Columns

મિત્ર કોણ

વિક્રમ અને સૂરજ બંને શાળાજીવનથી મિત્રો હતા. વિક્રમ ધનિક ઘરનો, સૂરજ ગરીબ. છતાં બંને વચ્ચે ક્યારેય અમીર-ગરીબનો ભેદ ન હતો.વિક્રમ હંમેશા સુરજની સાથે જ દેખાતો, સુરજના ઘરે જમતો અને પોતાની બધી વસ્તુઓ સુરજને આપતો.બંને સાથે જ રમતા મોટા થયા.કોલેજમાં આવ્યા. રોજ વિક્રમ પોતાની બાઈક લઈને સુરજને ઘરે લેવા આવતો અને બંને સાથે કોલેજ જતા અને કોલેજ પૂરી થતાં સાથે મળીને નવું સ્ટાર્ટઅપ શરૂ કરવાનાં સપનાં જોતા. આમ દિવસો વિતતા હતા પણ અચાનક વિક્રમના પિતાને બિઝનેસમાં મોટી ખોટ ગઈ અને તેમને હાર્ટએટેક આવી ગયો… ઘર ગયું… ઇજ્જત ગઈ… ડૂબતો ધંધો બચાવવાની જવાબદારી વિક્રમ પર આવી ગઈ. કોઈ ધનિક મિત્રો કે સગાંવહાલાં મદદ કરવા આગળ ન આવ્યા. બધા જ ધીરે ધીરે દૂર થઈ ગયા અને સાથ છોડી ગયા.

પણ સાચો મિત્ર સૂરજ….. તેણે સાથ ન છોડ્યો. તે રોજ આવ્યો…તે હંમેશા સાથે રહ્યો.વિક્રમના પપ્પા પાસે હોસ્પીટલમાં પણ વિક્રમની  સાથે અને બિઝનેસ બચાવવા ઓફિસમાં પણ તે વિક્રમની સાથે… ક્યારેક ટિફિન લઈ આવ્યો, ક્યારેક ફક્ત પાસે બેઠો.ક્યારેક નવા ઉપાય શોધતો. સૂરજે નાની લોનની વ્યવસ્થા પણ કરી અને તે લોન મેળવી વિક્રમ અને સુરજે વિક્રમના પિતાનો બિઝનેસ પડી ભાંગતાં અટકાવ્યો અને બંને દોસ્તોએ થોડાં વર્ષોમાં બિઝનેસ ફરી ઊભો કરી દીધો .

થોડાં વર્ષોમાં વિક્રમ ફરી સફળ થઈ ગયો. તેને ‘યંગ બિઝનેસમેન’નો એવોર્ડ મળ્યો. તે દિવસે ઘણાં લોકો આવ્યાં, ભેટો લાવ્યા, તું અમારો દીકરો, તું મારો ખાસ ,તું અમારો દોસ્ત એમ કહીને મુબારકબાદ આપી ભેટવા લાગ્યા. વિક્રમ ઊભો થઈ બોલ્યો — ‘‘આપ સહુ આજે મારા આનંદમાં ભાગ લેવા દોડી આવ્યા છો પણ મારો આ એવોર્ડ અને આ પાર્ટી અને મારું આ જીવન ફક્ત એક માણસ માટે છે  અને તે છે મારો એક માત્ર મિત્ર સૂરજ. તમે બધાં વર્ષો બાદ આજે ખુશીમાં સાથ દેવા આવ્યા, પણ તે મારા દુઃખમાં આવ્યો અને સાથ છોડીને ક્યારેય ગયો નહિ.’’  સાચો મિત્ર ઉત્સવમાં નહીં, ઉપાધિ આવે ત્યારે ઓળખાય. જ્યારે જિંદગી ખાલી હોય, ત્યારે જે પ્રેમ,સાથ  અને ખુશીથી ભરે — એ મિત્ર.

Most Popular

To Top