ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને દુરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ 2009માં ગાંધીનગરમાં સ્થાપિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) આજે વિશ્વસ્તરે ફોરેન્સિક શિક્ષણ, સંશોધન અને તાલીમ ક્ષેત્રે ભારતની ઓળખ બની છે. માત્ર 14 વર્ષના ટૂંકા ગાળામાં જ સંસ્થાએ ઓક્ટોબર-2020માં “ઇન્સ્ટિટ્યુશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ (INI)”નો પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત કરીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.સ્થાપક કુલપતિ અને ભારતના વરિષ્ઠ ફોરેન્સિક વૈજ્ઞાનિક પદ્મશ્રી ડૉ. જે. એમ. વ્યાસના માર્ગદર્શન હેઠળ NFSUએ શિક્ષણ, સંશોધન, તાલીમ અને તપાસ ક્ષેત્રે અનોખું મોડેલ વિકસાવ્યું છે. આજે યુનિવર્સિટી દેશ-વિદેશમાં કુલ 13 કેમ્પસ સાથે પોતાની વૈશ્વિક ઉપસ્થિતિ મજબૂત બનાવી રહી છે.
96 દેશોના પ્રતિનિધિઓએ મેળવી તાલીમ
NFSU ગુજરાત અને ભારતની એવી અનોખી સરકારી યુનિવર્સિટી બની છે, જેણે યુગાન્ડાના જિન્જા ખાતે પોતાનું આંતરરાષ્ટ્રીય કેમ્પસ સ્થાપ્યું છે. અત્યાર સુધીમાં વિશ્વના 96 દેશોના પ્રતિનિધિઓએ અહીંથી ફોરેન્સિક સાયન્સ અને સુરક્ષા સંબંધિત વિવિધ ક્ષેત્રોની ઉચ્ચ કક્ષાની તાલીમ મેળવી છે. યુનિવર્સિટીની શૈક્ષણિક શ્રેષ્ઠતા અને ગ્રીન કેમ્પસ મોડલથી પ્રભાવિત થઈ અનેક દેશોએ પોતાના દેશમાં NFSUના કેમ્પસ શરૂ કરવા માટે રસ દર્શાવ્યો છે.
17 રાજ્યોમાં 300થી વધુ મોબાઈલ ફોરેન્સિક વાન કાર્યરત
ગુનાખોરીની વૈજ્ઞાનિક તપાસને વધુ ઝડપી અને અસરકારક બનાવવા માટે NFSUએ ભારતમાં જ નિર્મિત અત્યાધુનિક મોબાઈલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન વિકસાવી છે. આ વાન 24 કલાક વિશેષજ્ઞોની ટીમ અને આધુનિક ફોરેન્સિક સાધનો સાથે કાર્યરત રહે છે. હાલમાં દેશના 17થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવી 300થી વધુ મોબાઈલ વાન સેવારત છે, જે ગુનાઓની તપાસ અને ન્યાયિક પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી રહી છે.
‘મેક ઇન ઇન્ડિયા’ને મળી નવી દિશા
NFSUએ ફોરેન્સિક ઇનોવેશન કાઉન્સિલ અને ફોરેન્સિક ઇનોવેશન સેન્ટરની સ્થાપના કરીને સંશોધન અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપ્યું છે. અહીં વિકસાવવામાં આવેલી 20થી વધુ ફોરેન્સિક પ્રોડક્ટ્સ આજે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇઝરાયેલ, સિંગાપોર અને યુરોપ સહિતના દેશોમાં નિકાસ થઈ રહી છે. યુનિવર્સિટીએ ભારત ઉપરાંત અમેરિકામાં પણ અનેક પેટન્ટ મંજૂરી મેળવીને મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે.
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં DNA ઓળખનું ભગીરથ કાર્ય
રાષ્ટ્રીય આપત્તિઓ અને જટિલ તપાસોમાં પણ NFSUએ પોતાની ક્ષમતા સાબિત કરી છે. 12 જૂન, 2025ના રોજ અમદાવાદ નજીક થયેલી એર ઇન્ડિયા ફ્લાઇટ-171 વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 265 લોકોની ઓળખ માટે યુનિવર્સિટીની ટીમે ઝડપી ગતિએ DNA પ્રોફાઇલિંગનું મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કર્યું હતું.
સ્પોર્ટ્સ સાયન્સ ક્ષેત્રે પણ આગવી ઓળખ
રમતગમત ક્ષેત્રે ખેલાડીઓના પોષણ પરીક્ષણ અને પ્રતિબંધિત પદાર્થોની ઓળખ માટે NFSU દ્વારા “સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ન્યૂટ્રિશનલ ટેસ્ટિંગ ફોર સ્પોર્ટ્સપર્સન” (CoE-NSTS)ની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રકારનું વૈજ્ઞાનિક કેન્દ્ર દેશમાં અનોખું માનવામાં આવે છે.
ભવિષ્યની ટેક્નોલોજી પર વિશેષ ફોકસ
ડીએનએ ફોરેન્સિક્સ, ડ્રોન ફોરેન્સિક્સ, ડિજિટલ ફોરેન્સિક્સ અને સાયબર સુરક્ષા જેવા અત્યાધુનિક ક્ષેત્રોમાં NFSU સતત સંશોધન કરી રહી છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ “આત્મનિર્ભર ભારત”, “મેક ઇન ઇન્ડિયા” અને “ડિજિટલ ઇન્ડિયા”ના સંકલ્પને સાકાર કરવા માટે નવીન ટેક્નોલોજી અને સંશોધન દ્વારા યોગદાન આપી રહ્યા છે.
વિશ્વપ્રસિદ્ધ કથાકાર અને આધ્યાત્મિક માર્ગદર્શક પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝાએ NFSUની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, જ્યારે ગુનેગારો સમસ્યા ઊભી કરે છે ત્યારે NFSU જેવી સંસ્થાઓ તેના ઉકેલ માટે કાર્ય કરે છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોરેન્સિક ક્ષેત્રે ભારતને વૈશ્વિક નેતૃત્વ અપાવવાનું જે સ્વપ્ન જોયું હતું, તેને NFSUએ સાકાર કર્યું છે.
સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝની MBA વિદ્યાર્થીની ડૉ. નિશા વાળાએ જણાવ્યું હતું કે NFSUમાં વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અનુભવી પ્રોફેસરો અને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
જ્યારે સ્કૂલ ઓફ સાયબર સિક્યોરિટી એન્ડ ડિજિટલ ફોરેન્સિક્સના એમ.ટેક. વિદ્યાર્થી શ્રી નાઈ વેદે જણાવ્યું હતું કે યુનિવર્સિટીનું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંશોધન સુવિધાઓ વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરની કારકિર્દી માટે તૈયાર કરે છે. ફોરેન્સિક શિક્ષણ, સંશોધન, ટેક્નોલોજી અને વૈશ્વિક તાલીમ ક્ષેત્રે સતત નવા માપદંડ સ્થાપિત કરતી NFSU આજે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવનું પ્રતીક બની છે.