Vadodara

બાજવામાં ધોળા દિવસે ગેસ બોટલ ચોરી : બાઈક સવાર બે ગઠિયા સીસીટીવીમાં કેદ

સી.એન. ઉપાધ્યાય ગેસ એજન્સી બહાર ટેમ્પામાંથી બોટલ ઉઠાવી પળવારમાં ફરાર
પોલીસ દ્વારા સીસીટીવીના આધારે ગઠિયાઓને ઝડપી પાડવા તપાસ તેજ

વડોદરા: વડોદરાના બાજવા વિસ્તારમાં આવેલી સી.એન. ઉપાધ્યાય ગેસ એજન્સી બહાર ધોળા દિવસે ચોરીની ચકચારભરી ઘટના સામે આવી છે. ગેસની બોટલ ભરેલા ટેમ્પામાંથી બે ગઠિયાઓએ ચાલાકીપૂર્વક ગેસ બોટલની ચોરી કરી બાઈક પર મૂકી ફરાર થઈ જતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, ગેસ એજન્સી બહાર ડિલિવરી માટે ગેસ બોટલ ભરેલો ટેમ્પો ઉભો હતો. તે દરમિયાન બાઈક પર આવેલા બે શખ્સોએ તકનો લાભ લઈ ટેમ્પામાંથી ગેસ બોટલ ઉઠાવી બાઈક પર મૂકી પળવારમાં ફરાર થઈ ગયા હતા. સમગ્ર બનાવ એટલી ઝડપથી બન્યો હતો કે આસપાસના લોકોને જાણ થાય તે પહેલાં જ ગઠિયાઓ આંખ ઓઝલ થઈ ગયા હતા.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

ધોળા દિવસે બનેલી આ ચોરીની ઘટનાએ સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં ચિંતા ફેલાવી છે. વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની માંગ પણ ઉઠી રહી છે.

Most Popular

To Top