Gujarat

રાજ્યના 3 શહેરમાં તાપમાન 43 ડિગ્રી

અમદાવાદ : રાજ્યમાં ઉનાળાનો તાપ હજુ પણ યથાવત્‌ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડ્યો હતો.

અમદાવાદ અને આસપાસના વિસ્તારો માટે 27 મેની સવારે 8:30 વાગ્યા સુધી મુખ્યત્વે આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે અને મહત્તમ તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ તથા દીવ-દમણ વિસ્તારમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું હતું, જ્યારે કચ્છના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછું તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જોકે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન યથાવત્‌ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો માટે આવતીકાલ તા.27 અને 28 મે દરમિયાન ગરમ અને ભેજવાળા વાતાવરણને કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન લોકોને અસહજ ગરમીનો અનુભવ થઈ શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ઉત્તર સીમા હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના કેટલાક વિસ્તારો સુધી પહોંચી છે અને આગામી 2થી 3 દિવસમાં ચોમાસું વધુ આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે. સાથે જ પાકિસ્તાન તરફથી ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધીનો ટ્રફ યથાવત્‌ છે અને 28 મેથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરશે.આ ઉપરાંત હવામાન વિભાગે 31 મેથી 2 જૂન દરમિયાન ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ અને ગાજવીજની શક્યતા વ્યક્ત કરી છે. સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા અને છોટાઉદેપુર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

શહેરતાપમાન
રાજકોટ43°C
ગાંધીનગર43°C
અમદાવાદ43°C
ભાવનગર42°C
સુરેન્દ્રનગર42°C
વિદ્યાનગર41°C
ડીસા41°C
અમરેલી41°C
વડોદરા40°C
કંડલા એરપોર્ટ40°C
કંડલા પોર્ટ37°C
કેશોદ37°C
પોરબંદર36°C
મહુવા36°C
સુરત36°C

Most Popular

To Top