₹4.87 લાખના કામમાં ગેરરીતિના ગંભીર આક્ષેપ, મસ્ટરરોલથી લઈને MB બુક સુધી સવાલો
“મજૂરો વગર મજૂરીની ચુકવણી?” : ડેપ્યુટી સરપંચના પુત્ર સહિત સ્થાનિક તંત્રની ભૂમિકા શંકાના ઘેરામાં
દાહોદ તા. 27
દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના લીલવા ઠાકોર ગામે મનરેગા (NREGA) યોજના હેઠળ મંજૂર કરાયેલા કૂવાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થયાના ગંભીર આક્ષેપો સામે આવતા મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. વર્ષ 2021માં વર્ક કોડ નં. 36798, સર્વે નં. 12/2 અને ખાતા નં. 251 હેઠળ અંદાજે ₹4,87,799ના ખર્ચે કૂવો મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ અરજદાર કામોળ દલસીંગભાઈ હરસિંગભાઈએ આરોપ મૂક્યો છે કે કૂવો માત્ર કાગળ પર પૂર્ણ બતાવી નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે જ્યારે હકીકતમાં કામ અધૂરું છે.

અરજદારના જણાવ્યા મુજબ ગામના ડેપ્યુટી સરપંચના પુત્ર તથા બેંક ઓફ બરોડાના BC તરીકે કાર્યરત ખાગુડા કિરીટભાઈ મોહનભાઈએ NREGAના સ્થાનિક વહીવટીતંત્ર, GRS અને ટેકનિકલ આસિસ્ટન્ટ સાથે મળી ખોટા મસ્ટરરોલ તૈયાર કરી નાણાકીય ગેરરીતિ આચરી છે. આક્ષેપો મુજબ કૂવો મજૂરો દ્વારા નહીં પરંતુ JCB અને ઇટાસી મશીનથી ખોદવામાં આવ્યો હતો, છતાં મજૂરોના નામે ખોટી હાજરી દર્શાવી ચુકવણીઓ કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત ટેકનિકલ આસિસ્ટન્ટ દ્વારા ખોટી MB (મેઝરમેન્ટ બુક) તૈયાર કરી નાણાં ઉપાડવામાં સહયોગ આપ્યાના પણ આક્ષેપો થયા છે. અરજદારનો દાવો છે કે છેલ્લા પાંચ વર્ષથી “કામ પૂરું કરી આપીશું” જેવા આશ્વાસનો આપવામાં આવ્યા છતાં આજે પણ કૂવો અધૂરો જ છે.

હવે સમગ્ર મામલે અનેક સવાલો ઊભા થયા છે —
મજૂરોના નામે થયેલી ચુકવણીનો લાભ કોણે લીધો? જો મશીનથી કામ થયું હોય તો મસ્ટરરોલમાં હાજરી કોણે ભરી? ટેકનિકલ આસિસ્ટન્ટની MB બુક વાસ્તવિક છે કે ગોટાળાનો ભાગ? તેમજ બેંક BC તરીકે જોડાયેલા વ્યક્તિની ભૂમિકા કેટલી નિષ્પક્ષ હતી?
સ્થાનિક સ્તરે ચર્ચા એ પણ ચાલી રહી છે કે શું આ માત્ર એક જ કિસ્સો છે કે પછી ઝાલોદ તાલુકામાં મનરેગા યોજના હેઠળ મોટું કૌભાંડ છુપાયેલું છે? ગરીબોને રોજગારી આપવા માટેની મનરેગા જેવી મહત્વપૂર્ણ યોજનામાં આ પ્રકારના આક્ષેપો સામે આવતા સમગ્ર વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે.
હવે લોકોની નજર વહીવટી તંત્ર પર છે કે શું આ મામલે નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરાશે કે પછી વગદાર લોકોને બચાવી મામલો દબાવી દેવામાં આવશે. પારદર્શક તપાસ થશે તો જ સત્ય બહાર આવશે તેવી માંગ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે.
રિપોર્ટર: વિનોદ પંચાલ