Gujarat

સુરત એરપોર્ટ પર મોટી સુરક્ષા ચિંતા: લેન્ડિંગ દરમિયાન ઇન્ડિગો પાઇલટ પર ગ્રીન લેસર બીમનો હુમલો, ATC- CISF અને પોલીસ દોડતી થઈ

દિલ્હીથી સુરત આવી રહેલી ફ્લાઇટના પાઇલટની આંખો પર પડ્યો ગ્રીન લેસર પ્રકાશ, લેન્ડિંગ સમયે સર્જાઈ ગંભીર સ્થિતિ; કતારગામ વિસ્તાર તરફથી લેસર મારાયું હોવાની પ્રાથમિક આશંકા

સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શનિવારે રાત્રે એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-6511ના પાઇલટે લેન્ડિંગ દરમિયાન પોતાની કોકપિટમાં ગ્રીન લેસર બીમ પડ્યાની જાણ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને કરી હતી. આ ઘટના બાદ એરપોર્ટ ઓથોરિટી, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF), એર ટ્રાફિક કંટ્રોલ અને સુરત પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગયા હતા.

લેન્ડિંગ દરમિયાન દેખાયો ગ્રીન લેસર
મળતી માહિતી મુજબ ઇન્ડિગોની ફ્લાઇટ 6E-6511 શનિવારે રાત્રે લગભગ 8:10 વાગ્યે નવી દિલ્હીથી ઉડાન ભરી હતી અને રાત્રે આશરે 10 વાગ્યે સુરત એરપોર્ટ પર લેન્ડિંગ માટે અંતિમ તબક્કામાં હતી. જ્યારે વિમાન રનવેથી અંદાજે 7 નોટિકલ માઇલ દૂર હતું ત્યારે પાઇલટે કોકપિટમાં ગ્રીન લેસર બીમ દેખાતાં તરત જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જાણ કરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ લેસરનો પ્રકાશ પ્રથમ વખત રાત્રે લગભગ 9:56 વાગ્યે જોવા મળ્યો હતો.

ATCએ તરત શરૂ કરી કાર્યવાહી
પાઇલટની જાણ મળતા જ એર ટ્રાફિક કંટ્રોલે તાત્કાલિક એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI), CISF અને અન્ય સંબંધિત એજન્સીઓ સાથે સંકલન સાધ્યું.અધિકારીઓએ સૌથી પહેલા વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ સુનિશ્ચિત કર્યું અને ત્યારબાદ લેસરનો સ્ત્રોત શોધવાની કાર્યવાહી શરૂ કરી.

પાઇલટની દ્રષ્ટિ પર પડી શકે ગંભીર અસર
એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું કે લેસર બીમ સીધી પાઇલટની આંખો પર પડે તો થોડા સમય માટે દ્રષ્ટિ પ્રભાવિત થઈ શકે છે.લેન્ડિંગ દરમિયાન પાઇલટનું સંપૂર્ણ ધ્યાન રનવે પર હોવું જરૂરી હોય છે. આવા સમયે લેસરનો પ્રકાશ પડવાથી અકસ્માતની સંભાવના વધી શકે છે. આ કારણસર વિશ્વભરમાં આવી ઘટનાઓને અત્યંત ગંભીર ગણવામાં આવે છે.

કતારગામ વિસ્તાર તરફથી આવ્યો હોવાની આશંકા
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગ્રીન લેસરનો પ્રકાશ સુરતના કતારગામ વિસ્તાર તરફથી આવ્યો હોવાની સંભાવના છે.આ માહિતી મળ્યા બાદ એર ટ્રાફિક કંટ્રોલે કતારગામ પોલીસનો સંપર્ક કર્યો અને લેસરનો ઉપયોગ કરનાર વ્યક્તિને શોધવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની સૂચના આપી.

CISF અને પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન
ઘટના બાદ CISF, સ્થાનિક પોલીસ અને એરપોર્ટ સુરક્ષા અધિકારીઓએ સંયુક્ત તપાસ હાથ ધરી.કતારગામ વિસ્તારમાં પાર્ટી પ્લોટ, ખુલ્લા મેદાનો અને જ્યાંથી લેસરનો ઉપયોગ થઈ શકે એવા સ્થળોની તપાસ કરવામાં આવી.આ ઉપરાંત આસપાસની ઊંચી ઇમારતો પર પણ તપાસ હાથ ધરવામાં આવી કે ક્યાંક ત્યાંથી લેસર લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે નહીં.

પોલીસ ઇન્સ્પેક્ટરનું નિવેદન
કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટર એલ. આર. ગોહિલએ જણાવ્યું કે એર ટ્રાફિક કંટ્રોલ તરફથી માહિતી મળ્યા બાદ તમામ સંભવિત સ્થળોએ તપાસ કરવામાં આવી હતી,પાર્ટી પ્લોટ, બિલ્ડિંગ અને અન્ય સ્થળોની તપાસ કરીને લેસરનો મૂળ સ્ત્રોત શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલ સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.

નાગરિકોને મહત્વની અપીલ
ઘટના બાદ CISFએ જાહેર અપીલ કરી છે કે એરપોર્ટની આસપાસના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ લેસર લાઇટ, હાઇ-પાવર લેસર ડિવાઇસ અથવા ડ્રોનનો ઉપયોગ કરવો નહીં.આ પ્રકારની પ્રવૃત્તિ માત્ર ગેરકાયદેસર જ નથી પરંતુ વિમાનની સુરક્ષા માટે પણ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

કડક કાયદાકીય કાર્યવાહી થશે
એરપોર્ટ અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ વિમાન તરફ લેસર પ્રકાશ ફેંકતા ઝડપાશે તો તેની સામે સંબંધિત કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.વિમાનની સુરક્ષામાં વિક્ષેપ લાવવો ગંભીર ગુનો માનવામાં આવે છે અને આવા કૃત્યો માટે કાયદા મુજબ સજા તથા દંડ બંનેની જોગવાઈ છે.

એવિએશન સેફ્ટી માટે મોટો ખતરો
એવિએશન નિષ્ણાતોના જણાવ્યા મુજબ ટેક-ઓફ અને લેન્ડિંગનો સમય સૌથી સંવેદનશીલ હોય છે. આ દરમિયાન પાઇલટનું ધ્યાન માત્ર રનવે અને સાધનો પર હોવું જરૂરી છે.જો આ સમયે લેસરનો તેજ પ્રકાશ કોકપિટમાં પડે તો પાઇલટને થોડા સમય માટે દેખાવામાં મુશ્કેલી પડી શકે છે, જેના કારણે ગંભીર અકસ્માત પણ સર્જાઈ શકે છે.

તપાસ ચાલુ
હાલ સમગ્ર મામલે કતારગામ પોલીસ, એરપોર્ટ ઓથોરિટી, ATC અને CISF દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓ CCTV ફૂટેજ, સ્થાનિક માહિતી અને અન્ય ટેક્નિકલ પુરાવાઓના આધારે લેસરનો ઉપયોગ કરનાર વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ઇન્ડિગોની ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં સફળતા મળી હતી. જોકે આ ઘટનાએ સુરત એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા અને એરપોર્ટની આસપાસ લેસર ડિવાઇસના બેફામ ઉપયોગ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. હવે તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top