આજવા રોડ પર મહિલાએ ઝેરી દવા ગટગટાવી, જ્યારે વાઘોડિયા રોડ પર યુવકે ફિનાઈલ પીધું, બાપોદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
(પ્રતિનિધિ), વડોદરા. તા.29
વડોદરા :- શહેરમાં આપઘાતના પ્રયાસના બે ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. જેમાં આજવા રોડ પર એક પ્રૌઢ મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી પદાર્થ પી લીધો હતો, જ્યારે અન્ય એક બનાવમાં વાઘોડિયા રોડ પર એક યુવકે ફિનાઈલના ઘૂંટડા પી લેતા બંનેને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બંને મામલે બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ શરૂ કરી છે.
આજવા રોડ પર આવેલી આંબેડકર નગર વસાહતમાં રહેતા 45 વર્ષીય લતાબેન ભાભોર ગત રાત્રે આશરે 11:30 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હાજર હતા. આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર તેમણે ઘરમાં રાખેલો કોઈ અજાણ્યો ઝેરી પદાર્થ પી લીધો હતો. ઝેરની અસર થતાં જ તેમને અચાનક ઉલટીઓ થવા લાગી હતી, જેથી પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. લતાબેનને તાત્કાલિક અર્ધબેભાન અવસ્થામાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તાકીદે તેમની સારવાર શરૂ કરી દીધી હતી. હાલમાં તેમની સ્થિતિ સુધારા પર હોવાનું તબીબી સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઘટના અંગે બાપોદ પોલીસને જાણ કરાતા પોલીસે હોસ્પિટલ પહોંચી મહિલાના નિવેદનની તજવીજ હાથ ધરી છે.
આપઘાતના પ્રયાસના બીજા એક બનાવમાં, ન્યૂ વી.આઈ.પી. રોડ પર આવેલા રાજીવ નગર-1 માં રહેતો 27 વર્ષનો યુવક હિમાંશુ ઘનશ્યામભાઈ જાલીહરે ગત રાત્રે 9:00 વાગ્યાની આસપાસ વાઘોડિયા રોડ પર પહોંચ્યો હતો. ત્યાં આવેલા ભવન્સ પાર્ટી પ્લોટની બિલકુલ સામે આવેલી ‘નીલકંઠ લેબ’માં જઈને યુવકે અચાનક જ ફિનાઈલના ઘૂંટડા પી લીધા હતા. યુવકે જાહેરમાં આ પગલું ભરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો. યુવકે આ આત્યંતિક પગલું કયા કારણોસર ભર્યું તે હજી જાણી શકાયું નથી. બાપોદ પોલીસે આ મામલે પણ ગુનો નોંધીને કારણ જાણવા માટે પૂછપરછના ચક્રો ગતિમાન કર્યા છે.