Gujarat

સુરતમાં IPL મેચ પર સટ્ટાબાજીનો પર્દાફાશ : પાલ પોલીસનો મોટો દાવ, યુવક ઝડપાયો

સુરત શહેરમાં ચાલી રહેલી IPL T-20 ક્રિકેટ મેચ દરમિયાન ઓનલાઈન સટ્ટાબાજી અને હાર-જીતના જુગાર સામે પાલ પોલીસ સ્ટેશનની ટીમે સફળ કાર્યવાહી હાથ ધરી એક યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી આશરે રૂ. 50 હજાર કિંમતનો મોંઘો મોબાઇલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી શૈફાલી બારવાલ તથા “એન” ડિવિઝનના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શહેરમાં ચાલી રહેલા જુગાર, પ્રોહિબિશનના ગુનાઓ સામે કડક વોચ રાખવામાં આવી રહી છે. તે જ અભિયાન અંતર્ગત પાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એ. ભટ્ટના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી.

આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક ઇસમ હાલમાં ચાલી રહેલી IPL T-20 ક્રિકેટ મેચ પર હાર-જીતનો સટ્ટો ચલાવી રહ્યો છે. મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. સાથે જ તપાસ દરમિયાન આરોપી પાસેથી VIVO કંપનીનો X Fold5 મોડલનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 50,000 હોવાનું સામે આવ્યું છે.

પકડાયેલા આરોપીની ઓળખ ધીરેન કૌશિકભાઈ જાદવ (ઉંમર 26 વર્ષ) તરીકે થઈ છે. આરોપી કોસ્મેટિક માર્કેટિંગનો વ્યવસાય કરે છે અને સુરતના કેનાલ રોડ વિસ્તારમાં રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.આ મામલે પાલ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે IPL દરમિયાન ઓનલાઈન સટ્ટાબાજી અને ગેરકાયદેસર જુગારના ધંધાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

Most Popular

To Top