Vadodara

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ફરી રકતરંજિત, કરજણ નજીક હિટ એન્ડ રનમાં વાપીના પરિવારના 2 સભ્યોના મોત, 4 થી વધુ લોકો ઇજાગ્રસ્ત

ખાટું શ્યામના દર્શને જતાં નડ્યો અકસ્માત, હાઇવે પર ઊભેલી કારને અજાણ્યા વાહને ઉડાવી, એક દિવસ પહેલા જ સમિયાલા નજીક અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા

(પ્રતિનિધિ), વડોદરા. તા.8

વડોદરા :- સ્પીડના શોખીનો માટે બનેલો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે હવે વાહનચાલકો માટે જાણે ‘ડેથ ઝોન’ બની રહ્યો છે. કરજણ નજીકથી પસાર થતા એક્સપ્રેસવે પર વધુ એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે, જેમાં વાપીના એક હસતા-રમતા પરિવારના બે સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વાપીનો આ પરિવાર રાજસ્થાન સ્થિત ખાટું શ્યામના દર્શન કરવા માટે ભક્તિભાવ સાથે નીકળ્યો હતો, પરંતુ કરજણ પાસે કાળ તેમનો પીછો કરી રહ્યો હતો. પરિવારના જણાવ્યા અનુસાર, તેઓએ પોતાની ગાડી હાઈવેની સાઈડમાં પાર્ક કરી હતી, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા એક અજાણ્યા વાહનચાલકે તેમની કારને જોરદાર ટક્કર મારી દીધી હતી અને અકસ્માત સર્જીને વાહન સહિત ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આ ભયાનક અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો કુરચો બોલી ગયો હતો. ગાડીમાં કુલ 9 લોકો સવાર હતા, જેમાંથી બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માત થતાં જ હાઇવે પર મરણચીસો ગુંજી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને 108 ઇમરજન્સીની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બચાવ કામગીરી શરૂ કરીને તમામ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ તેમજ પાદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર સુરક્ષા વ્યવસ્થા અને સ્પીડ લિમિટને લઈને હવે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ ઘટનાના બરાબર એક દિવસ અગાઉ જ આ હાઈવે પર સમિયાલા નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે માત્ર 24 કલાકની અંદર જ આ બીજા મોટા અકસ્માતે હાઈવે ઓથોરિટી અને પેટ્રોલિંગ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. હાઈવે પર સ્પીડ ગન, સીસીટીવી અને પાર્કિંગ એરિયાના નિયમોનું કડક પાલન થાય તે જરૂરી બન્યું છે. કરજણ પોલીસે હાલ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top