપિંડી, વિશ્વાસઘાત અને નાણાકીય ગેરરીતિના ગંભીર આરોપો લગાવ્યા છે.
આર્થિક ગુના નિવારણ શાખાએ નોંધ્યો ગુનો
સમગ્ર મામલે આર્થિક ગુના નિવારણ શાખા (EOW)માં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસે હિદેન શાહ, રામચંદ્ર પટેલ, પિનલ શાહ અને શ્વેતા શાહ સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ વિશ્વાસઘાત, છેતરપિંડી અને કાવતરાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.તપાસ અધિકારીઓ શેર ટ્રાન્સફરના દસ્તાવેજો, ડીમેટ એકાઉન્ટની વિગતો, બેંક ટ્રાન્ઝેક્શન, કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજો , હોસ્પિટલના નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.
તપાસ પર સૌની નજર
સુરતની પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલોમાં ગણાતી લાઈફ લાઈન હોસ્પિટલ સામે આ પ્રકારના ગંભીર આરોપો સામે આવતા સમગ્ર તબીબી ક્ષેત્રમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. હવે પોલીસ તપાસમાં શેર ટ્રાન્સફર, નાણાકીય વ્યવહારો ,હોસ્પિટલના સંચાલન સંબંધિત દસ્તાવેજોમાંથી શું બહાર આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.આ કેસમાં તપાસ આગળ વધતા વધુ ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.