Vadodara

વડોદરા રેલવે સ્ટેશન પર ઈ-વ્હીકલ સેવા સામે કુલીઓનો વિરોધ, સમાધાન ફોર્મ્યુલા તૈયાર

12 કુલીઓને ઈ-રિક્ષા ચલાવવાની ટ્રેનિંગ અપાશે, બે વાહનમાં 6-6 કુલીને રોજગાર મળશે :

( પ્રતિનિધિ )વડોદરા,તા.18

વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી પેસેન્જર ઈ-વ્હીકલ સેવાને લઈને લાયસન્સધારક કુલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો. પ્લેટફોર્મ પર ઈ-રિક્ષા શરૂ થતા કુલીઓની રોજીરોટી પર અસર થતી હોવાના આક્ષેપ સાથે કુલીઓએ રેલવે તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.

રેલવે તંત્ર દ્વારા વૃદ્ધ, અશક્ત અને વધુ સામાન ધરાવતા મુસાફરોને પ્લેટફોર્મ સુધી સરળતાથી પહોંચાડવા માટે ઈ-વ્હીકલ સેવા શરૂ કરાઈ હતી. જોકે કુલી એસોસિએશનનું કહેવું છે કે, મુસાફરોનો સામાન માથા પર ઉંચકીને પ્લેટફોર્મ સુધી પહોંચાડવો એ જ તેમનું મુખ્ય આવકનું સાધન છે. હવે મુસાફરો સીધા ઈ-રિક્ષાનો ઉપયોગ કરતા હોવાથી કુલીઓની દૈનિક આવકમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી કામ મળવાનું બંધ થઈ ગયું હોવાની ફરિયાદ કુલીઓએ કરી હતી. કુલીઓના વિરોધને પગલે રેલવેના વરિષ્ઠ અધિકારીઓ અને કુલી એસોસિએશનના આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી.

લાંબી ચર્ચા બાદ બંને પક્ષે સમાધાનના ફોર્મ્યુલા પર સહમતિ સધાઈ હતી. સ્ટેશન પર કાર્યરત કુલ 140 કુલીઓમાંથી 12 કુલીઓને ઈ-વ્હીકલ ચલાવવાની વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે. હાલ સ્ટેશન પર શરૂ કરાયેલા બે ઈ-વ્હીકલમાં 6-6 કુલીઓને રોટેશન પદ્ધતિથી કામ આપવામાં આવશે, જેથી તમામને સમાન તક મળે. કુલીઓના આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં વધુ મોટી સંખ્યામાં અથવા મોટા કદના ઈ-વ્હીકલ્સ શરૂ કરવામાં આવશે તો તેઓ ફરી ઉગ્ર વિરોધનો માર્ગ અપનાવશે. બીજી તરફ રેલવે તંત્રનું માનવું છે કે ઈ-વ્હીકલ સેવા ખાસ કરીને વૃદ્ધો, દિવ્યાંગો અને બાળકો સાથે મુસાફરી કરતા પરિવારો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. ભારે સામાન સાથે લાંબા પ્લેટફોર્મ પર ચાલવું મુશ્કેલ બનતું હતું, જે સમસ્યા હવે હલ થઈ છે. હાલ પૂરતો વિવાદ શાંત પડ્યો છે, પરંતુ કુલીઓની માંગ છે કે તેમની પરંપરાગત રોજગારીને અસર ન થાય તે રીતે જ આધુનિક સુવિધાઓનો વિસ્તાર થવો જોઈએ.

Most Popular

To Top