નવસારી મનપા /શહેરને તાજેતરમાં તેનાં પ્રથમ મેયર/બીજા કમિશ્નર મળ્યાં છે . નવસારી મનપા બન્યા પછી રોડ રસ્તા, ગટરલાઇન , શેરી લાઈટ વિ. ના કામોમાં ઝડપ આવી છે, જે આવકારદાયક છે. સરકાર નવસારીને સુરતના જોડિયા શહેર તરીકે વિકસાવવાની નેમ ધરાવે છે. જો ખરેખર એમ હોય તો નવસારી માટે જળઆયોજન પણ સુરતના ધોરણે થાય એ આવશ્યક છે. હાલમાં નવસારી જળ પૂરવઠા માટે મુખ્યત્વે નહેરના પાણી અને સંચય માટે દુધિયા તળાવ પર આધાર રાખે છે, જે ઘણી વાર તળ શહેરનાં રહેવાસીઓ માટે પણ અપૂરતું થઈ પડે છે.
નવસારી મનપા બન્યા પછી બહારના (ઉદા . તરીકે છાપરા રોડ) પર પાણી માટેની પાઈપલાઈનો નાખવામાં આવી છે પરંતુ તેમાં ‘નલ સે જલ’ આવવાનું હજી એકાદ વર્ષ પછી પણ બાકી છે. નવસારી મનપામાં નવા સમાવિષ્ટ મોટા ભાગનાં ગામો (છાપરા, હાંસાપોર, એરુ, ઇટાળવા વિ.) તળાવો ધરાવે છે જેમને ઊંડા અને વિસ્તૃત કરી તેમનો જળ સંચય માટે ઉપયોગ કરી શકાય અને તેમની નજીકમાં પાણીની ટાંકીઓ ઊભી કરી કે પાઈપલાઈન નાંખી સ્થાનિક ધોરણે રહેવાસીઓને પાણી પૂરું પાડી શકાય. ટૂંકમાં ઝડપથી વિકસતા અને વિકાસની ભરપૂર ગુંજાઈશ ધરાવતા નવસારી શહેરમાં જળ આયોજનને સર્વોચ્ચ અગ્રતા આપવી અત્યંત આવશ્યક છે. આશા છે, આ સંદેશ લાગતાવળગતા સત્તાધિશો ધ્વારા સકારાત્મક રીતે ઝીલાશે.
– કમલેશ આર મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.