Comments

ઈડી આળસ મરડીને બેઠી થઈ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની કાર્યપ્રણાલિ, તેઓ અસ્તિત્વમાં આવી ત્યારથી શંકાના ઘેરામાં છે. જે નામચીનોનાં નામ આ સંસ્થાઓને ચોપડે નોંધાયા તેમાંના કોઈને ક્યારેય સજા થઈ નથી. થોડા મહિનાઓ અગાઉ સુરેશ કલમાડીનું પૂણેમાં અવસાન થયું ત્યારે ભવ્ય અંતિમ યાત્રા કાઢવામાં આવી. કોમનવેલ્થમાં જે અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો તે કલમાડીના નામે ચડાવાયો હતો.

મિડિયાએ ગોટાળાને એટલો ચગાવ્યો હતો કે લોકોને પણ થયું કે હવે કલમાડી બચશે નહીં. એ વખતે કલમાડી વટથી બોલતા હતાં કે મને જે કોઈ ફસાવવા માગશે એને હું ફગાવી દઈશ. કોમનવેલ્થ કૌભાંડના પગલે સુપર પીએમ સોનિયા ગાંધીની સરકાર જતી રહી, પરંતુ કલમાડીનો વાળ વાંકો ન થયો. વાસ્તવમાં કૌભાંડના સુત્રધારો સોનિયા ગાંધી અને શરદ પવાર હશે એવું પ્રજાને સમજાવા લાગ્યું.

આજે એ કોંગ્રેસી કૌભાંડ યુગને બારેક વરસ વિતી ગયા છે. ટુજી સ્કેન્ડલવાળા કનીમોઝી સન્માનનીય નેતા તરીકે સંસદ શોભાવે છે. એ રાજા, ભાજપની ટીકા કરતા રહે છે. રોબર્ટ વાડરા વારંવાર જીમનેશિયમમાં જોવા મળે છે. ક્યારેક બોલે તો બફાટ કરી નાખે. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીને જાણે કે મોદી સરકારે નિર્દોષ ઠરાવી દીધા છે. કોર્ટે નથી ઠરાવ્યા. મોદી લોકોનું સ્વમાનભંગ બદલ રાહુલ ગાંધીને કાગળ પર સજા થઈ, પણ થઈ નથી. બે દેશોના પાસપોર્ટ બાબતે હમણા રાહુલને સંકજામાં લેવા માટે કાર્યવાહી આગળ ચાલે ત્યાં જ અટકાવી દેવામાં આવી. રાહુલને અગાઉ પણ, જ્યાં ગુનેગાર ઠરી શકે તેમ હતા ત્યાં માફ કરી દેવામાં આવ્યા છે. આવી યાદી લાંબી છે. આ શું બતાવે છે? બસ એ જ કે, મોટાં મોથાંઓને સજા કરવાની નથી. એવો ડર બતાવવામાં આવે કે તેઓને લોકોની સહાનુભૂતિ મળી જશે. શું એ કારણ માત્રથી ભ્રષ્ટાચાર, ગુનાખોરી અને કાયદાની ફજેતી ચલાવવા દઈ શકાય?

પરંતુ અહીં કારણ ભ્રષ્ટાચારનું નથી. શક્ય છે કે આજે જેમને સજા થઈ તેઓ આવતીકાલે સત્તા પર પણ આવી શકે છે. તેઓ રિવેન્જનો રિવેન્જ લે તો આજના હાકેમો કાલના કેદીઓ બની શકે. માટે એક સમર્થ વર્ગને કાયદાના વર્તુળમાંથી બહાર રખાયો છે.  પરંતુ જેમ પી.ચિંદબરમને એક વખત ઘેરવામાં આવ્યા હતા એ પ્રકારનાં નાનાં મોટાં છમકલાં ચાલતા રહે છે. ઈ.ડી.એ. 17મે 2019ના રોજ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હૂડા સામે મની લોન્ડરીંગનો કેસ નોંધાવ્યો હતો.

 જેમાં ગુરુગ્રામની 1400 એંકરથી વધુ જમીન બજાર ભાવ કરતા ખૂબ ઓછી કિંમતે વેચવાની જમીન ધારકને ફરજ પાડવામાં આવી હતી. ઈડીએ આ મામલો ઈડીની કાર્યપદ્ધતિને છાજે એવી ઢબે આગળ વધાર્યો. છાપાઓ મારવામાં આવ્યા. સંપત્તિઓ કબ્જે કરવામાં આવી. પરંતુ ત્યારબાદ કશું જ નહીં. સાવ ખામોશી અને સાતેક વરસનાં બોલકાં મૌનના વાણાં વાયાં ત્યારબાદ હમણા હુડા સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. મની લોન્ડરીંગની સ્પેશિયલ કોર્ટમાં તે નોંધાવવામાં આવી છે. ઈડી સમક્ષ છ હજારથી વધુ મામલાઓ પડી રહેલા છે. જેમાં ચાર્જશીટ નોંધાવવામાં આવી નથી. હવે હમણાંથી તેનો નિકાલ કરવાની દિશામાં ગતિ આણવામાં આવી છે. ઈડીની કાર્યશૈલીમાં ઝડપ લાવવાની વાત થઈ રહી છે. કામકાજની તરાહ બદલાવવી જરૂરી છે. પરંતુ તે માટે અગાઉના વિલંબિત કેસોનો નિકાલ જરૂરી છે.

આખરે મામલાઓ કોર્ટ સુધી પહોંચાડવા અને જે કંઈ ચૂકાદો આવે તે મેળવ્યા બાદ જ તેનો નિકાલ થઈ શકે. જોકે ઈડી ધારે તો અદાલતને કહી શકે કે તપાસમાં કશું મળ્યું કે વળ્યું નથી.  ઈડી એને સીબીઆઈ, બંનેની ત્વચા એટલી ઘટ્ટ કે જાડી બની ગઈ છે કે સુપ્રીમ કોર્ટ, વિપક્ષ મિડિયા કે પછી કોઈપણ તેની ટીકા કરે તો ભેંસના વાંસા પર પાણી નાખવાથી જે થાય એવી અસર તેના અધિકારીઓ પર થાય છે. વરસ 2005 થી 2014 સુધીના નવ વરસમાં ઈડીએ માત્ર 84 ચાર્જશીટ, જેને પીસી અથવા પ્રોસિક્યુશન કમ્પ્લેઈન્ટ કહે છે તે દાખલ કર્યા છે.

વરસની લગભગ નવ ચાર્જશીટ સરકારને આ વિભાગ કેટલો મોંઘો પડતો હશે તે આ આંકડાઓ પરથી સમજાય છે. ત્યારબાદ 2014માં મોદી સરકાર રચાઇ. 2014થી 2024માં વરસ દહાડે સરેરાશ 132 ચાર્જશીટ દાખલ કરાવાઈ. ટૂંકમાં સરકાર બદલવાની સાથે ઘણી તેજી આવી. પરંતુ કોઈ ખાસ સજાવારી થઈ નથી. ઈડીના ડિરેક્ટર તરીકે હવે રાહુલ નવીન આવ્યા છે અને એ સંસ્થાની તરાહ બદલવા માંગે છે. ઝડપ તેથી વધી છે, પરંતુ અગાઉ ચાર્જશીટ દાખલ કરવામાં વરસો નિકળી જતાં તે માટે એક મહત્ત્વનું કારણ એ પણ હતું કે ઈડીના કેસો અલગ અલગ અધિકારીઓમાં વહેંચાયેલા રહેતાં હતાં અને શકમંદો સામે કાર્યવાહી ચલાવવાને બહાને બધા નહીં તો પણ ઘણા અફસરો શકમંદ અથવા આરોપીને સમન્સ વગેરે મોકલાવીને તેઓ પાસેથી રૂશ્વત તરીકે પૈસા ખંખેરતા રહેતા હતા.

એક વખત કેસ અદાલતમાં જતો રહે પછી એ બોરડી ઈડી માટે નકામી બની જાય. માટે વરસો સુધી તેને ખંખેરવટની હોય તો ચાર્જશીટ જેમ બને તેમ મોડી દાખલ કરવી એ ઉપાય હતો. તાજ છાપ સિગારેટ પર એક વાક્ય લખેલું રહેતુ, ‘‘ધીમી બળે છે અને વધુ લિજ્જત આપે છે’’ ઈડીએ પણ એ જ વિજ્ઞાન અપનાવ્યું હતું. હવે રાહુલ નવીન સક્રિય થયા છે. વરસ 2026માં કમ સે કમ પાંચસો કેસમાં ચાર્જશીટ દાખલ કરવાનો લક્ષ્યાંક એમણે રાખ્યો છે. જેમ બને તેમ વધુ અને વધુ ગુનેગારોને સજા કરાવવાનો ઈરાદો હોય તો વધુ સારું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top