ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુલ્લાંપુર ખાતે રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટને એક નવો ચહેરો મળ્યો છે. રાજસ્થાનના યુવા ઓલરાઉન્ડર અને ડાબોડી સ્પિનર માનવ સુથાર એ ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કરીને પોતાના ક્રિકેટિંગ કારકિર્દીનું સૌથી મોટું સપનું સાકાર કર્યું છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ, પસંદગીકારોએ તેમને ભવિષ્યના મહત્વના સ્પિન ઓલરાઉન્ડર તરીકે તક આપી છે.
કોણ છે માનવ સુથાર?
માનવ સુથાર રાજસ્થાનના પ્રતિભાશાળી ક્રિકેટર છે, જેઓ ડાબોડી સ્પિન બોલિંગ સાથે ઉપયોગી બેટિંગ પણ કરી શકે છે. ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શનના આધારે તેમણે પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ રાજસ્થાન માટે રણજી ટ્રોફી અને અન્ય ઘરેલુ ટૂર્નામેન્ટોમાં મહત્વપૂર્ણ ખેલાડી તરીકે ઉભરી આવ્યા છે.તેમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ લાંબા સ્પેલમાં ચોકસાઈપૂર્વક બોલિંગ કરી શકે છે અને જરૂરી સમયે બેટિંગમાં પણ યોગદાન આપી શકે છે. આ ગુણોને કારણે તેમને ભવિષ્યમાં ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ના સંભવિત વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા છે.
અફઘાનિસ્તાન સામે મળ્યું ટેસ્ટ ડેબ્યૂ
શનિવારે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચ પહેલા માનવ સુથારને ભારતીય ટેસ્ટ કેપ આપવામાં આવી હતી. આ ક્ષણ તેમના માટે ખૂબ જ ભાવનાત્મક અને ઐતિહાસિક રહી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને આ મેચ દ્વારા માનવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સત્તાવાર પ્રવેશ કર્યો.
જાડેજાના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવી રહ્યા છે
ભારતીય ટીમ મેનેજમેન્ટ છેલ્લા કેટલાક સમયથી એવા ખેલાડીની શોધમાં હતી જે ભવિષ્યમાં રવિન્દ્ર જાડેજાની ભૂમિકા નિભાવી શકે. માનવ સુથારનું નામ આ યાદીમાં સૌથી આગળ આવ્યું છે. તેમની ડાબોડી સ્પિન, નિયંત્રણ અને ઓલરાઉન્ડ ક્ષમતાને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ તેમને લાંબા ગાળાના રોકાણ તરીકે જોવાનું શરૂ કર્યું છે.
ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટનો વિશ્વાસ
ભારતીય મુખ્ય કોચ ગૌતમ ગંભીર એ પણ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ યુવા સ્પિનરોને અજમાવવા માટે આદર્શ તક છે. ટીમ મેનેજમેન્ટ લાંબા ગાળાના “ચોથા સ્પિનર” વિકલ્પની શોધમાં છે અને માનવ સુથાર તે દાવેદારોમાં સૌથી મજબૂત નામોમાં સામેલ છે.
કુલદીપ યાદવ બન્યા માર્ગદર્શક
ભારતીય સ્પિનર કુલદીપ યાદવ એ પણ માનવ સુથાર અને અન્ય નવોદિત ખેલાડીઓ માટે માર્ગદર્શકની ભૂમિકા નિભાવવાની વાત કરી હતી. કુલદીપે કહ્યું હતું કે નવા ખેલાડીઓને ટીમના વાતાવરણમાં આરામદાયક અનુભવ કરાવવો જરૂરી છે અને તેઓ હંમેશા તેમની મદદ માટે તૈયાર છે.
ઘરેલુ ક્રિકેટમાંથી આંતરરાષ્ટ્રીય મંચ સુધીની સફર
માનવ સુથારની સફર સંઘર્ષ, મહેનત અને સતત પ્રદર્શનની કહાની છે. રાજસ્થાન માટે સતત સારું પ્રદર્શન કર્યા બાદ તેમને પ્રથમ ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું અને હવે ટેસ્ટ ડેબ્યૂ પણ કરવાનો મોકો મળ્યો છે. ઘરેલુ ક્રિકેટમાં તેમની શિસ્તબદ્ધ બોલિંગ અને ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાનના કારણે તેઓ પસંદગીકારોના વિશ્વાસુ ખેલાડી બન્યા છે.
ભારતીય ક્રિકેટનું ભવિષ્ય?
અફઘાનિસ્તાન સામેનું ટેસ્ટ ડેબ્યૂ માત્ર શરૂઆત છે. જો માનવ સુથાર આ તકનો યોગ્ય લાભ ઉઠાવવામાં સફળ રહેશે તો તેઓ આગામી વર્ષોમાં ભારતીય ટેસ્ટ ટીમના મુખ્ય સ્પિન ઓલરાઉન્ડર તરીકે ઉભરી શકે છે. ખાસ કરીને રવિન્દ્ર જાડેજા પછીના યુગમાં ભારતને વિશ્વસનીય ડાબોડી સ્પિન વિકલ્પની જરૂર છે અને માનવ સુથાર તે ખાલી જગ્યા ભરવા માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે.