વહેલી સવારે સફાઈ કામદારો વચ્ચે પહોંચ્યા પ્રમુખ
ડભોઇ: નગરપાલિકામાં આઠ વર્ષ બાદ કોંગ્રેસને સત્તા મળ્યા પછી નવી કાર્યશૈલીની શરૂઆત જોવા મળી રહી છે. નગરપાલિકાના પ્રમુખ તરીકે પુષ્પાબેન રાવળની વરણી થયા બાદ તેમણે પ્રથમ દિવસથી જ એક્શન મોડ અપનાવ્યો છે. વહેલી સવારે તેઓ સફાઈ કામદારો વચ્ચે પહોંચી મોહન પાર્ક વિસ્તારમાં ચાલતી સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પ્રમુખની મેદાનમાં ઉતરેલી કાર્યશૈલીથી નગરપાલિકામાં નવી ઉર્જાનો સંચાર થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કામચોર કર્મચારીઓ માટે કપરા દિવસોની શરૂઆત!
તાજેતરમાં નગરપાલિકાના મસ્ટર પરના કેટલાક કર્મચારીઓ એસી રૂમમાં આરામ ફરમાવતા હોવાના ફોટા અને સમાચાર સામે આવ્યા હતા, જેને લઈને લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. ત્યારે નવી પ્રમુખે પ્રથમ દિવસથી જ કડક વલણ દાખવી વિકાસ અને સફાઈને પ્રાથમિકતા આપવાનો સંદેશ આપ્યો છે. આવનારા સમયમાં ડભોઇના હિતમાં મોટા નિર્ણયો લેવાય તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. નગરપાલિકામાં કામચોર કર્મચારીઓ માટે હવે કપરા દિવસો આવશે તેવી ચર્ચાઓ પણ જોર પકડી રહી છે.
ડભોઇને સ્વચ્છ, સુંદર અને વિકાસશીલ બનાવવા માટે નગરજનોનો સહકાર પણ એટલો જ જરૂરી હોવાનું મનાઈ રહ્યું છે. લોકોનો સાથ મળશે તો ડભોઇની ચમક વધુ વધશે એ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.
રિપોર્ટર: દીપક જોશી