India

અખિલેશ યાદવના સાવકા ભાઈ પ્રતીક યાદવનું નિધન

લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી Akhilesh Yadav ના સાવકા ભાઈ પ્રતીક યાદવના અચાનક નિધનથી રાજકીય વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ પ્રતીક યાદવે બુધવારે લખનઉની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા થોડા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા.
પ્રતીક યાદવ સમાજવાદી પાર્ટીના સ્થાપક અને પૂર્વ રક્ષામંત્રી Mulayam Singh Yadav ના નાના પુત્ર હતા. તેઓ ખુબજ સરળ સ્વભાવ ના હતા સાથેજ રાજકારણથી દૂર રહીને બિઝનેસ અને ફિટનેસ ક્ષેત્ર સાથે જોડાયેલા હતા. ઉત્તર પ્રદેશમાં તેઓ એક સફળ રિયલ એસ્ટેટ અને ફિટનેસ ઉદ્યોગપતિ તરીકે ઓળખાતા હતા.

પ્રતીક યાદવ ભાજપ નેતા Aparna Yadav ના પતિ હતા. વર્ષ 2011માં બંનેના લગ્ન થયા હતા અને ત્યારથી તેઓ વારંવાર રાજકીય તેમજ સામાજિક ચર્ચાઓમાં જોવા મળતા હતા. અપર્ણા યાદવના ભાજપમાં જોડાયા બાદ પણ પ્રતીક યાદવ રાજકારણથી મોટાભાગે દૂર જ રહ્યા હતા.અહેવાલો મુજબ પ્રતીક યાદવની તબિયત બગડતા તેમને તાત્કાલિક લખનઉની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના નિધનની ખબર સામે આવતા સમાજવાદી પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

પ્રતીક યાદવનો પરિવાર ઉત્તર પ્રદેશના સૌથી પ્રભાવશાળી રાજકીય પરિવારોમાં ગણાય છે. તેમના સાવકા ભાઈ અખિલેશ યાદવ હાલમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સક્રિય છે. બીજી તરફ, પ્રતીક યાદવ જાહેર જીવનમાં ઓછી હાજરી આપતા હોવા છતાં પોતાના વ્યવસાય અને ફિટનેસ લાઇફસ્ટાઇલને કારણે ચર્ચામાં રહેતા હતા. તેમના નિધન બાદ વિવિધ રાજકીય નેતાઓ અને કાર્યકરોએ સોશિયલ મીડિયા મારફતે શ્રદ્ધાંજલિ પાઠવી છે. યાદવ પરિવાર માટે આ એક મોટો આઘાત માનવામાં આવી રહ્યો છે. હાલમાં પરિવારજનોએ અંતિમવિધિ અંગેની તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top