આ વિસ્તારમાં હજુ પણ પીસીબી દ્વારા રેડ કરવામાં આવે તો ઘણા દારૂ અને જુગારના અડ્ડા પર્દાફાશ થાય તેમ છે
પાણીગેટ પોલીસ સ્ટેશનના પી.આઈ અને સ્ટાફની નિષ્ક્રિય કામગીરી સામે ઉઠેલા સવાલ
વડોદરા તા.21
પાણીગેટ પોલીસના આશીર્વાદથી વિસ્તારમાં દારૂ અને જુગારના અડ્ડા બિન્દાસ્ત રીતે ધમધમી રહ્યા છે, પરંતુ પીઆઇ એ બી પટેલ સહિતના સ્ટાફ આ ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિ સામે કાર્યવાહી નહીં કરી ઉદાસીનતા દાખવે છે. જેના પગલે અન્ય એજન્સીએ આ વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ધંધા સામે સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે અને ચંદ્રપ્રભા નગર ઉડાના મકાનમાં ધમધમતા જુગારધામ પર પીસીબીએ દરોડો પાડી 11 ખેલીને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન રોકડ રકમ, મોબાઇલ ફોન અને મળી રૂ. 78 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પાણીગેટ પોલીસ સ્ટેશનની નિષ્ક્રિય કામગીરીના કારણે બુટલેગરો અને જુગારના અડ્ડા ચલાવનાર શખ્સોને મોકળુ મેદાન મળી ગયું છે. પરિણામે આ વિસ્તારમાં દારૂ અને જુગારના અડ્ડા બેખૌફ ચાલી રહ્યા છે.
દરમિયાન બુધવારના રોજ પીસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે પાણીગેટ વિસ્તારના ચંદ્રપ્રભાનગર વુડાના મકાન બ્લોક નં. 02, રૂમ નં. 10 ખાતે બચુભાઈ વસાવા પોતાના મકાનમાં જુગારધામ ધમી રહ્યો છે.જેના આધારે પીસીબીની ટીમે બાતમી મુજબના સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડાની પગલે જુગારીયાઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે મકાનની અંદરથી કેટલાક ઇસમો ગોળ કુંડાળું વળી પત્તા-પાનાથી જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.
પોલીસે સ્થળ પરથી મુખ્ય આરોપી બચુ કાલુ વસાવા સહિત મહેશ પાટણવાડીયા, લીલા દેવીપુજક, નવીન મુનારા, કુણાલ ચીખલે, પોચેશ વસાવા, દિપક દેવીપુજક, પ્રવિણ વણઝારા, આકાશ રાઠોડ, વિજય રાઠોડ અને શંકર માછી સહિત 11 ખેલીને ઝડપી પાડ્યા હતા. જ્યારે પાણીગેટ પોલીસ ઊંઘથી ઝડપાઈ હતી.પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, 7 મોબાઇલ સહિત રૂ. 78 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પીસીબીએ જુગારીયાઓ અને મુદ્દામાલ પાણીગેટ પોલીસને સોંપ્યા છે.