Columns

આપણે નક્કી કરવાનું છે

રજત કોલેજમાંથી પગ પછાડતો ઘરે આવ્યો, તેનું જીન્સ ફાટેલું હતું અને સફેદ શર્ટ પર ઘણા ડાઘા હતા મમ્મી એ પૂછ્યું ‘શું થયું?’ રજતે કંઈ જવાબ ન આપ્યો અને પોતાની રૂમમાં જતો રહ્યો. રૂમમાંથી પણ તોડફોડ થવાનો અવાજ આવ્યો.  થોડી વારે રજત રૂમમાંથી બહાર આવ્યો મમ્મીએ કંઈ ન કહ્યું પણ દાદાએ પૂછ્યું, ‘રજત શું થયું છે?’ રજતે કહ્યું, ‘આજે ક્રિકેટ રમતા રમતા કોલેજમાં ક્રિકેટ ટીમના કેપ્ટન સાથે ઝઘડો થઈ ગયો. હવે હું તેને બરાબર દેખાડી દઈશ. મારું બેટ જોયું છે ને આ બેટથી તેના ટાંટિયા તોડી નાખીશ અને બરાબર જોઈશ કે કેવી રીતે ક્રિકેટ રમી શકે છે.’ 

દાદા રજતની સામે જોતા રહ્યા… દાદાના મુખ પર એવા ભાવ હતા જાણે કોઈ અજાણ્યા ને જોઈ રહ્યા હોય. દાદાએ રજતને કહ્યું, ‘શાંત થા… એક ગ્લાસ પાણી પી અને મારી બાજુમાં આવીને બેસ.’ રજત પાણી પીને દાદાની બાજુમાં જઈને બેઠો.  દાદાએ પોતાના હાથમાં એક પેન લીધી, નીચે ફેંકી, પેન નીચે પડી… દાદાએ પોતાના ચશ્માનું કવર લીધું હાથમાંથી નીચે ફેક્યું, કવર નીચે પડ્યું… દાદાએ રજતના હાથમાં ખાલી પાણીનો ગ્લાસ હતો તેની તરફ આંગળી ચીંધતા. રજતને કહ્યું, ‘આ ગ્લાસને નીચે ફેક.’ અને રજતે ગ્લાસ ફેંક્યો ફેંક્યો અને ગ્લાસ નીચે પડ્યો.

 રજતને કંઈ સમજાયું નહીં કે આ દાદા શું કામ બધી ચીજો નીચે ફેંકી રહ્યા છે… દાદા બોલ્યા, ‘ આ પેન હોય, આ ચશ્માનું કવર હોય કે પછી તારા હાથનો ગ્લાસ આ કોઈ વસ્તુ પોતે નક્કી નથી કરતી કે તે નીચે પડે છે કે ક્યારે નીચે પડશે કે  કેવી રીતે નીચે પડશે કે કેટલી નીચે પડશે. કારણ આ બધું આ  વસ્તુઓ નક્કી કરી જ શકતી નથી પણ આપણે તો માણસો છીએ ને!’ આટલું બોલીને દાદા અટકી ગયા અને રજતથી સામે જોઈ રહ્યા. રજતે દાદાને પૂછ્યું, ‘દાદા, તમે શું કહેવા માંગો છો?’ દાદાએ કહ્યું, ‘રજત. સાંભળ મારી વાત તું આજે બોલ્યો ફરી ક્યારેય નહીં બોલતો કે હું તેના પગ તોડી નાખીશ અને જોઈ લઈશ કે તે ક્રિકેટ કેવી રીતે રમે છે આ તારા સંસ્કાર નથી.

આ તારા ગુણ નથી.. આ તારા વિચારો નથી… માત્ર ગુસ્સા, અભિમાન અને હરીફાઈ જીતવાની જીદને કારણે તું આટલો નીચે પડીશ? રજત આપણે માણસો નક્કી કરી શકીએ છીએ કે આપણે ક્યારે નીચે પડવું છે કેટલા નીચે જવું છે… જીવનમાં આપણું સ્તર કેટલું નીચે લાવવું છે… સ્વભાવમાં, વિચારમાં, વાણીમાં, વર્તનમાં, શબ્દોમાં, માણસ પોતે નક્કી કરી શકે છે કે તેને કેટલા નીચે પડવું છે કે કેટલા ઉપર ઊઠવું છે માટે જાતે જ નક્કી કર આ જ પછી આવું એલફેલ ખરાબ વર્તન અને ખરાબ વિચારો અને ખરાબ વાક્યો ક્યારેય બોલતો નહીં તારું સ્તર નીચું કરતો નહીં.’ રજતને પોતાની ભૂલ સમજાઈ ગઈ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top