Vadodara

ગુજરાતમાં ઇબોલાનો પગપેસારો ? વડોદરાનો શંકાસ્પદ દર્દી અમદાવાદ સિવિલમાં દાખલ, એરપોર્ટ પર હાઇ-એલર્ટ

આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરો માટે કડક સ્ક્રીનિંગ અને હોમ ક્વોરન્ટીન ફરજિયાત, અમદાવાદ SVP હોસ્પિટલમાં 60 બેડનો સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ તૈયાર

વડોદરાની સયાજી હોસ્પિટલમાં 22 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર

(પ્રતિનિધિ), વડોદરા. તા.27

વિશ્વના કેટલાક દેશોમાં હાહાકાર મચાવી રહેલા જીવલેણ ઇબોલા વાયરસ નું જોખમ હવે ગુજરાતના આંગણે આવી પહોંચ્યું છે. રાજ્યમાં ઇબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. વડોદરાના એક નાગરિકમાં ઇબોલાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને તાત્કાલિક અસરથી અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે જ આફ્રિકન દેશોમાંથી ગુજરાત આવતા તમામ પ્રવાસીઓ માટે તકેદારીના ભાગરૂપે કડક ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.

છેલ્લા ત્રણ દિવસમાં આફ્રિકન દેશ યુગાન્ડાથી અમદાવાદ આવેલા 11 જેટલા પ્રવાસીઓને તકેદારીના ભાગરૂપે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ તમામ મુસાફરો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહે છે, જેમાં થલતેજ વિસ્તારના 10 અને જોધપુર વિસ્તારના 1 નાગરિકનો સમાવેશ થાય છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલમાં હોમ આઇસોલેશનમાં રખાયેલા આ 11 નાગરિકોમાંથી કોઈનામાં પણ ઇબોલાના લક્ષણો જોવા મળ્યા નથી, તેમજ તેઓ કોઇ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી.

રાજ્ય સરકાર અને AMCના આરોગ્ય વિભાગ, સિવિલ હોસ્પિટલ તથા એરપોર્ટ ઓથોરિટી વચ્ચે સતત સંકલન ચાલી રહ્યું છે. AMCના આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ તમામ પગલાં લેવાઈ રહ્યા છે. જો કોઈ મુસાફર પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યો હશે તો તેને ફરજિયાત ક્વોરન્ટીન કરાશે. લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવા માટે SVP હોસ્પિટલમાં અલગથી 60 બેડનો ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે.

ઇબોલા વાયરસને કારણે વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્ય કટોકટી ઊભી થતાં સિવિલ એવિએશન ડિરેક્ટોરેટ જનરલ અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન દ્વારા પ્રવેશ બિંદુઓ (પોર્ટ ઓફ એન્ટ્રી) પર કડક નિયમો લાગુ કરાયા છે. જેમાં વિદેશથી આવતા તમામ રૂટના મુસાફરો માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવું ફરજિયાત રહેશે. એરપોર્ટ પર ભીડભાડ ટાળવા માટે ફ્લાઇટના આગમન પહેલાં જ હેલ્થ ફોર્મ અને પ્રક્રિયા અંગે એનાઉન્સમેન્ટ કરવામાં આવશે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટના અરાઇવલ એરિયામાં ચોવીસેય કલાક ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સ તૈનાત રહેશે. આગામી સમયમાં પ્રક્રિયાને વધુ ડિજિટલ અને સરળ બનાવવા માટે ‘એર સુવિધા’ પોર્ટલ ફરી કાર્યરત કરવામાં આવી શકે છે.

કોંગોમાં ઇબોલાથી 80નાં મોત, નવો સ્ટ્રેન ચિંતાનો વિષય. વિશ્વ આરોગ્ય સંસ્થા એ આ સ્થિતિને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે, જોકે તેને હજુ મહામારી ઘોષિત કરાઈ નથી. નિષ્ણાતોની ચિંતા એ વાતને લઈને છે કે આ વખતે કોંગોમાં ‘બુંડીબુગ્યો સ્ટ્રેન’ જોવા મળ્યો છે. અગાઉના મોટાભાગના કેસ ‘ઝાયર સ્ટ્રેન’ના હતા. ઇબોલાની હાલની ઉપલબ્ધ રસીઓ અને સારવાર ઝાયર સ્ટ્રેન આધારિત હોવાથી આ નવો સ્ટ્રેન તબીબી જગત માટે મોટો પડકાર બની શકે છે.

ઇબોલા વાયરસ ડિસીઝ સૌપ્રથમ વર્ષ 1976માં આફ્રિકાની ઇબોલા નદી નજીકના વિસ્તારમાંથી મળી આવ્યો હતો, જેથી તેનું નામ ‘ઇબોલા’ રાખવામાં આવ્યું છે. આ રોગ હવા દ્વારા ફેલાતો નથી, પરંતુ સંક્રમિત વ્યક્તિના લોહી, ઉલટી, પરસેવો અથવા શરીરના અન્ય પ્રવાહી પદાર્થોના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે. અચાનક તીવ્ર તાવ આવવો, અશક્તિ, સ્નાયુઓનો દુખાવો, માથું દુખવું, ગળામાં સોજો આવવો અને ગંભીર સ્થિતિમાં શરીરના આંતરિક કે બાહ્ય અંગોમાંથી રક્તસ્ત્રાવ થવો એ વાયરસનાં મુખ્ય લક્ષણો છે.

રાજ્યના આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે હાલમાં ગભરાવાની કોઈ જરૂર નથી, તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને માત્ર સાવચેતીના ભાગરૂપે જ આ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

ઇબોલા સામે વડોદરાની તૈયારી.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઇબોલા વાયરસ ને લઈને તંત્ર સંપૂર્ણ પણે સજ્જ છે. હોસ્પિટલના RMO ડૉ હિતેન્દ્ર ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સયાજી હોસ્પિટલમાં તમામ પ્રકારના વાયરસ માટે એક આઇસોલેશન વોર્ડ પહેલેથી જ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં 22 બેડ ઉપલબ્ધ છે અને વોર્ડમાં સંપૂર્ણપણે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. જેથી કોઈએ ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.

Most Popular

To Top