એક વર્ષથી પાસબુક પ્રિન્ટિંગ મશીન બંધ હોવાનો આક્ષેપ, ગ્રાહકો પરેશાન
‘દેલોલ, કાલોલ કે ગોધરા જાઓ’ના જવાબથી ખાતાધારકોમાં અસંતોષ, કાર્યવાહી કરવાની માંગ
કાલોલ, તા. 6: કાલોલ તાલુકાના વેજલપુર ગામે મહેલોલ રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં પાસબુક એન્ટ્રીની સુવિધા લાંબા સમયથી ખોરવાઈ જતાં ખાતાધારકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રાહકોના આક્ષેપ મુજબ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી પાસબુક અપડેટ કરવાની વ્યવસ્થા યોગ્ય રીતે કાર્યરત નથી, જેના કારણે તેમને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે.
ખાતાધારકોના જણાવ્યા અનુસાર બેંકમાં સ્થાપિત ડિજિટલ પાસબુક એન્ટ્રી મશીન મોટાભાગે બંધ રહે છે. એન્ટ્રી અંગે પૂછપરછ કરતાં કર્મચારીઓ દ્વારા “મશીન ખરાબ છે” અથવા “દેલોલ, કાલોલ કે ગોધરા શાખામાં જઈને એન્ટ્રી કરાવો” જેવા જવાબ આપવામાં આવે છે. પરિણામે ગ્રાહકોને પોતાના ખાતાની લેવડદેવડની માહિતી મેળવવા માટે વધારાનો સમય અને ખર્ચ કરવો પડી રહ્યો છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે બેંક સંચાલન દ્વારા મશીનના સમારકામ કે સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવતાં નથી. ડિજિટલ બેંકિંગના દાવાઓ વચ્ચે ગ્રાહકોને મૂળભૂત સુવિધા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાતાધારકોએ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી જવાબદાર કર્મચારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરીને સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા