Comments

યુદ્ધ વકરે તો ખાડીના દેશોમાં વસતા ભારતીયો અને ભારત પર એની શું અસર થશે?

એપ્રિલ 2026ના અંતમાં ઈરાન-ઈઝરાયેલ અમેરિકા વચ્ચે યુદ્ધવિરામના સમાચારે થોડી રાહતની લાગણી જન્માવી હતી. આના એક કરતાં વધુ કારણો છે. પહેલું ભારત આવતું ખનિજ તેલ અને ગેસનો 50 ટકા જથ્થો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે, જે આ યુદ્ધને કારણે ખોરવાયો હતો એને યુદ્ધવિરામના સમય દરમિયાન અંશતઃ પુનઃસ્થાપિત કરી શકાયો. હવે પાછું જો યુદ્ધ ભડકે તો ભારતે ઊર્જા કટોકટીનો સામનો કરવો પડે.

ડોલર સામે રૂપિયો 95ની સપાટીને ટપલીદાવ કરી આવ્યો તે કદાચ 98-99-100ની સપાટીને આંબી જાય તો ભારત માટે આયાતો અત્યંત મોંઘી બને અને ભારતમાં ઊર્જાની કિંમત તેમજ પ્રાપ્તિ બંનેને કારણે અર્થવ્યવસ્થા સામે મોટી કટોકટી ઊભી થાય. બીજું, ખાડીના દેશોમાં લગભગ એક કરોડ જેટલાં ભારતીયો પેટિયું રળવા માટે કામ કરી રહ્યાં છે. હજુ એમાંનાં મોટા ભાગનાં સામે દેશ પરત ફરવું પડે તેવી પરિસ્થિતિ ઊભી નથી થઈ પણ જો યુદ્ધ વકરે અને ત્યાંની કંપનીઓ નુકસાન કરતી થાય તે પરિસ્થિતિમાં પોતાનાં કર્મચારીઓની છટણી કરે તો એની અસર ભારતને બે રીતે થાય.

એક, ભારતમાં દર વર્ષે ખાડીના દેશોમાં કામ કરતાં લોકો લગભગ 7થી 7.5 લાખ કરોડ જેટલું વિદેશી હૂંડિયામણ મોકલાવે છે, જેને કારણે વિદેશી મુદ્રાનું ભંડોળ ભારત માટે ચિંતાનો વિષય બન્યું નથી. 2026-27 માટેનું કેન્દ્રીય બજેટ અંદાજે 54 લાખ કરોડ હતું તે જોતાં એની લગભગ 10થી 12 ટકા જેટલી રકમ આપણા ભારતીય નાગરિકોના ખાડીના દેશોમાં કરેલી કાળી મજૂરીના છે, જે એમનાં કુટુંબીજનોને ખર્ચ તેમજ બચત પેટે જાય છે. આ આવક ખૂબ મોટા પાયે ઘટી જાય તો શું થાય?

બીજો મુદ્દો એથી પણ ગંભીર છે: યુદ્ધ વકરે અને ખાડીના દેશોમાંથી 50 ટકા જેટલાં ભારતીયોને પાછાં આવવાની જરૂર પડે તો 50 લાખ જેટલાં લોકોને પરત ફરવાનું કામ ભારત સરકારને માથે આવે એટલું જ નહીં પણ આ પરત આવેલાં લોકો અત્યારે જે બેરોજગારી વધી રહી છે તેમાં ઉમેરો કરવાનું કામ કરે તો ઘરઆંગણે પણ પરિસ્થિતિ વણસે. આમ, અમેરિકા-ઈઝરાયેલ-ઈરાન યુદ્ધમાં ખાડીના દેશો ન જોડાય તે ભારતના હિતમાં છે.

યુએઈની સંડોવણી અને વધતી અસ્થિરતાની વાત કરીએ તો તાજેતરમાં, ઈરાન દ્વારા યુએઈના ફુજૈરાહ તેલ બંદર અને અન્ય નાગરિક વિસ્તારો પર કરાયેલા મિસાઈલ હુમલાઓએ ખાડીના ‘સેફ હેવન’ ગણાતા દેશોની સુરક્ષા પર સવાલો ઊભા કર્યા છે. યુએઈમાં લગભગ ૪૨ લાખ ભારતીયો વસે છે, જે ત્યાંની વસ્તીના ૩૫% જેટલા છે. ઇઝરાયેલ દ્વારા યુએઈને ‘આયર્ન ડોમ’ જેવી સંરક્ષણ પ્રણાલીની મદદ આપવાના અહેવાલોએ ઈરાનને વધુ ઉશ્કેર્યું છે. આ ભૂરાજકીય ખેંચતાણમાં સામાન્ય ભારતીય કામદાર માત્ર પ્રેક્ષક નથી, પરંતુ સીધી રીતે પ્રભાવિત થનાર પક્ષ બની ગયો છે.

ભારતીય સમુદાય માટે સૌથી મોટી ચિંતા આર્થિક અસ્થિરતાની છે. હોસ્પિટાલિટી, પ્રવાસન અને બાંધકામ જેવાં ક્ષેત્રોમાં છટણી શરૂ થઈ ગઈ છે. હોટેલ્સ ખાલી થઈ રહી છે અને નવા પ્રોજેક્ટ્સ અટકી પડ્યા છે. હજારો ભારતીયો આજે ‘જીવ બચાવવો કે આજીવિકા’ તેવા કપરા પ્રશ્ન વચ્ચે ઝઝૂમી રહ્યા છે. જો યુદ્ધ લાંબું ખેંચાશે, તો ભારતમાં આવતા રેમિટન્સમાં મોટો ઘટાડો થઈ શકે છે, જે કેરળ અને તેલંગાણા જેવાં રાજ્યોના અર્થતંત્ર પર ગંભીર અસર કરશે.

ગલ્ફના દેશોમાં વસતાં ભારતીયો માત્ર શ્રમિકો નથી, પરંતુ ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. વર્તમાન યુદ્ધે સાબિત કર્યું છે કે મધ્ય પૂર્વમાં અસ્થિરતાની સીધી અસર ભારતનાં ગામડાઓ સુધી પહોંચે છે. શાંતિ સ્થાપવા માટેની રાજદ્વારી કોશિશો જ હવે એકમાત્ર આશા છે. જો આ સીઝફાયર વધુ નબળો પડશે, તો માનવીય અને આર્થિક સંકટની એવી લહેર આવશે જેને સંભાળવી અત્યંત મુશ્કેલ હશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top